આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૫૬


એક સમળા આવી. રાખાઈશે આઘે પડ્યાં પડ્યાં જોયું કે સમળા મામાની આંખો ઠોલવા જાય છે. મામાનો જીવ હવે ઘડી-બે-ઘડી હતો. એને થયું : જીવતા મામાની આંખોનાં રતન જો સમળા કાઢી જશે તો મામાને અપ્સરા નહિ વરે; મારા મામાની અસદ્ગતિ થશે !

ઉઠાય તેટલું તો જોર નહોતું : શરીરના ટુકડા થઈ ગયા હતા. પોતાની આજુબાજુ ભોંય ઉપર હાથ પ્રસાર્યો. પણ હાથમાં પથ્થર નથી આવતો, અને ત્યાં તો સમળા મામાના માથાં ઉપર બેઠી. રાખાઈશ ભાન ભૂલી ગયો. કમ્મરમાંથી કટારી કાઢવા હાથ લંબાવ્યો. પણ ત્યાં કટારી કેવી ! માંસના લોચા લબડતા હતા.

કર ગો' કટારી, કર ગો' કાંચોળાં લગી,
વગ કોઈના વણશી, રણ ભડતે રાખાશની.

કટારની જગ્યા ઉપર હાથ ગયો. કટાર હાથમાં ન આવી. કાંચોળાં (આંતરડાં) બહાર લબડતાં હતાં તે ઉપર હાથ ગયો. આંતરડાંનો લોચો તાણ્યો. પેટમાં બાઝેલ હોવાથી તે તૂટ્યો નહિ, ઝેાંટ મારીને તાણ્યો, તોડ્યો, સમળી સામે ઘા કર્યો. અધ્ધરથી લોચો ઝડપીને સમળી ઊડી ગઈ. લાખે શ્વાસ છોડ્યા. રાખાઈશે “રામ” કહીને આંખેા મીંચી. એ રણમાં લડતાં લડતાં રાખાઈશે બન્ને કુળ (વગ) – મોસાળનું કુળ અને પિતૃકુળ – ઉજ્જવળ બનાવ્યાં.

કાપડ, માઢુ, લોહ, ધણ, નીંવડીએ વાખાણ,
રાખાઈશ ઘાએ છંડિયો, તોય ન મેલ્યો માણ.

લૂગડું, મરદ, તલવાર ને સ્ત્રી – એ ચારેનાં તો નીવડ્યે જ વખાણ થાય. આખર અવસ્થામાં કેવો ભાગ ભજવે છે, કેવી લાજ સાચવે છે, તે જોયા પછી જ એનાં વખાણ થાય. જેવી રીતે જુઓ, આ રાખાઇશ જખ્મોમાં છેક કપાઈ ગયેા હતો તોય પોતાની ટેક એણે ન છોડી, સાચો સ્વામીભક્ત નીવડ્યો.