આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૮૮ )

તેઓ જીવતા રહેત; તેઓની પ્રતિષ્ઠા કાયમ રહેત; તેઓના રાજાનું કામ થાત, લડાઈનો અંત આવત, અને બીજાં નઠારાં પરિણામોનો અટકાવ થાત, પણ કેહેવત છે કે 'વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.' તેઓની મતિ બદલાઈ ગઈ અને તેથી તેઓમાંનાં ઘણાંખરાં ઢોર ને પશુની પેઠે મરણ પામ્યાં; તેઓનાં બઈરાં છોકરાંની પણ તેવી જ અવસ્થા થઈ, અને તેઓની માલમિલકત સઘળી ફના ફાતીઆ થઈ ગઈ.

શેહેરમાં અનાજની ખોટ હતી, એ ઉપર કહેલું જ છે, જ્યારથી શેહેરમાં લશ્કરનો તથા આસપાસના ગામના લોકોનો જમાવ થયો. ત્યારથી જ અનાજ ઘણું મોધું વેચાવા લાગ્યું, અને પહેલવહેલાં તો ગરીબ લોકોનો મરો થયો. લડાઈ જલદીથી પૂરી થશે, અને અનાજ બહારથી આવી પહોંચશે એ આશાથી લોકો ધીરજ રાખી દુઃખ વેઠી બેસી રહ્યા. પણ લડાઈનો પાર આવ્યો જ નહી, અને દુકાનોનો સઘળો માલ ખપી ગયો. સીપાઈઓ તથા બીજા લોકો બુમાબુમ પાડવા લાગ્યા, રસ્તામાં રોજ ઘણા લોકોનાં મુડદાં પડેલાં દેખાતાં હતાં; લોકો છેક નિરાશ થઈ ગયા; અને ભુખના માર્યા ઘેલા જેવા થઈને લુંટવા નીકળ્યા. એક સવારે શેહેરનો તમામ કચરો એટલે હલકા લોકો હથિયાર લઈ નીકળ્યા, અને બધે ઠેકાણે પથરાઈ જઈને લોકોનાં ઘર ફાડી માંહે પેંઠા, તેઓની જોડે લશ્કરના સીપાઈઓ પણ સામેલ થયા, અને દરેક ઘરમાં અનાજનો જે સંગ્રહ હતો તે લઈ ગયા. રસ્તામાં કાપાકાપી ચાલી, લોહી વહ્યું, મુડદાંઓ રસ્તામાં પડયા, અને શોરબકોર સઘળો થઈ રહ્યો. દ્રવ્યવાન લોકો એ ગમે તેટલો અટકાવ કીધો પણ તેમ કરવામાં ઘણાના જીવ ગયા, તોપણ તેઓનું કાંઈ ફાવ્યું નહીં. તેઓના ઘરનું સઘળું અનાજ લુંટાઈ ગયું અને હવે તેઓને ભુખે મરવાનો દહાડો આવ્યો. પણ થોડા દહાડા વહી ગયા એટલે પેલું લુંટેલું અનાજ થઈ રહ્યું એટલે પાછા સઘળા સરખા થઈ ગયા. હવે દુકાળ રાક્ષસે પોતાનું ખરેખરું રૂપ પ્રકાશ્યું, અને હવે ભુખનું દરદ સઘળાંને સરખું લાગવા માંડ્યું, આવી વખતે તે બિચારા લોકોની દુર્દશાનું યથાસ્થિત વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે, જે બરાબર થઈ શકે તો તેથી દયાવૃત્તિને ઘણો આચકો લાગે, ને શરીરમાંનું સઘળું લોહી ઠરી જાય, રસ્તામાં લોકોના ચહેરા જોવાથી ચીતળી ચઢ્યા વગર રહે