← માનસિક ઘેલછા બંસરી
આપઘાત
રમણલાલ દેસાઈ
૧૯૩૧
એ અહીં ક્યાંથી? →


૧૯
આપઘાત

ભર નિન્દ્રમાં જડવત વિશ્વે
મ્હાલે ઝગમગ રાત
શૂન્ય ગંભીર રાત્રિનું અંતર
સુણશે દુઃખની વાત ?
ન્હાનાલાલ

મારી ઘેલછાનો વિચાર આવતાં મેં આંખો મીંચી. મારા પૂર્વજોમાંથી કોઈમાં પણ ઘેલછાનો અંશ હોય એવું મારા જાણવામાં નહોતું. મેં ઘણી ભૂલો કરી હતી, જિંદગીમાં અનેક દોષો કર્યા હતા, ઘણી ઘેલછા કાઢી હતી; તથાપિ એવી જાતના માનસિક દર્દની મને અસર હોય એમ મેં કદી માન્યું નહોતું. એમ માનવા માટે મને કશું કારણ મળ્યું નહોતું. ડૉક્ટર અને પોલીસનો આવો અભિપ્રાય સાંભળી મને એમ થયું કે કદાચ હું વખતોવખત મારા મગજ ઉપરનો કાબૂ ખોઈ નાખતો તો નહિ હોઉં ? મેં મારા ભૂતકાળમાં નજર નાખી. એક્કે પ્રસંગે એવો જડ્યો નહિ કે જે મારા મનની અસ્વસ્થ દશામાં ઉદ્દભવ્યો હોય. છતાં આવી માન્યતા થવાનું કારણ શું ?

મેં થોડી વાર રહી આાંખ ઉઘાડી. વ્રજમંગળા ત્યાં હતાં નહિ. માત્ર ડૉક્ટર અને હિંમતસિંગ ઊભા રહ્યા હતા. મેં નમ્ર બની ડૉક્ટરને પૂછ્યું :

'ડૉક્ટર સાહેબ ! આપ મને ઘેલછા હોવાનું જણાવો છો. પણ મારા જીવનમાં કે મારા પૂર્વજોના જીવનમાં ઘેલછાનો જરા પણ અંશ દેખાયો નથી.'

'માનસિક દર્દોની દર્દીઓને ખબર હોય જ નહિ.'

'પણ એવાં કાર્યોની તો ખબર પડે ને ? ઘેલછા હોય તોયે ક્ષણિક હોય કે મુદતી હોય; બાકીના ગાળામાં તો બધી ખબર પડે જ.’

કશું કહેવાય નહિ; બંને પ્રકારો હોય છે. પોતાનાં કૃત્યોનો સ્વપ્ન સરખો ભાસ કેટલાકને રહે છે. અને કેટલાકને આવાં કૃત્યોની સ્મૃતિ બિલકુલ જતી રહે છે. પણ એ વિષે હમણાં તમને કંઈ કહેવાની જરૂર નથી. તમને જે કહેવાનું છે તે આ પોલીસ અમલદાર જણાવશે.' ‘ત્યારે ડૉક્ટર સાહેબ ! આપ એમ માનો છો કે આરોપીને હવે તેના આરોપો વિષે પૂછવામાં કાંઈ હરકત નથી ?' હિંમતસિંગે પૂછ્યું.

‘ના.’ ડૉક્ટરે કહ્યું.

ગુનેગારોને સજા કરી પછી તેમના ગુનાઓની સજા કરવામાં ભારે અર્થ રહ્યો હોય એમ મને લાગ્યું. સાજે શરીરે ગુનાની શિક્ષા બરાબર ભોગવી શકાય !

‘સુરેશ ! હું બહુ દિલગીર છું કે તમારા જેવા પરિચિત અને ભણેલા તેમ જ પ્રતિષ્ઠિત ગણાતા ગૃહસ્થ વિરુદ્ધ મારે તપાસ કરવાનો પ્રસંગ આવ્યો. પરંતુ એ પ્રસંગ આવ્યો એટલે મારે મારી ફરજ બજાવવી જ જોઈએ. એ ફરજ બજાવતાં મારી પાસે એવા પુરાવા થયા છે કે બંસરીનું ખૂન તમે જ કર્યું છે એમ પ્રથમ દર્શનીય સાબિત થઈ શકે એવી છે. હું એમ નથી કહેતો કે તમે તમારો ગુનો કબૂલ કરો, પરંતુ જો તમે ગુનો કર્યો હોત તો તે કબૂલ કરી દેવામાં જ ડહાપણ છે.' હિંમતસિંગે એક લાંબું ભાષણ કર્યું.

