આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯૦ )

તેટલો સુકો રોટલો પણ કોઈ હરામખોર આવે તો તેના હાથમાંથી લઈ જાય માટે તે ચોતરફ જોયાં કરતી. કેટલીએક બઈરીઓની નજર આગળ તેઓનાં નાનાં નાનાં કુમળાં બાળક તરફડીને મરી જતાં તેને જોઈ તે બેબાકળા ડોળા કરી મ્હોં ઉઘાડું રાખી ઉભી રહેતી. પોતાને ખાવાને મળે નહી, એટલે દુધ તો કયાંથી જ આવે ? આથી ધાવણાં છોકરાં પીલાઈપલાઈને મરી જતાં હતાં. તેઓના દરદથી તથા ભુખથી તેઓની માની પણ તેવી જ અવસ્થા થતી હતી. ઘરડાં અશક્ત ડોસાઓ તથા ડેાશીઓ પડીપડીને મરતાં હતાં. અને ભર જુવાનીમાં આવેલાં સ્ત્રીપુરૂષો પણ કાળચક્રના સપાટામાં આવી ગયાં હતાં. દુકાળની આગળ બધી જાતનાં, ઉમરનાં, તથા પદવીનાં માણસો સરખાં જ હતાં. મોત ચોતરફ ફરતું હતું. તેના હાથમાં ઘણું કામ આવી પડયું હતું. ગરીબ લોકોનાં મુડદાં રસ્તામાં, ગલીમાં, અને ઘરોમાં, કોહી જતાં હતાં. તેઓને બાળવા જવાની કોઈનામાં શક્તિ રહી ન હતી, તથા જ્યાં સઘળાંને મરવાની ધાસ્તી સરખી જ ત્યાં એક એકને શરમ તથા સંબંધ તો કયાંથી જ રહે ?

હવે અનાજ તો થઈ રહ્યું, અને જીવતાં રહેલાં માણસોને કોઈ પણ જાતનો ખોરાક તો જોઈએ, માટે કેટલાંએક ઝાડનાં ફળ ખાઈને જીવતાં, કેટલાંએકને ત્યાં ગાય ભેંસ હતી તેઓ દુધ પીને પોતાનાં શરીરને આધાર આપતાં, કેટલાંએક ઢોરની પેઠે ઘાસ ખાતાં, કેટલાંએક પાતરાં ખાતાં, વળી બીજાઓ એમાંથી કાંઈ ન મળે ત્યારે ચામડાં કરડતાં, અને વખતે ધુળ ને મટોડું ખાતાં, જે કાંઈ નરમ વસ્તુ ચાવી શકાય તેવી હોય તે સઘળી ભક્ષ કરવામાં આવતી. એ બધાની સાથે પેટનું ભરતીયું થવાને માટે પુષ્કળ પાણી લોકો પીતાં હતાં. આવો નઠારી જાતનો, જેથી પોષણ થઈ ન શકે એવો, વખતે શરીરને નુકસાન પહોંચાડે એવો ખોરાક ખાવાને લીધે, તથા મરી ગયલાં માણસોની સડી ગયેલી લાશોમાંથી જે દુર્ગંધ તથા પ્રાણઘાતક હવા નીકળતી હતી તેને લીધે શહેરમાં મરકી ચાલી. લોકોને તાવ, જીવમાં ચુંથારો, અને અંતે સનેપાત થવા લાગ્યો, અને થોડા વખતમાં મોત આવીને આ સઘળા દુ:ખમાંથી તેઓનો છૂટકો કરવા લાગ્યું. એ