આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મથુરાપર્વ

.

મથુરાનિવાસ

રસ્તામાં શૃંગાલ નામે એક રાજાએ દ્વંદ્વયુદ્ધ માટે કૃષ્ણને આહ્‌વાન કર્યું અને તેમાં તે હાર્યો. મથુરા પહોંચતાં જ મથુરાવાસીઓએ શ્રીકૃષ્ણ અને રામનું ખૂબ ગાજતેવાજતે સ્વાગત કર્યું. આ પછીનાં બે ત્રણ વર્ષો આનંદમાં ગયાં. આ સમયમાં જ કૃષ્ણને પોતાની ફ‌ઇ કુન્તીના છોકરાઓ-પાંડવો-સાથે ઓળખાણ થઈ અને એમના પર કૃષ્ણની પ્રીતિ બેઠી. જોકે અર્જુન કૃષ્ણ કરતાં લગભગ અઢાર વર્ષે નાનો હોવાથી આ વખતે તે માત્ર પાંચ-છ વર્ષનો જ હતો, તોપણ એ કૃષ્ણનું ખાસ પ્રીતિનું પાત્ર થઈ પડ્યો. એ પ્રીતિસંબંધ દિવસે દિવસે વધતો જ ગયો અને આગળ જતાં કૃષ્ણ અને અર્જુન બન્ને ગાઢ સખા થઇ રહ્યા. આ સમયમાં બળરામ પણ એકવાર ગો'કુળ જ‌ઇ આવી વ્રજ-વાસીઓને મળી આવ્યા.

રુકિમણી
સ્વયંવર

આ પછી વિદર્ભના રાજા ભીષ્મકે પોતાની દીકરી રુકિમણીનો સ્વયંવર રચ્યો. એમાં એણે અનેક રાજાઓને નિમન્ત્રણ મોકલ્યું હતું, પણ યાદવોને હલકા કુળના ક્ષત્રિયો ગણી ટાળ્યા હતા. આથી તે સમયના રિવાજ

૧૧૩