આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

પીવડાવવાની ખરે ચૌદ બળવાન રાક્ષસોને આજ્ઞા કરી. રાક્ષસો સહિત શૂર્પણખા પાછી રામના આશ્રમ પાસે ગઇ. તેમને જોતાં વેંત જ રામે લક્ષ્મણ અને સીતાને પર્ણકૂટીમાં મોકલી દીધાં, અને રાક્ષસો હલ્લો કરે તે પૂર્વે જ તેમના પર બાણ છોડી એમનો નાશ કર્યો. શૂર્પણખા પાછી ખર પાસે નાઠી. હવે ખર, સેનાપતિ દુષણ અને ચૌદ હજાર રાક્ષસોનું સૈન્ય લઇ પંચવટી પર હુમલો લઇ ગયો. કાંઇક રમખાણ જાગવાનું જ એમ ખાત્રી હોવાથી રામે પ્રથમથી જ સીતાને ડુંગરોમાં મોકલી દીધાં હતા અને પોતે લડવા સજ્જ થઇ રહ્યા હતા. એક તરફ એકલા રામ અને બીજી તરફ ચૌદ હજાર રાક્ષસોનો ભયંકર સંગ્રામ શરૂ થયો. આખરે રામે તે સર્વેનો નાશ કરી જય મેળવ્યો.

રાવણ

એક જ પુરુષના હાથે પોતાના ભાઇ અને આટલા બધા રાક્ષસોનો સંહાર થયેલો જોઇ, શૂર્પણખા લંકામાં રાવણ પાસે દોડી. રાવણ તે વખતે સૌથી બળવાન રાજા હતો. એનો રાજ્યલોભ ત્રણે લોકમાં સમાતો ન હતો. વળી એ જાતે બ્રાહ્મણ હોવાથી વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હતો.

૩૦