આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૧

હાથીલાનો નાશ


રૂક્કો મેળવીશ. તું ધીરજ ધરજે, તારા મહિયરનો માર્ગ ફરી વાર ઊઘડી જશે.' પોતે પોતાના શૌર્ય પર કાબૂ ન રાખી શક્યા એ મુદ્દાને રા' રોળીટોળી નાખતા હતા.

'ભાઇ તો બાપડો ડુંગરાનું બાળ છે. એને કાંઇ પરવા છે? એ તો આપના ગયા પછી બે વાર આવી ગયો કે મારે વળી રાજ શાં ને પાટ શાં? મારું એ કામ નહિ. મારે તો ભાઇબંધી પહાડની ને રત્નાકરની. હું ત્યાં-હાથીલે તો ભૂલેચૂકે ય નહિ જાઉં.'

'ઓહો ! બે વાર આવી ગયો!' એટલું બોલીને રા' સ્હેજ ખમચાયા. પછી એણે પોતાનો કશોક વિચાર દબાવી દઇને કહ્યું -

'એટલે જ એને ઠેકાણે લાવવાનો એક જ માર્ગ છે : એક ક્ષત્રિયરાજાની કન્યા પરણાવી દઇએ, એના મનમાં રાજવટનો કોંટો ફૂટશે.'

'તજવીજ કરાવો છો?'

'નાગાજણ ગઢવીને રજવાડે વિષ્ઠિ કરવા મોકલ્યા છે.'

એ સમાચારથી કુંતાદેનો શોક ઊતારવા લાગ્યો હતો, ને રા' ઊંચી ગોખ-બારી પર દૃષ્ટિ ઠેરવી એકી ટશે જોઇ રહ્યા હતા.

'શું વિચારો છો?' કુંતાએ પૂછ્યું.

'સાચું કહું?'

'કહો તો સાચું જ કહેજો.'

'મારે આજ એક દીકરી હોત-વીવા કરવા જેવડી!'

'તો?' 'તો હું જ એને જમાઇ કરત.'

'પણ અમારૂં તો ભાઇબહેનનું સગપણ.'