આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯૭ )


ધણીથી તથા બીજા માણસોથી ખમાયું નહી, માટે તેઓએ મુસલમાન સીપાઈઓ સાથે પહેલાં તકરાર કીધી; પણ તે તકરારથી કાંઈજ ફાયદો થયો નહી, ત્યારે તેઓએ વળગાઝુમી કીધી, અને તેમ કરવામાં આખરે મારામારી ઉપર આવી ગયા. મુસલમાનોને આટલી મુદત સુધી,શેહેર આગળ પડી રહેવું પડયું, તથા તેઓમાંના ઘણા ખરા માર્યા ગયા, તેથી તેઓ શેહેરના લોકો ઉપર ઘણા ગુસ્સે હતા. તેમાં વળી જ્યારે આ લડાઈ કરવાનો પ્રસંગ આવ્યો, ત્યારે તેઓએ આટલા દિવસનું એકઠું થએલું વેર એકદમ તેઓના ઉપર કાઢવાનો નિશ્ચય કીધો. ત્યાં તલવારો નીકળી, અને કેટલાએક જેઓ દુકાળ તથા મરકીના સપાટામાંથી બચ્યા હતા તેઓ આ લડાઈમાં માર્યા ગયા. જ્યારે આ ગરબડાટ શહેરના મુખ્ય બજારમાં થઈ, તે વખતે કેટલાએક અટકચાળા તથા લુંટવાની ઉમેદ રાખનારા મુસલમાનોએ એક દુકાન સળગાવી મૂકી. એ આગ લાગવાથી સઘળા મુસલમાન સીપાઈઓ ઘણા ખુશ થયા. તેઓને એટલું જ જોઈતું હતું. જ્યારથી અલફખાંએ શેહેરના લોકોની જીંદગી તથા માલમિલકત બચાવવાને અભયવચન આપ્યું, ત્યારથી તે સીપાઈઓ નાઉમેદ થઈ ગયા હતા. તેઓને લુંટ મેળવવાની આશા હતી, અને તે પુરી પડશે એવી આખર સુધી તેઓને ખાતરી હતી, પણ છેલ્લી વારે તે આશા ભંગ થઈ ગઈ એ જોઈને તેઓ ઘણા ખીજવાયા હતા. પણ જયારે આગ લાગી, અને તે હવે પથરાઈને આખા શેહેરમાં ફેલાશે ત્યારે લોકનાં ઘરમાં ભરાવાને તથા તેમાંની દોલત લઈ લેવાને કાંઈ હરકત પડશે નહી, એ ધારણાથી તેએાએ આગ હોલવવાની કાંઈ મેહેનત કીધી નહીં. બલકે શેહેરને બે ત્રણ ભાગમાં થોડાએકે જઈને નાનાં નાનાં ઘરો સળગાવી મૂકયાં. રાતનો વખત, પવન નીકળેલો, કોઈ હોલવનાર મળે નહી. શેહેરમાં થોડાં જ માણસ રહી ગયેલાં અને તેઓ એવાં અશક્ત કે તેઓથી કાંઈ કામ બની શકે નહી, તેથી આગ ઘણા જોરથી ફેલાઈ અને થોડા વખતમાં આખું શેહેર અગ્નિની ઝાળમાં લપેટાઈ ગયું. આ વખતે શહેરનો દેખાવ ઘણો ભયંકર થઈ રહ્યો. ઘરો સઘળાં ઘાસની પેઠે ભડભડ બળવા લાગ્યાં. મુસલમાન સીપાઈઓમાં કાંઈ બંદોબસ્ત