આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ


સુવર્ણ મૃગ

રાવણે શૂર્પણખાને દિલાસો આપ્યો અને સીતાને ગમે તે રીતે હરી લાવી રામ ઉપર વેર વાળવાનો નિશ્ચય કર્યો. મારીચ નામનો એક રાક્ષસ તપ કરતો હતો તેને રાવણ મળ્યો અને એક સુવર્ણ મ્રુગ બની સીતાને લલચાવવા એને સમજાવ્યો. મારીચે આ દુષ્ટકૃત્યમાંથી રાવણને વારવા પ્રયત્ન કર્યો; પણ એણે માન્યું નહિ અને ઉલટો મારીચને મારવા તૈયાર થયો. તેથી અંતે ગભરાઇ મારીચ રાવણની ઇચ્છા પ્રમાણે વર્તવા તૈયાર થયો. રંગબેરંગી સુવર્ણ મ્રુગનું રૂપ ધારણ કરી, તે સીતાની દૃષ્ટિ પડે તેમ ઝાડોનાં કુમળાં પાન ખાતો ખાતો રામના આશ્રમ પાસે ફરવા લાગ્યો. ફુલ વીણતાં સીતાએ એને જોયો, અને તુરત જ રામને બોલાવી એને જીવતો અથવા મારીને પણ લાવવા આગ્રહ કર્યો. પત્નીને ખુશ કરવા, રામ તુરત જ ભાઇને સીતાને સંભાળવાનું કહી હરણની પાછળ દોડ્યા. મારીચ દોડતો દોડતો રામને દૂર સુધી ખેંચી ગયો અને છેવટે નાસવાનો લાગ શોધવા લાગ્યો. જીવતો હાથમાં આવી નહિ શકે એમ જોઇ રામે એના ઉપર બાણ મારી વીંધ્યો. મરતાં મરતાં એણે પોતાનું રાક્ષસી

૩૨