આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઢારમું

૧૩૨


'હું તારી વાત નથી કરતો.' રા' હસ્યા.

'ત્યારે ! હેં ! શું !'

'કાંઇ નહિ ગાંડી. અમસ્થી કલ્પના. મનના ઘોડા માળવે જાય છે.'

બેઉ જણાં વાતને તો પી ગયાં. પણ બેઉ પામી ગયાં હતાં, કે એ વાતની ઓથે એક પહેલવહેલો જ નવો વિચાર ઊભો થયો હતો.

કુંતાદેનું નારી હૃદય સમજી ગયું : રા'ને પોતે સંતાન નહોતી આપી શકી. પણ સંતાન હોવું જોઇએ એવો આગ્રહ વારંવાર પોતાના તરફનો જ હતો. રા' જેમ જેમ એવી ઇચ્છાનો ઇન્કાર કરતા હતા. તેમ તેમ કુંતાદે જીદ પર ચડતી હતી: તમારે ફરી વીવા કરવો જોઈએ : મારા વાંકે તમારી રાજગાદી શા માટે ખાલી રહે?

રા'ના ઇન્કારના ઊંડાણમાં શું એ જ સ્વયંઇચ્છાનો કોંટો ફૂટી ચૂક્યો હતો !

રા'સૂવા ગયા. કુંતાદેએ પિયરના નાશના શોકમાં જુદે ઓરડે પથારી કરાવી હતી. એણે દીવો ઓલવી નાખ્યો તે પછી રા'એ જરા ચોંકી પૂછ્યું :

'એ કોણ છે કુટેવવાળી?'

'કોણ ?'

'કોઇ દાસીને આપણી વાતો સાંભળવાની ટેવ લાગે છે.'

'કદાપિ ન હોય.'

'ત્યારે મને છાયા કોની લાગી?'

'મનનો આભાસ હશે.'

એ વાત સાચી નહોતી. રા'ના રાજમહેલના રાણીવાસ સુધી પણ જાસૂસો પહોંચી ગયા હતા. એ જાસૂસો કોના હતા?