મુખ્ય મેનુ ખોલો
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર :૩

૫૨

આવ્યો ! રાખાઈશ આવ્યો ! મારું પેટ આવ્યો ! મારી આંધળાની આંખનું બીજું રતન આવ્યો !”

“બાપુજી !” રાખાઈશના ગળામાં પિતૃભક્તિનું સંગીત બંધાઈ ગયું : “બાપુજી ! જાગો છો ?”

“જાગું છું, બેટા ! હું અઢાર વરસથી જાગું છું. આવ્ય બાપ ! તને છાતીએ ભીંસીને પછી મરું !”

“બાપુજી ! આજ નહિ, આવતે અવતાર. આજ આ છાતી અપવિત્ર છે. મારે વરસ વરસ જેવડી ઘડી જાય છે. બેાલાવો, ભાઈને ઝટ બોલાવો !”

મૂળરાજે અટારીમાંથી હોંકારા સાંભળ્યા. એણે ડોકું કાઢ્યું : “ભાઈ !”

“હો ભાઈ !” 'ભાઈ' શબ્દ તે રાત્રિએ ધન્ય બન્યો. જગતમાં પહેલી જ વાર જાણે ભાઈએ ભાઈને બોલાવ્યો.

“આવડી બધી ઊંઘ ! બાપનું લોહી હજુ તો લીલું છે. બાપનો મારતલ હજુ રાજ ભોગવે છે !”

“બાપ ! તારો મામો ! આશ્રયદાતા !”

“ફિકર નહિ. તને બોલાવવા આવ્યો છું. સોમવારે ભાદરને કાંઠે શિવાલય ઉપર, સાંજરે.”

“અને તું ?”

“હું ? રજપૂત થઈને પૂછછ? હું મારા અન્નદાતાની મોઢા આગળ રહીશ. મરતાં પહેલાં એનો હિસાબ ચૂકવીશ, એની આગળ સાત ડગલાં રહીને મરીશ, પણ જોજે હોં ! હૈયું પોચું ન પડી જાય. જોજે ! ભાઈને માથે એ વખતે હેત ન આવી જાય; હાથ ઢીલા ન પડી જાય ! ઝીંકીને મારી છાતી પર ઘા કરજે, અને જાણજે કે મારું ચાલશે ત્યાં સુધી હું તને પણ કટકેય નહિ મૂકું, મામાનું લૂણ -”

“ભાઈ ! મારે વેર નથી લે – ”

“ખબરદાર ! ચાર હત્યાનું પાપ ! પિતૃદ્રોહનું પાપ !