આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અરણ્યકાણ્ડ

.

સર્વ પ્રકારની મંત્રવિદ્યા અને વિજ્ઞાનવિદ્યામાં તે કુશળ હતો. રાજ્યપદ્ધતિ રચવામાં નિપુણ હતો. એનું રાજ્ય માત્ર લંકામાં જ નહિ, પણ ભરતખંડના ઘણા ભાગમાં હતું અને ત્યાં એનું લશ્કર પડ્યું રહેતું. એના રાજયમાં દશે દિશાઓમાં શું થાય છે તેની એને ઝીણામાં ઝીણી ખબર પડતી; અને તેથી એ દશાનન એટલે દશે દિશાએ મુખવાળો કહેવાતો. એનું રાજ્ય પ્રજાને ત્રાસ રૂપ અને પૃથ્વીને ભાર રૂપ હતું. એ અત્યંત મદાંધ અને કામી હતો. હજારો સ્ત્રીઓને એણે પોતાને ત્યાં પુરી રાખી હતી. તપસ્વીઓ અને બ્રાહ્મણો પાસેથી પણ એ કર લેતો. એના બળનું એને એટલું અભિમાન હતું કે પિશાચ, રાક્ષસ, દેવ કે દૈત્ય કોઇને હાથે પણ મરવાની એને બીક ન હતી. એટલે માણસ જાતને તો એ ગણકારે જ શાનો ? શૂર્પણખાએ એની આગળ જઇ લક્ષ્મણે કરેલાં અપમાનની અને રામનાં પરાક્રમની વાત કહી. પણ એ અપમાન અને યુદ્ધનું ખરૂં કારણ ન જણાવતાં રાવણને સમજાવ્યું કે "રામની સુંદર સ્ત્રી સીતાને તારે માટે હું હરણ કરી લાવતી હતી, તેથી મને આ ખમવું પડ્યું."
૩૧