આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર :૩

૫૮

ઊડે. એ પાંખોના તડફડાટથી પવન વાશે અને તેના જોરથી વહાણ વેલમાંથી છૂટું પડશે.” રક્ષક બનીને આવેલા રાખાઈશે એ સાહસ ખેડ્યું. હોડીમાં બેસી એ પહાડ પર ગયો. સૂચવ્યા પ્રમાણે કર્યું'. વહાણ છૂટ્યાં. વાણિયાઓએ વિચાર્યું કે રાખાઈશને આપણા હાથે મારવાની હત્યા વહોરવા કરતાં એને અંતરિયાળ જીવતો છોડવો એ જ ઠીક છે. એમ સમજીને વહાણો હાંકી મેલ્યાં. રાખાઈશ એ પહાડમાં ભમવા લાગ્યો, ત્યાં એણે એક મહેલ જોયો. મહેલમાંથી કોઈએ એને બોલાવ્યો. ત્યાં જતાં એણે જોયું તો ચાર સુંદરીઓ સોગઠે રમે, એમાંથી એક રમણી ઊઠીને લાજ કાઢી બીજા ખંડમાં ચાલી ગઈ. બીજી ત્રણ જણીઓએ 'આવો ભાણેજ' કહી આદર દીધો; બધી વાતનો ફોડ પાડીને સમજાવ્યું : 'તારા બાપને મારનાર અને તારે માટે કાવતરું રચનાર લાખો જ છે. લાખો મર્યા પછી અમે ત્રણે એને વરશું; અને જો તું પણ સગાંવહાલાંનાં સાચાં કરજ ચૂકવી, વેર વાળી, અન્યાય કર્યા વગર મરીશ તો તને ય આ ચોથી અપ્સરા વરશે.' પછી તેઓએ પોતાના દૈવી બળ વડે રાખાઈશને તત્કાળ આટકોટ પહોંચાડ્યો હતો. એ વાત પરથી રાખાઈશે મૂળરાજને લડવા બોલાવ્યો, વગેરે.]