આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઢારમું

૧૨૮


કુંતાદે રા'ના પગની મોજડીઓ ઉતારતાં ઉતારતાં પગ ઉપર જ ઝળુંબી રહ્યાં. પગ પરના ઊનાં આંસુ ટપક ટપક પડવા લાગ્યાં.

'શું કરું દેવડી!' સુલતાનની ભીંસને તો હું વેઠી લેત. એને આડું અવળું સમજાવી લેત. પણ તારો આગ્રહ તારા ભાઇનો રાજહક્ક હરકોઇ વાતે પણ મેળવી આપવાનો હતો. મને દુદાજી ઉપર દાઝ ચડી ગઇ, કેમકે એણે એવું વેણ કાઢી નાખ્યું કે 'બહાર નીકળ્યા પછી તો ક્ષત્રિય રસ્તામાં સો ઠેકાણે રાત રે'તો જાય. એ બધાં છોકરાંને રાજહક્ક આપવા બેસીએ તો કેદિ' પાર આવે?' કુંતા, તારા કાકાએ ક્ષત્રિયની તો ઠીક, પણ સગા ભાઇ હમીરજીની મોત-જાત્રાની આવી હાંસી કરી. એટલું જ નહિ, એણે તો મને કહ્યું કે આ જ વેણ એણે તારા ભાઇને ખુદને કહી કાઢેલ છે : આ સાંભળ્યા પછી મારો કાળ ઝાલ્યો ન રહ્યો.'

કુંતાદેએ હજુય ઊંચું નહોતું જોયું. રા'ના પગ ઝાલીને એ બેઠી રહી હતી. રા' એ એની ચીબૂક (હડપચી) ઝાલીને એનું મોં પોતાના તરફ ઊંચું કર્યું. એ મોં રૂદનમાં ન્હાઈ રહ્યું હતું.

'હું તને સાચું કહું છું દેવડી, મારે તો બેમાંથી એકે ય પક્ષની ફોજને નહોતી કપાવવી. મેં તારા કાકાને એકલ-જુદ્ધમાં નોતર્યા.'

'અરરર!' એમ કહેતાં કુંતાદેના હાથ રા'ની કાયા ઉપર ફર્યા.

'ચિંતા કર મા. મને ઝાઝા જખમ થયા નથી.'

'સોમનાથ દાદા ! હીમખીમ ઘેર પોગાડ્યા-' કુંતાદે સ્તુતિ બબડવા લાગી.

'તમે એકલ-જુદ્ધમાં મારા કાકાને જીતી શક્યા, હેં મારા રા'! સાચું કહો છો?' કુંતાદેને ખાત્રી થતી નહોતી. દુદાજી કાકા એટલે