← આપઘાત બંસરી
એ અહીં ક્યાંથી?
રમણલાલ દેસાઈ
૧૯૩૧
કેસના ખબર →


૨૦
એ અહીં ક્યાંથી?

હૈયાનાં વહેણ વ્હેશે?
સ્નેહનાં નેણ જોશે;
ફૂલડાંમાં ભરશે અહો!
શોણિતના સંભાર
એ કટાર.
ન્હાનાલાલ

આપઘાત કર્યાથી જાણે પૂર્વ સંતોષ થયો હોય, મસ્તકના ચૂરેચૂરા થઈ જવાથી જાણે મગજનો સઘળો ભાર ઊતરી ગયો હોય, એમ નિર્વાણની શાંતિ મને પ્રાપ્ત થઈ. હું આ લોકમાં જાગ્યો કે પરલોકમાં તેની મને ખબર રહી નહિ. પરંતુ મારી ભાનમય સ્થિતિ કોઈ મૃદુસ્પર્શ સાથે શરૂ થતી હોય એમ મને લાગ્યું. આપઘાત કર્યા પછી ભાન શાનું ? અને હોય તો કોઈ સ્ત્રીના હસ્તસ્પર્શનું કેમ ? પરલોકમાં બંસરી આવીને મને જાગ્રત કરતી હતી કે શું ? મેં આંખ ઉઘાડી. ઝાંખા પ્રકાશમાં એક સ્ત્રી મારા ઓશીકા પાસે બેસી માથે ધીમે ધીમે હાથ ફેરવતી હતી.

મેં ધારીને જોયું તો તેનું મુખ મને દેખાયું નહિ. મુખ ફેરવીને એક બાજુ ઉપરનું વસ્ત્ર ખેંચી અડધા મુખને પણ ઢાંકીને તે બેઠી હતી. મેં આપઘાત કર્યો હતો. એ વાત નક્કી હતી, અને હું મૃત્યુ પછીના કોઈ સ્થળ સમયનો અનુભવ કરતો હતો, એમ મારી ખાતરી થઈ. મેં પૂછ્યું :

‘તમે કોણ છો ?’

આછા પ્રકાશ અને એકાંતમાં મને મારો અવાજ વિચિત્ર અને ન ઓળખાય એવો લાગ્યો. તેણે જવાબ આપવાને બદલે વસ્ત્ર વધારે ઢાંકી દીધું. મેં ફરી પૂછ્યું :

‘તમે બંસરી છો ?’

‘ના.’ જરા કડક, પરંતુ રડતા કંઠે તે સ્ત્રીએ જવાબ આપ્યો.

'હું ક્યાં છું?' મેં પૂછ્યું.

‘દવાખાનામાં.' તેણે કહ્યું.

મને એકદમ ભાન આવ્યું. મેં આંખ ફેરવી તો મને જણાયું કે હું મારી જૂની દવાખાનાની જગાએ જ છું. મેં આપઘાત કર્યો નહોતો પણ મને સ્વપ્ન આવ્યું હતું. પાંચ ખૂનની વાત બાજુએ રહી પણ મેં તો એક કીડીને પણ મારી નહોતી ! સ્વર્ગમાં બંસરીનો સંગ મળે એવો હું ભાગ્યશાળી નહોતો. સ્વપ્નવત્ સ્વર્ગમાંથી હું પાછો જાગૃત બની પૃથ્વી ઉપર પટકાયો.

ત્યારે આ સ્ત્રી કોણ ?

‘વ્રજમંગળા !’ મેં તે સ્ત્રીને બોલાવી. વ્રજમંગળા સિવાય કોઈપણ સ્ત્રી મારી પાસે દવાખાને આવતી ન હતી. જોકે વ્રજમંગળામાં અને મારી પાસે બેઠેલી સ્ત્રીમાં તફાવત હતો એ તો હું સમજી ગયો હતો, છતાં મેં આ પ્રમાણે નામ દઈ તેને બોલાવી.

તેણે મારા તરફ મુખ ફેરવ્યું, પરંતુ આઘું ઓઢેલું લૂગડું તેણે ખસેડ્યું નહિ.

‘હું વ્રજમંગળા તરીકે ઓળખાઈને જ અહીં આવી છું. પણ હું વ્રજમંગળા નથી.'

