આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯૯ )

જીંદગી રદ જેવી થઈ જશે. તેના મનમાં મોટી ધાસ્તી હતી કે જો આ વખતે તે જતી રહેશે તો તેને અટકાવનાર કોઈ નથી, માટે લશ્કરને પાછું એકઠું કરી તેને જલદીથી શોધી કાઢવી જોઈએ. એક વાર તે હાથ લાગી એટલે પછી શેહેર જેટલું લુંટવું હોય તેટલું લુંટે તેમાં કાંઈ આપદા ન હતી. તેણે સીપાઈઓને સમજાવ્યા, ધમકાવ્યા તથા બીજા ઘણા ઉપાયો કીધા, પણ કોઈ લુંટમાંથી પાછું આવ્યું નહી.

હવે જ્યારે કરણ રાજાને આ સઘળી વાતની ખબર પડી ત્યારે તેને ઘણી જ ખુશી થઇ. તેણે જોયું કે જ્યારે અલફખાંના સીપાઈઓ લુંટવાના કામમાં પડેલા છે ત્યારે નાસી જવાનો સારો લાગ છે. કમળપૂજા કરી રહ્યા પછી જે આકાશવાણી તેણે સાંભળી હતી તે હમણાં ખરી પડશે એમ તેને લાગ્યું, કેમકે તેને પકડનાર તથા હરકત કરનાર કોઈ જ ન હતું. તેણે ત્યાંથી નાસવાની તૈયારી કીધી. અને પોતે, ભીમદેવ, દેવળદેવી તથા થોડાંએક ખાનગી માણસો એટલાં કીલ્લાને પાછલે રસ્તે નીકળ્યાં, અને ઘણા જલદ ઘોડા તૈયાર રાખેલા હતા તે ઉપર સવાર થઈને તેઓ પૂર વેગે દેવગઢ જવાને નીકળી પડ્યાં. રસ્તામાં દુશમનોનું એક પણ માણસ તેઓને મળ્યું નહી તેથી તેઓ નિરાંતે ઝડપથી કુચ કરી આગળ ચાલ્યાં.

જયારે બાગલાણમાં સઘળી દોલત લુંટાઈ રહી ત્યારે મુસલમાન સીપાઈઓ અલફખાંની રૂબરૂ હાજર થઈ ગયા, અને જે તકસીર કીધી હતી તેને માટે તેઓએ માફ માંગી. તે વખતે મધ્યરાત્રિ થઈ હતી, પણ અલફખાં તેઓને લઈને તુરત કીલ્લા તરફ ગયો, પણ અંદર જવાનો રસ્તો કાંઈ જડ્યો નહી. કેટલીએક વાર આણીગમ તેણીગમ ફર્યા પછી તેઓને એક માણસ હાથ લાગ્યું, તે તેઓને કીલ્લાની પાછળની બાજુએ લઈ ગયો ત્યાંના દરવાજા ખુલ્લા હતા તેટલા ઉપરથી અલફખાં નિરાશ થઈ ગયો, અને તેણે તુરત અનુમાન કીધું કે પક્ષીઓ પાંજરામાંથી ઉડી ગયાં. તો પણ કદાચ દરવાજો જાણી જોઇને ઉઘાડો મૂકયો હોય કે ખુલ્લો જોઇ બીજાના મનમાં આવે કે તેમાં કોઈ નહીં હોય, અને તેમ જાણી વધારે ખોળ ન કરે, અને તેઓ તેમાં સંતાઇ ગયાં હોય, માટે જ્યારે આટલે સુધી આવ્યા ત્યારે