આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭૫ )

બાગલાણમાંથી નીકળવાના પહાડના જે જે રસ્તા હતા તે સઘળા બંધ કરવાને થોડાં થોડાં માણસો મોકલ્યાં, અને લશ્કરનો મોટો ભાગ પોતાની સાથે લઈને તે કરણના લશ્કર સામે ચાલ્યો. કરણ રાજા ઘણા આનંદમા પોતાની છાવણીમાં ફરતો હતો. મુસલમાનોનું લશ્કર એક ઠેકાણે પડી રહેલું હતું તેનું કારણ તેઓનું કમજોર હતું, એમ તે સારી પેઠે જાણતો હતો. પોતાનાં તથા ભીમદેવનાં માણસો એકઠાં મળવાથી દેવળદેવી સહીસલામત દેવગઢ પહોંચશે એવી તેની ખાતરી થઈ હતી. લડાઈ પૂરી થશે, અને દુશ્મનોની ઉમેદ નિષ્ફળ જશે એ વિચારથી તે ઘણો ખુશ થતો હતો, અને અગર જો એક હલકા કુળના મરેઠા સાથે પોતાની છોકરીને પરણાવવી પડે છે, એ વાત યાદ આવ્યાથી તેને ઘણો સંતાપ થતો હતો તો પણ પરદેશી મ્લેચ્છ કરતાં તે ઘણો સારો એટલાથી જ તેના મનનું સમાધાન થતુ હતું. તેનાં માણસો પણ તેટલા જ ઉમંગમાં હતાં, તેઓ લડાઈથી છેક કંટાળી ગયાં હતાં. અને અગર જો તેઓ રજપૂત હોવાને લીધે તથા આબરૂ વિષે તેઓના ઘણા ઉંચા વિચાર હોવાને લીધે કરણને મૂકીને તેઓથી જતાં ન રહેવાયું, તો પણ આબરૂની સાથે પાછા ઘેર જવાનો હવે વખત આવ્યો તેથી તેઓ ઘણાં આનંદમાં હતા. કુચ કરવાની તૈયારી થઈ, છાવણી ઉપાડવાનો હુકમ મળ્યો; સઘળા સીપાઈઓએ પોતપોતાનો સામાન તૈયાર કીધો, દેવળદેવી પોતાનાં કીમતી વસ્ત્ર તથા શણગાર સજી ઘોડા ઉપર સવાર થઈ, કરણ અને ભીમદેવ પણ તે જ પ્રમાણે લડવાનો સામાન સાથે લઈને લશ્કર જોડે ચાલ્યા; પણ તેઓ થોડેક દૂર ગયા એટલે એક જાસુસ દોડતો દોડતો તેઓની પાસે આવ્યો, અને શ્વાસ ખાધા વિના કરણ તથા ભીમદેવને સમાચાર કહ્યા કે “અલફખાંના લશ્કરમાં બીજાં નવાં પાંચ હજાર માણસો હમણાં જ ઉમેરાયાં છે, તેણે સઘળાં નાકાં ઘેરી લીધાં છે, તથા આપની સાથે લડવાને તે પોતે આવે છે.”

“અરે પાપી ! આવી ખબર ક્યાંથી લાવ્યો ? ” એ અક્ષર જાસુસની ખબર સાંભળતાં જ કરણના મ્હોંમાંથી નીકળી ગયા, આખું લશ્કર