આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અરણ્યકાણ્ડ

.

કરવા અને સીતાની શોધ માટે પ્રયત્ન કરવા સલાહ આપી. બન્ને જણા આશ્રમ છોડી સીતાને ખોળવા નીકળી પડ્યા. રસ્તામાં ઘાયલ પડેલો જટાયુ મળ્યો. તેણે સીતાનું હરણ કરનાર રાવણ છે એમ બાતમી આપી. થોડી વારમાં ઘાની વેદનાથી એ ગતપ્રાણ થયો. આવા દુ:ખમાં ખરા મદદગાર મિત્રના મરણથી બે ભાઇઓને ઘણો શોક થયો. એમણે એની યોગ્ય પ્રેતક્રિયા કરી અને પછી દક્ષિણ તરફ ચાલવા માંડ્યું. જતાં જતાં રસ્તામાં કબન્ધ નામે એક રાક્ષસના હાથમાં સપડાયા, પણ આખરે એનો નાશ કરી સહીસલામત આગળ વધ્યા. કબન્ધે પણ મરતાં પહેલાં રાવણ વિષે વિશેષ માહિતી આપીને રામ ઉપર ઉપકાર કર્યો.

આગળ ચાલતાં ચાલતાં તેઓ પમ્પા સરોવર પાસે મતંગ નામના ઋષિના આશ્રમ આગળ આવી પહોંચ્યા. ત્યાં શબરી નામે એક ભિલ્લ સ્ત્રીએ રામ-લક્ષ્મણનો સારી રીતે આદરસત્કાર કર્યો.



૩૭