આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કરણ ઘેલો.

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા.


પ્રકરણ ૧ લું.

ક ભાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાતના એટલે ગુર્જ્જર દેશમાં સંવત ૮૦ર એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહા વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગતે વનરાજનો હુકમ જાહેર થયો. જ્યોતિષ વિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈન માર્ગના જોશીઓને બોલાવી પ્રશ્ન કીધો, તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રકટ કીધું કે ઈ. સ. ૧૨૯૭ માં તે નગરનો નાશ થશે. આ નવા શહેરનું નામ અણહિલપુર પાટણ પાડ્યું. હમણાં તે પાટણ અથવા કડી પાટણ એ નામથી ઓળખાય છે. પાટણ શહેરને હમણાં જ્યારે જોઈએ છીએ ત્યારે ત્યાં આગળ પૂર્વે એક મોટું તથા આબાદ શહેર હતું, એવી ઘણી જ થોડી નિશાનીઓ માલમ પડે છે. શહેરના કોટની આસપાસ ઊંડું ખોદતાં કોતરેલા આરસના પથ્થરો નીકળે છે. વળી ત્યાંના રજપૂત રાજાઓએ વાવ, કુવા, તળાવ, અને દહેરાં વિગેરે બાંધેલાં તેઓ ઉપર કાળચક્ર ફરવાથી, તથા મુસલમાન લોકોના ધર્માંધપણાથી, તે સ્થળે ઘણીએક લડાઈઓ થવાથી, તથા મરાઠાઓના અજ્ઞાનપણા તથા પૈસાના લોભથી તેઓમાંનાં જે થોડાંએક બચેલાં છે તેઓ ભાંગીતુટી અવસ્થામાં હમણાં નજરે પડે છે; તો પણ એ તો નિશ્ચય કે એ શહેર આજથી સાતસો વર્ષ ઉપર એક મોટા રાજાની રાજધાની હતું. તેના મહત્વ તથા શોભાવિશે ઘણાએક કવિઓ તથા ઇતિહાસકર્તાઓ લખી ગયા છે. કુમારપાળચરિત્રના લખનારે એ શહેરનું નીચે પ્રમાણે વર્ણન કીધું છે–