ગુના કબૂલ કરાવવા માટે પોલીસ તરફથી કેટલો જુલમ કરવામાં આવે છે તેની મને જાતમાહિતી નહોતી; પરંતુ એ જુલમની વાતો મેં સાંભળી હતી, એ જુલમને વશ મારે નહિ થવું પડે એમ શા ઉપરથી ?

‘હું કબૂલ ન કરું તો મારા ઉપર જુલમ તો ગુજરશે જ. પછી...' મેં કહ્યું. પરંતુ મને બોલતો અટકાવી હિંમતસિંગે કહ્યું :

‘તમારા ઉપર જુલમ ગુજારવાની જરા પણ જરૂર નથી. તમે કબૂલ કરો અગર ન કરો, એમાં અમને લાભ હાનિ નથી. તમારા વિરુદ્ધ પુરાવો જ એટલો બધો છે કે તમારી કબૂલાત માટે અમારે આગ્રહ રાખવો નથી. આ તો રીતસર તમને પૂછવું પડે એ માટે પૂછ્યું.’

મારા વિરુદ્ધ શો પુરાવો પડ્યો છે તેની મેં માહિતી માગી. હિંમતસિંગે તે માહિતી ન આપતાં મને એટલું જ કહ્યું કે બંસરીના ખૂન સંબંધમાં મારો શો હિસ્સો હતો. એ જ મારે જણાવવું. મારો શો હિસ્સો હતો? મેં જરા વિચાર કર્યો. મારા વિરુદ્ધ પુરાવો જ હોય તો પછી હું ના કહું તેથી શું વળશે? મારી સ્થિતિ એવી નહોતી કે હું ભારે લવાજમ આપી સારામાં સારા વકીલને રોકી શકું. ખરી વાતને ખોટી પુરવાર કરવી અને ખોટી વાતને ખરી મનાવવી એ કળા વકીલોને સાધ્ય હોય છે. એ કળામાં જેવી વકીલની આવડત તેવી તેની કિંમત. હું તો વકીલને કાંઈ પણ આપી શકું એમ નહોતું. મારી સહાયમાં કોણ ? જ્યોતીન્દ્ર હતો તે તો... એ વિચાર આવતાં જ હું હતાશ બન્યો. વળી એના માથે આાળ મૂકતાં પોલીસ ચૂકી નહોતી, એટલું જ નહિ પણ બિચારાં વ્રજમંગળાની સમક્ષ મને ગુનેગાર ઠરાવી દીધો હતો ! હું ખરેખર નિરાશામાં ડૂબી ગયો; અતુલ નિરાધારપણું અનુભવવા લાગ્યો. નિરાશાને અંધકાર કેમ કહેતા હશે તે મને આ વખતે જ સમજાયું. મારો સ્વાર્થ શામાં છે તે સમજવાની પણ મારામાં શક્તિ રહી નહોતી. જેમ શારીરિક દુર્બળતા માણસને પરાધીન બનાવે છે, તેમ માનસિક શિથિલતા પણ તેને અતિશય પરવશ બનાવે છે. મારું શરીર અને મન બંને અશક્ત હતાં. એ સ્થિતિમાં જે કાંઈ થાય તે સહન કરવું પડે, જે કાંઇ સૂચન થાય તે ગ્રહણ કરી લેવું પડે ! કોઈની પણ સામે થવાની શક્તિ રહી નહોતી. મેં કહ્યું :

‘તમારી પાસે પૂરતો પુરાવો છે ત્યારે હું ના કહીશ તેથી શો લાભ થવાનો છે ?'

‘તો તમે જાણો.'

‘તો પછી માની લેજો કે ગુનો મેં કર્યો છે.'

‘અમારે માની લેવાનું નથી. આ તો તમારે જે કહેવું હોય તે કહેવાનું છે.'

