આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭૩ )

નિષ્ફળ ગઈ તેથી તેઓ ઘણાં નાહિંમત થઈ ગયા, અને અલફખાં ઉપર સઘળા બડબડવા લાગ્યા. એથી ઉલટું, કરણના લશ્કરમાં ભીમદેવના આવવાથી વધારો થયો, તેઓને આવી વખતે મદદ આવી મળી એ જાણે ઈશ્વરની તરફથી મોટી કૃપાનું ચિહ્ન મળી આવ્યું હોય એમ જાણીને તેઓ ઘણા ખુશી થયા, અને તેઓની લડવાની હોંસ વધારે જાગૃત થઈ, હવે ભીમદેવ દેવળદેવીને જલદીથી લઈ જશે એટલે લડાઈનું કારણ બંધ થશે, એમ જાણી તેઓ ઘણા ઉમંગમાં આવ્યા.

આ વખતે અલફખાંની અવસ્થા કોઈ હલકામાં હલકો સીપાઈ પણ અદેખાઈ ન કરે એવી થઈ હતી, તથા તેના મનમાં જે ફિકર તથા ઉદાસી ઉત્પન્ન થઈ તે એવી હાલતમાં જે માણસ પડેલાં હોય તે જ જાણે. તેણે આટલી ઉમરમાં મોટી મોટી લડાઈઓ કરીને જે કીર્તિ મેળવી હતી તે આવી હલકી લડાઈમાં સઘળી એકદમ ધોવાઈ જવા બેઠી. એક સપાટામાં આખું ગુજરાત જીતી લેવાથી તેણે જે નામ મેળવ્યું હતું તે ઉપર પાણી ફરી વળવાનો વખત આવ્યો. પાદશાહનો સંબંધી હોવાને લીધે તથા પોતાનાં મોટાં પરાક્રમને લીધે જે તેણે મોટામાં મોટી પદવી સંપાદન કીધી હતી તે પદવી ઉપરથી આવી ધુળ ગજાની વાતને વાસ્તે ગબડી પડવાનો પ્રસંગ આવ્યો, અને જો દેવળદેવીને ભીમદેવ દેવગઢ લઈ જશે, જો તે શંકળ દેવની સાથે પરણશે, તેમ થવાથી તે કદી હાથ આવશે નહી, અથવા તેને પકડવામાં ઘણી ઢીલ થશે, જો તેથી કૌળારાણી કોપાયમાન થશે, અને તે પોતાની સત્તા પાદશાહ ઉપર ચલાવશે, તો પાદશાહનો સ્વભાવ એવો હતો કે તેનો આવો નિકટનો સંબંધ છતાં, તેની મોટી પદવી છતાં, તથા તેની આગલી ચાકરી ઉપર નજર રાખતાં છતાં, તેની જીંદગી તથા માલમીલકત તથા કુટુંબ કબીલો સલામત રહેશે નહી એ વાતની તેને પક્કી ખાતરી હતી. એ સઘળા વિચારથી અલફખાં શોકાતુર થઈને બેઠો હતો, એમાં કાંઈ આશ્ચર્ય ન હતું, હવે એક વાત પર સઘળી આશા રહી હતી. તેની આબરૂ તથા જીંદગી એક દોરા ઉપર ટંગાયેલી હતી. જો છેલ્લી વારે પાસો સવળો પડે તો સઘળી રમત મનમાનતી રીતે પાછી