મુખ્ય મેનુ ખોલો
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર :૩

૫૪

સૈન્ય તૈયાર થાય છે. કોઈ દિવસ નહિ, ને આજે રાખાઈશ હથિયાર બાંધે છે. મામાએ ભાણેજની તૈયારી જોઈ. ભાણેજના અંગ ઉપર કેસરિયાં છાંટણાં દેખ્યાં. ભાણેજની આંખોમાં છેલ્લી વિદાયના રંગ જોયા. આજ દગો થવાનો. મામાએ લશ્કરને હથિયાર બાંધવાનો હુકમ દીધો.

આગળ ભાણેજ ને પાછળ મામા : ભાદરમાં સ્નાન કરી, ધોતિયું પહેરી, ત્રિપુંડ તાણી, મામા શિવાલયમાં બેઠા. ૐકારના ધ્વનિ એમના પહાડી ગળામાંથી ગાજવા લાગ્યા. ઘીના દીવા થંભીને લાખાનાં સ્તવનો સાંભળી રહ્યા છે. શિવાલયને પગથિયે, મામાનાં હથિયાર અને બખ્તર લઈને રાખાઈશ બેઠો છે. તલવારની મૂઠ ઉપર પોતાનું દૂધમલિયું માથું ટેકવ્યું છે. મામાના મોંના ૐકારની સાથે જ એકતાલ બનીને ભાણેજના મોંમાંથી નિસાસા છૂટે છે. ભાદરને બેય કાંઠે લશ્કરનો વ્યૂહ રચાવા માંડ્યો છે.

આભમાં આંધી ચડે છે. સૂરજ ધૂંધળો થાય છે. ધરતીનાં પડ ધણધણી હાલ્યાં છે. સોલંકીનાં સહસ્ત્ર-સહસ્ત્ર ભાલાં કોઈ મહા દાવાનળની શિખા સળગતી હોય તેવાં ચળકી ઊઠ્યાં ! કાળી નાગણીઓ જીભના લબકારા લેતી હોય તેવી તલવારો ઝળહળવા લાગી. ભાદરને કાંઠે ભેટંભેટા થઈ. લોહીનાં પરનાળાં બંધાઈ ગયાં.

એ ભયંકર યુદ્ધમાં આટકોટના યોદ્ધાઓ કપાઈ ગયા. સોલંકીનું સૈન્ય સામે કાંઠેથી આ કાંઠે આવી પહોંચ્યું. એ વખતે લાખાની પૂજા ચાલુ હતી. પૂજા પૂરી થયા સુધી આસપાસ યુદ્ધનાં ઘમસાણ બોલાતાં હતાં, તોય લાખો ડગ્યો નહોતો. હવે એ ઊઠ્યો. સામે ભાણેજને બેઠેલો ભાળ્યો. “હાય હાય ! હમણાં મને કાપી નાખશે. મારાં હથિયાર એની પાસે છે. બહાર નીકળીશ એટલી જ વાર છે” – એવી એને ફાળ પડી.