આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭૪ )

ઠેકાણે આવે, જો પરમેશ્વર તેના ઉપર આ વખતે રહેમ કરે તો જ તે જીવતો રહે. તેણે બીજા સીપાઈઓ એકઠા કરવાને જે માણસો મોકલ્યાં હતાં તેઓ હજી પાછાં આવ્યાં ન હતાં. નવા સીપાઇઓ જલદીથી આવી પહોંચશે એવી તે ઘડીએ ઘડીએ આશા રાખતો હતો, અને એ મદદ જેમ બને તેમ તાકીદથી આવે તેને માટે તે ખુદાતાલાની રોજ બંદગી કરતો હતો. કેટલાંક કાર્યનાં કારણો ઈશ્વરે માણસોથી ગુહ્ય રાખ્યાં છે. ઈશ્વરે અલફખાંની પ્રાર્થના સાંભળવી તથા મંજુર કરવી, મુસલમાનોનું જોર વધારવું, તથા હિંદુઓને છુંદવા એ તેમાંનું એક કાર્ય હતું. તેનો આ હેતુ કોઈ ડાહ્યા જ કારણથી નિર્માણ થવો જોઈએ. અલફખાંની જીંદગી તથા કીર્તિ સલામત રહેવાની, શંકળદેવને વાસ્તે દેવળદેવી સર્જીત નહી હોવાની, દેવળદેવીના ઉપર પણ કેટલીએક આફત આવી પડવાની, તે પણ તેની માની પેઠે મ્લેચ્છ લોકોના હાથમાં જવાની, અને તેનું અંતે અકાળ તથા દુઃખદાયક મૃત્યુ થવાનું, કરણ તેના મનમાં જે વિચાર કરતો હતો કે મારા ઉપર હવે વધારે દુઃખ પડી શકવાનું નથી તે વિચાર ખોટો પાડવાનો, તેની આફતને ઘડો હજી ભરાયો ન હતો તે છલાછલ ભરાવાને, તેની વહાલી છોકરી તેના હાથમાંથી જવાની, તે મ્લેચ્છ વરને વરવાની, તથા તેને રઝળી રખડીને મરવાનું, એ સઘળું નિર્માણ થયેલું તેથી જ એક સાંજરે ક્ષિતિજમાં ધુળના ગોટેગોટા જણાયા, અને થોડા કલાકમાં અલફખાંની છાવણીમાં હિમ્મત તથા હોંસથી ભરેલા પાંચ હજાર તાજા લડવૈયા આવીને મળ્યા, તે વખતે અલફખાંને જે બેહદ આનંદ થયો તેનું વર્ણન કરી શકાતું નથી, આખા લશ્કરમાં જયજયકારની બુમ ચાલી; અને તેઓએ એક મોટી ફતેહ મેળવી હોય તેટલી ખુશી તથા આવેશ સઘળા મુસલમાન સીપાઈઓમાં પેદા થયો.

આ નવાં માણસો આવ્યાં એટલે તાકીદથી તથા ધમધોકાર કામ ચલાવવું, એવો અલફખાંએ નિશ્ચય કીધો તેણે લડવાની સઘળી તદબીર મનમાં ગોઠવી, તથા બીજે દહાડે તેને અમલમાં લાવવાને સઘળા લશ્કરી અમલદારોને હુકમ આપ્યો. તેણે પેહેલું કામ એ કીધું કે