આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪૩ )

અમીર લોકો મને ધિક્કારે છે, હું ખોજો છું તેથી તેઓ એમ સમજે છે કે હું સ્ત્રીઓનાં કામ કરવાને જ માત્ર લાયક છું, અને મારામાં કાંઇ શૂરાતન નથી. તેઓને મારે ખાતરી કરી આપવી છે કે અગર જો પરમેશ્વરે મને નીચ કુળમાં જન્મ આપ્યો છે, મારી પાસે ગુલામગીરી કરાવી છે, મારામાંથી પુરૂષાર્થ લેવડાવી લીધું છે, મને અબળાઓનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું છે, તોપણ તે પરવરદિગારે જોઈએ તેટલી હિંમત તથા બહાદુરી મને બક્ષેલી છે, અને જેમ હું દરબારનું કામ હોશિયારીથી કરી શકું છું, તેમ લડાઇ ઉપર લશ્કર પણ લઇ જઇ શકું છું; માટે જહાંપનાહ ! આપના ગુલામની અરજ કબુલ રાખી એક મોટું લશ્કર તૈયાર કરાવવું જોઈએ અને તેની સરદારી મને આપીને મને દેવગઢ ઉપર મોકલવો જોઇએ.

કાફુરનું આ બોલવું સાંભળીને પાદશાહને ઘણી ખુશી થઇ, અને તેના માનીતા કાફુરની કોઈપણ નજીવી અરજ તે કદી નામંજુર કરતો ન હતો તે આવી મોટી તથા તેને ગમતી વાત શી રીતે નાપસંદ કરે ? વળી દેવગઢ ઉપર ચઢાઈ કરવાથી કાફુરે બતાવ્યા તે પ્રમાણેના ઘણા લાભ ન થાય તો પણ એકલી નકામી, વગર જરૂરની લડાઈ હોરવાનો પણ તેને ઘણો શોખ હતો; લડાઇનું નામ સાંભળીને તે જાગૃત થઈ જતો; તેની નસોમાં લોહી વધારે જુસ્સાથી વેહેતું; તથા તેમાં ઝંપલાવી પડવાને તે તુરત તૈયાર થઈ જતો. તેને લડાઈમાં જાતે જવાની મરજી થઈ, પણ કાફુરના કાલાવાલા ઉપરથી તેણે તે વિચાર છોડી દીધો અને તેને મોકલવાનું કબુલ કીધું.

કૌળાદેવીએ જ્યારે આ વાત સાંભળી, અને દેવગઢ તથા રામદેવનાં નામ તેને કાને પડ્યાં, ત્યારે તેનું આગલું સઘળું દુઃખ યાદ આવ્યું, અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેનો આગલો ધણી કરણ બાગલાણમાં છે એવી તેને ખબર હતી; તેની મોટી છોકરી કનકદેવી મરી ગઈ તે પણ તે જાણતી હતી; અને તેની નાની છોકરી દેવળદેવી તેના બાપની પાસે છે, એમ તેને માલુમ હતું. પાદશાહની