હવે હું આ વાતથી ખરેખર કંટાળી ગયો હતો. હા કહ્યાથી આ પોલીસની સાથે લમણાઝીક કરવી મટી જાય તો મારે હા પણ કહેવી એમ મારા થાકેલા હૃદયને લાગ્યું. મેં જણાવ્યું :

‘હા, ભાઈ ! હા; ગુનો મેં કર્યો છે, હવે મારો ખ્યાલ છોડશો !’

‘તમારે રીતસરનો જવાબ લખાવવો પડશે.'

‘તમને ફાવે તે લખી લો. હું સહી કરીશ.’

‘ગુનાની કબૂલત હોય તો મેજિસ્ટ્રેટ પાસે લઈ જવા પડશે.'

‘તમે કહેશો ત્યાં આવીશ. પછી કાંઈ ?'

‘ડૉક્ટર ! એમને ક્યારે લઈ જઈ શકાશે ?' હિંમતસિંગે ડૉક્ટરને પૂછ્યું.

‘કાલ ઉપર રાખો.' ડૉક્ટરે કહ્યું.

'પણ એ ફરી જશે તો ?'

‘તો હું સાક્ષીમાં છું ને ?’ ડૉક્ટરે કહ્યું.

‘ઉપરાંત જ્યોતીન્દ્રનો પત્તો નથી; એ સંબંધી મુદ્દામાલ કશો હાથ લાગ્યો નથી, છતાં તપાસમાં શક તમારા ઉપર જાય છે. એ વિષે તમારે કાંઈ કહેવું છે ?' હિંમતસિંગે મને પૂછ્યું.

‘એ પણ ગુનો મેં કર્યો છે ભાઈ ! પછી કાંઈ ?'

થોડી વાર રહીને ડૉક્ટર તથા હિંમતસિંગ ચાલ્યા ગયા; હું એકલો પડ્યો. અશક્તિ અને વિચારની પ્રબળતાને લીધે મારા મન ઉપર સખ્ત ભારણ થઈ ગયું. હું આંખો મીંચીને પડી રહ્યો. મારી મીંચેલી આંખ આગળ કંઈકંઈ વિચિત્ર દૃશ્ય પ્રગટ થવા માંડ્યા. મેં બંસરીને જોઈ, જ્યોતીન્દ્રને જોયો, કર્મયોગીને પણ જોયો. એ બધાં સાથે મેં વાતો પણ કરી. બંસરીએ તેમ જ જ્યોતીન્દ્રે પોતાનું ખૂન કરવા માટે મને ઠપકો દીધો. લાચાર બની મેં રડવા માંડ્યું. મને રડતો જોઈ સુધાકરે હાસ્ય કર્યું. તેનું હાસ્ય જોઈ હું મારું ભાન ભૂલી ગયો. મને ઝનૂન ચડી આવ્યું. મેં સુધાકરને કહ્યું :

'મેં મારાં વહાલામાં વહાલાં માણસોનાં ખૂન કર્યા છે એ તું જાણે છે ?'

‘કર્યા કર્યા તે ખૂન હવે !’ તિરસ્કારથી હસી સુધાકરે કહ્યું.

‘પૂછ આ બંને જણને.' મેં બંસરી તથા જ્યોતીન્દ્ર તરફ આંગળી બતાવી કહ્યું. બંને જણે ગંભીરતાથી હા કહી. સુધાકરે અત્યંત ગર્વથી મને પૂછ્યું :

‘એમને પુછાવીને તું શું કહેવા માગે છે ?’

‘હું ગમે તે વખતે તારું ખૂન પણ કરી બેસીશ.’

‘આ બંનેના જેવો મને ના ધારીશ. મને મારતા પહેલાં તું જ ઠેકાણે થઇ જઇશ.'

મેં એકદમ ધસીને સુધાકરનું ગળું પકડ્યું. એવામાં હિંમતસિંગ તથા ડૉક્ટર બંને દોડતા આવી પહોંચ્યા. હિંમતસિંગે કહ્યું :

‘અરે, આ ગાંડો માણસ કેટલાં ખૂન કરશે ? એને મજબૂત બેડીએ બાંધી રાખો.'

ડૉક્ટરે સંમતિ દર્શાવી.

સુધાકરનું ગળું ખૂબ દબાવી, તેને જમીન ઉપર પટકી હું હિંમતસિંગ સામે દોડ્યો. ડૉક્ટર વચમાં પડ્યા અને ધમકાવવા લાગ્યા :

‘તમારા જેવા દર્દીએ ડૉક્ટરના કહ્યામાં રહેવું જોઈએ.’

