આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અરણ્યકાણ્ડ

.

સ્વરૂપ[૧] ધારણ કર્યું, અને રાવણ જોડે કરી રાખેલા સંકેત પ્રમાણે રામના જેવો જ સાદ કાઢી 'હે સીતા, હે લક્ષ્મણ' એમ ચીસ પાડી. મૃગને ઠેકાણે રાક્ષસને પડેલો જોઇ, આ કાંઇક રાક્ષસી દગો છે એમ રામને લાગ્યું અને સીતાની સહીસલામતી વિષે ચિંતાતુર થયા. પણ ધૈર્ય રાખી એક બીજું મૃગ મારી રામ ઝડપથી જનસ્થાન તરફ પાછા ફર્યા.

આણી તરફ સીતાએ મારીચની મરતી વેળાની ચીસ સાંભળી અને લક્ષ્મણને રામની વહારે ધાવા કહ્યું. રામની આજ્ઞા વિના જો તે સીતાને છોડી જાય તો રામ નારાજ થાય, તેથી લક્ષ્મણે સીતાને ધીરજ રાખવા કહ્યું. પણ એક બાજુનો જ વિચાર કરવાવાળી અને ઉતાવળા સ્વભાવની સીતાને આથી ક્રોધ ચઢ્યો, અને લક્ષ્મણ પર અઘટિત શંકા લાવી ન છાજે એવા શબ્દ સંભળાવ્યા. આથી અતિશય દુ:ખિત થઇ લક્ષ્મણને ધનુષ્ય-બાણ લઇ રામની પાછળ જવું પડ્યું.


  1. રાક્ષસો ઇચ્છા પ્રમાણે માયાવી રૂપો ધારણ કરી શકે છે, પણ મરતી વખતે મૂળ રૂપમાં જ ફેરવાઇ જાય છે એવી માન્યતા છે.


૩૧