આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭૬ )

ત્યાં સ્થિર થઈ ઉભું રહ્યું. સઘળાના શરીર ઉપરથી લોહી ઉડી ગયું. કરણ અને ભીમદેવ તો મૂઢની પેઠે ઉભા થઈ રહી એક બીજાની તરફ એકી નજરે જોવા લાગ્યા. દેવળદેવી ઘોડા ઉપરથી બેહોશ થઇને પડી જાત, પણ એક સીપાઇએ તેને પકડી લીધી. તે તો ઘેલી જેવી જ થઈ ગઈ. સઘળાઓને એક વિજળીને આચકો લાગ્યો હોય તેમ તેઓ સ્થિર થઈ ગયા. કોઈએ તેમના ઉપર સ્તંભન મંત્ર અજમાવ્યો હોય તે પ્રમાણે તેઓ સઘળા પથ્થરનાં પુતળાંની પેઠે જડ જેવા ઉભા રહ્યા. લશ્કર સઘળું ચુપાચુપ થઈ ગયું. કોઈ બોલે પણ નહી, અને ચાલે પણ નહી. આવી અવસ્થામાં આવી પડવાનું કારણ કાંઈ તેઓની નામરદાઈ હતું, એવું કદી કોઈએ એક ક્ષણ વાર પણ મનમાં આણવું નહી. રજપૂત સીપાઈઓ લડાઈથી કદી બીહીતા નથી; લડવામાં તેઓ ઘણી ખુશી માને છે; લડવું એ તેમનો ધર્મ સમજે છે; લડાઈમાં મરવાથી દેવલોક પ્રાપ્ત થાય છે, તથા અપ્સરાઓ તેમને વરે છે એવો તેમનો મત છે, લડાઇ એ એક જાતની રમત છે, એમ માનવાની તેઓને નાનપણથી ટેવ હોય છે; એથી ઉલટું લડાઈથી બીહીવામાં તેઓ ઘણી નામોશી ગણે છે, લડતાં પાછાં ફરવામાં તેઓ મોટી ગેરઆબરૂ માને છે, માટે આ વખતે તેઓ સ્થિર થઈને ઉભા રહ્યા તેનું કારણ લડવાની બીહીક શિવાય કાંઈ જુદું જ હતું. તેઓ તો આ બનાવથી મૂઢ જેવા થઈ ગયા હતા. જે ઉમેદ તેઓએ બાંધી હતી તે સઘળી બિલોરી કાચની પેઠે ફૂટી ગઈ. જે વસ્તુ તેઓના હાથમાં આવી ચુકેલી માનતા હતા તે છટકી ગઇ; તથા જે કામ પાર પાડવાની તૈયારી ઉપર આવેલું હતું તે સઘળું ઉંધું થઈ ગયું; એ બધું એકી વારે વગર ધાર્યે બન્યું તેથી તેઓનાં મનને આચકો લાગ્યો હતો.

કરણે ત્યાં જ પોતાના લશ્કરને અટકાવવાનો હુકમ કીધો, અને હવે શું કરવું તે વિષે વિચાર કરવાને પોતે, ભીમદેવ તથા બીજા વૃદ્ધ તથા અનુભવી સામંતો એક ઠેકાણે મળ્યા. નવા આવેલા સીપાઇઓ તથા તેઓના આવવાને લીધે નવી હિમ્મત પકડેલા મુસલમાનોની સાથે, લડાઈથી થાકેલા તથા નાહિમ્મત થઈ ગયેલા, હોંસ વિનાના