‘હવે જોઉ છું તું મારી દવા કેવી રીતે કરે છે તે !’ એમ કહી મેં રિવોલ્વર ફોડી અને ડૉક્ટર નીચ પડ્યા. તેમની છાતીમાંથી રુધિર વહેવા લાગ્યું. જાણે કોઈ કર્તવ્ય કર્મ બજાવ્યું હોય એવો મને આનંદ થયો. ખૂન કરવાની લાલસા એકદમ વધી ગઈ અને પાછે પગે નાસતા હિંમતસિંગના વાંસામાં મેં રિવોલ્વરના ત્રણ ચાર પ્રહાર કર્યા. હિંમતસિંગ જમીન ઉપર ઢળી પડ્યો. હું સંતુષ્ટનીને મારા કાર્યનું પરિણામ આનંદથી નિહાળતો હતો. જરા રહી હું બોલી ઊઠ્યો : ‘પહેલાં બે ખૂન પછીથી આ ત્રણ; બધાં મળીને પાંચ અઠવાડિયામાં પાંચની શરૂઆત ઓછી નથી. ધીમે ધીમે રોજનું એક થશે. પણ મને કોઈ પકડશે ત્યારે ?... મને કોણે જોયો છે ? હરકત નહિ. આ રિવૉલ્વર અહીં દાટી દેઉં.'

એમ કહી હું નીચે બેસવા ગયો. એટલામાં મેં એક બૂમ સાંભળી :

પાછળ ફરી જોઉ છું તો કર્મયોગી સ્થિર દૃષ્ટિ કરી મારી પાસે જ ઊભો હું ગભરાઈને જરા થથરવા લાગ્યો.

તેણે પૂછ્યું :

'કેમ ? શું કરે છે ?’

'કાંઈ નહિ.'

‘આ ખૂન કોણે કર્યાં ?’

‘મને શી ખબર ?’

'તારા હાથમાં રિવૉલ્વર છે. તું સંતાડવા જતો હતો. પ્રથમ દર્શનીય પુરાવો છે કે ખૂન તેં જ કર્યાં !’

‘એટલો પુરાવો બસ ન થાય. રિવૉલ્વર તો તમારી પાસે પડી છે.’ એમ કહી મેં રિવૉલ્વર તેના પગ આગળ નાખી દીધી. એકાએક બંસરી, જ્યોતીન્દ્ર, સુધાકર, ડૉક્ટર અને હિંમતસિંગ બેઠાં થઈ ગયાં. અને એક સાથે બોલી ઊઠ્યાં :

‘અમે પુરાવા આપીશું. ખૂન સુરેશે જ કર્યા છે !’

મારું કાળજું ફડક ફડક થવા માંડ્યું. મેં આંખો મીચી દીધી.

‘કેમ ? હવે કેવો ગભરાયો ?’ સુધાકરે કહ્યું.

‘હું શું કરું ?' નિરાધાર બની હું પોકારી ઊઠ્યો.

કર્મયોગીએ તિરસ્કારથી મારી સામે જોયું અને મને કહ્યું :

‘કેવો કાયર ! કાંઈ ન બનતું હોય તો આપઘાત કર !’

મને એ વિચાર ઠીક લાગ્યો. પણ શા વડે આપઘાત કરું ! મને ગૂંચવાતો જોઈ કર્મયોગીએ પાસે પડેલી રિવૉલ્વર ઉપાડી. મેં કહ્યું :

'હા, એ લાવો.'

મેં હાથ લંબાવ્યો અને રિવૉલ્વર લીધી. મેં પૂછ્યું :

'રિવૉલ્વર ક્યાં ફોડું ?’

'આટલાં ખૂન કર્યાં તોય તને કેમ મરવું આવડતું નથી ? જો, તારું હૃદય ધડકે છે ત્યાં ધર, અગર લમણા ઉપર મૂક.'

'પછી?'

'ચાંપ દબાવ. બેવકૂફ !'

મેં લમણે પિસ્તોલ મૂકી અને ચાંપ દબાવી.

પિસ્તોલનો અવાજ મેં સાંભળ્યો અને મારા મસ્તકના ચૂરે-ચૂરા થઈ ગયા.