આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪૪ )

પાસે રહેવામાં પોતાને ઘણી તરેહનું સુખ હતું તો પણ તેને વખતે ઘણું એકાંતપણું લાગતું, અને ઘણી વાર ઉદાસ રેહેતી. બઈરાંને છોકરાં પોતાની પાસે રાખવાં ઘણાં ગમે છે, તે પ્રમાણે કૌળાદેવીને પોતાની મોટી થયેલી, તેર વર્ષની છોકરીને બોલાવવાનું ઘણું મન હતું. માની છોકરાં ઉપર ઘણી પ્રીતિ હોય છે, તેની સાથે તેઓ એવું સમજે છે કે છોકરાં ઉપર માના જેટલું બાપનું હેત હોતું નથી, અને તેઓના ઉપર બાપના કરતાં માનોને વધારે હક્ક હોય છે. દેવળદેવીને વાસ્તે તેને જે પ્યાર હતો તેથી તે એવી તો આંધળી થઈ ગઈ કે તેને બેલાવવાથી તેના ભર્તાર કરણને જે દુ:ખ થશે, તથા તેને દીકરીના જવાથી, નિરાધાર થઇ જવાથી, અને ઘણી મુદ્દતની બાપ અને છોકરીની વચ્ચે મજબુત બન્ધાયલી પ્રીતિ તુટવાથી જે સન્તાપ થશે તે સઘળું આ વખતે તે ભુલી ગઈ. તેણે અલાઉદ્દીનને વિનંતિ કીધી કે જ્યારે કાફુર દેવગઢ સુધી જાય છે ત્યારે બાગલાણમાં મારી તેર વર્ષની એક દેવળદેવી નામની છોકરી છે તેને લઈ આવવાનો કાફુરને હુકમ આપવો જોઈએ. અલાઉદ્દીનને આ અરજ ઘણી માકુલ જણાઈ નહીં, તો પણ પોતાની વહાલી રાણીને ખુશ કરવાને તેણે કાફુરને દેવળદેવીને લાવવાનો હુકમ કીધો. કાફુરે એ હુકમ માથે ચડાવ્યો, અને તેને ન લાવું તે મારૂં માથું આપવું એવું વચન આપ્યું.

બીજે દહાડે એક મોટું દરબાર ભરી ત્યાં પાદશાહે પોતાને હાથે કાફુરને માટે શિરપાવ તથા ખિલઅત આપ્યાં, અને હવે પછી તેને નાયબ મલેક કાફુર કહેવો, તથા સઘળા અમીર ઉમરાવોએ તેને પોતાના જેટલું જ માન આપવું એવો હુકમ કીધો. પછી એક મોટું લશ્કર તૈયાર કરાવ્યું, અને થોડા દહાડામાં દિલ્હીમાં પાદશાહની રૂબરૂ એક લાખ સવાર આવી ઉભા રહ્યા. એ લશ્કરની સરદારી નાયબ મલેક કાફુરને સોંપી, અને તેના હાથ નીચે ખાજા હાજી નામના એક ઘણા સદ્ગુણી માણસને નીમ્યો. તે લશ્કર દિલ્હીથી ઈ૦ સ૦ ૧૩૦પ માં દક્ષિણ દેશ જીતવાને નીકળ્યું. આ મોટા સૈન્યની સાથે ઘણાએક નામાંકિત અમીરો હતા, તથા તેને મદદ આપવાને માળવાના સુબા