આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭૯ )


એ પ્રમાણે ચાર પાંચ દહાડા વીત્યા એટલે અલફખાંનું લશ્કર પણ શેહેરના કોટ આગળ થોડે દૂર છાવણી નાંખીને પડ્યું, અને દુશ્મનોના મારથી પોતાનો બચાવ કરવાને પાકાં કામ બાંધવાનો તેમણે આરંભ કીધો. તેઓ ધીરજ રાખી લાંબી મુદત સુધી છાવણી નાંખીને ત્યાં જ રહેવાના હોય એવી રીતે તેઓએ પાકાં કામ બાંધવા માંડ્યાં, તથા બીજી રીતનો બંદોબસ્ત કરી દીધો, તે ઉપરથી એવું જણાતું કે તેઓને કંઈ ઉતાવળ ન હતી, જે કામને સારૂ તેઓ ત્યાં આવ્યા હતા તે કામ પાર પડ્યા વિના ત્યાંથી એક તસુ પણ પાછા ન ખસવાનો તેઓને દૃઢ નિશ્ચય માલમ પડતો હતો. તેઓ હુમલો કરવાને આગળ ધસતા ન હતા, માત્ર શત્રુઓથી પોતાનો બચાવ કરતા હતા. અલફખાંનો ઈરાદો લડાઇ કરી માણસો તરફનું નુકશાન વેઠવાનો ન હતો. તે સારી પેઠે જાણતો હતો કે શેહેરમાંથી થોડા દહાડામાં અનાજ ખુટી જશે, એટલે માંહેમાંહે લુંટ ચાલશે, અને છેલ્લી વારે વગર સુરતે તાબે થવાની તેઓને જરુર પડશે, માટે તેની મુખ્ય મતલબ શેહેરમાંનું અનાજ ખુટાડવાની હતી, અને તેથી તેણે સઘળાં નાકાં બંધ કીધાં, અને શેહેરમાં એક દાણો પણ અનાજ જઈ ન શકે, એવો બંદોબસ્ત કીધો. એ કીધા પછી ધારેલું કામ વગર મહેનતે અને વગર લડાઈએ અને કોઈ રીતે નુકશાન ખમ્યા સિવાય કરી લેવાના અવસરને વાસ્તે શાંત મન રાખી રાહ જોતો બેઠો.

શેહેરમાં ગયા પછી કરણને માલમ પડ્યું કે અનાજને વાસ્તે જે ધાસ્તી રાખવામાં આવી હતી તે ખરી હતી. અત્યારથી જ અનાજ મોંઘું થઈ ગયું, અને થોડા દહાડામાં દુકાનોનો માલ ખપી જશે એમ દેખાયું. આખા શેહેરમાં એ બાબત શોરબકોર થઈ રહ્યો; કરણે પણ જોયું કે જેમ બને તેમ જલદીથી મુસલમાનો ઉપર હુમલો કરવો જોઇએ અને જો લાગ ફાવે તો તેઓમાંથી નીકળી જવું જોઇએ. એક ઘોર અંધારી રાત્રે કલાક બેને સુમારે કરણ પોતાના લશ્કર સુધાં કિલ્લાની બહાર નીકળ્યો. તે વખતે કંસારીના અવાજ સિવાય સઘળું ચુપચાપ હતું. વખતે વખતે ઝાડીમાંથી કોઈ રાની પશુનો અવાજ સંભળાતો