આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હજાર વર્ષ પૂર્વે

૪૧


“આ સભર ઘોડીના પેટમાં કેવો રૂડો પંચકલ્યાણી વછેરો છે ! આ નાલાયકે ચાબૂક મારીને એ વછેરાની ડાબી આંખ ફોડી નાખી; બહુ કરી !”

બાવાએાની વાતો સાંભળીને ઘોડીનો ખાસદાર થંભી ગયો. ઘોડીને દોરીને એ નગરમાં ગયો. જઈને એણે રાજાજીને સરોવરને કાંઠે બેઠેલા એ ચમત્કારી અંધ બાવાની વાત કહી.

વનરાજ ચાવડાના વંશનો છેલ્લો દીવો તે વખતે અણહિલપુર પાટણના સિંહાસન ઉપર ઝાંખો બળતો હતો. એનું નામ સામંતસિંહજી ચાવડો. સરોવરની પાળેથી એણે બાવાએાને દરબારમાં બોલાવ્યા. પૂછવામાં આવ્યું કે શી હકીકત બની.

“રાજા, તમારા ખાસદારે તમારી સભર ઘોડીના પેટ પર ચાબુક મારીને માંહી બેઠેલા પંચકલ્યાણી વછેરાની રતન સરખી ડાબી આંખ ફોડી નાખી. આખો ભવ એ વછેરો બાડો રહેશે.”

“શી રીતે જાણ્યું ?”

“વિદ્યાથી.”

“ખોટું પડે તો ?”

“મારી વિદ્યાની આબરૂને સાટે મારું માથું જ હું હમેશાં હોડમાં મૂકું છું. વિદ્યા ખોટી પડે તો જીવતરમાં શું રહ્યું !”

“માથું વાઢી લઈશ, હો ?”

“રજપૂત અને સાધુ માથાં હાથમાં લઈને જ ફરે છે, અને સ્વહસ્તે પણ વધેરી આપે છે.”

“આંહી તમારે રહેવું પડશે. આઠ દિવસમાં ઘેાડી ઠાણ દેવાની છે.”

“ કબૂલ છે, પણ સાચું પડે તો ?”