'ત્યારે તમે કોણ છો ?’

‘એ પૂછવાની પણ તમારે જરૂર નથી. તમને અત્યારે હું એક સૂચના આપવા આવી છું.’

હું હવે બેઠો થયો. મારામાં શક્તિ હવે આવી હતી એમ લાગ્યું.

‘શી સૂચના ?’

‘તમે અહીંથી ચાલ્યા જાઓ.' સ્ત્રીએ કહ્યું.

હું જરા ચકિત થયો. આ પરાઈ સ્ત્રીને અહીં આવી, આવી ભયંકર સૂચના કરવાનું કારણ શું ?

‘શા માટે ?’ મેં પૂછ્યું.

‘તમારે બચવું હોય તો એકલો એ જ રસ્તો છે.'

'નાસી ગયાથી હું શી રીતે બચીશ ? પોલીસને થકવવી એ અઘરું કામ છે.'

‘એ છેલ્લો પ્રયત્ન કરી જુઓ. હું ખરું કહું છું, તમે બચી જશો.'

‘પણ હું કોને માટે બચું ? મારું કોણ છે ?’

એ સ્ત્રી જરા અટકી; શા માટે તે હું સમજી શક્યો નહિ. જરા રહી તે બોલી :

‘ધારો કે તમે મારે માટે બચો, તો ?’

‘અરે પણ આપ કોણ છો ? આવું જોખમ વેઠી આ કારાગૃહના દવાખાનામાં શા માટે આવ્યાં ?' ‘હું કોણ છું. એ પછી કહીશ. અને જોખમ વેઠવાનું કારણ હશે માટે જ અહીં આવી હોઈશ. માટે વાર ન કરશો.'

‘વાર ન કરું ? કેટલા વાગ્યા છે?' મેં પૂછ્યું.

'રાતના બાર વાગ્યા છે.'

'ઓહો ! હું આખો દિવસ બેભાન રહ્યો ?’

‘હા, હું પાસે જ હતી.'

‘મારી પાસે તો કોઈ નહોતું. હિંમતસિંગ અને ડૉક્ટર હતા.'

‘તમે જેટલી વાર કરો છો એટલું તમને જ નડવાનું છે.'

‘અરે પણ હું જાઉ શી રીતે ? આ તો કેદખાનું છે; એકલું દવાખાનું ન હોય.'

'તેનો મેં રસ્તો કર્યો છે.'

'શો?'

‘હું બબ્બે કપડાં પહેરી લાવી છું. તેમાંથી એક પહેરી લો અને રાતનો લાભ લઈ ચાલ્યા જાઓ.'

'એટલે કે હું સ્ત્રીનો પોશાક પહેરું ? શા માટે નહિ ? મને જરા હસવું આવ્યું, અને જૂના વખતનાં રજવાડાંઓનાં કારસ્તાનો યાદ આવ્યાં. હું કોઈ રાજવંશી નહોતો, તેમ નહોતો હું કોઈ ધનાઢ્ય અગર દેશસેવાની ઝબકભર્યો રાજસત્તાનો ભોગ થઈ પડેલો દેશસેવક. ત્યારે શા માટે આ સ્ત્રી મને આવી સૂચના કરે છે ?'

'પણ મને ઓળખ્યા વગર કોઈ રહેશે ?'

'તમને કોઈ ઓળખશે નહિ. તમારું મુખ કુમળું છે, અને અને...તમને મૂછો નથી એટલે કશી હરકત નહિ પડે.'

આ સ્ત્રીની નિર્દોષ અને સમજપૂર્વક નહિ થયેલી રમૂજનો વિચાર કરી મને ખરેખર હસવું આવ્યું. અતિશય વર્તમાનપણાની છટાથી અંજાઈ હું મૂછ રાખતો નહોતો, એ પરિસ્થિતિનો ઉપયોગ સ્ત્રીનાં કપડાં પહેરી, સ્ત્રી તરીકે ઓળખાવવામાં થશે એમ મને સ્વપ્ને પણ ખ્યાલ આવ્યો નહોતો. એ સંબંધમાં જ્યોતીન્દ્રે એક વખત મારી મશ્કરી કરેલી તે મને યાદ આવી. તેણે કહ્યું :

'તું મૂછો નથી રાખતો એ હમણાં તો ઠીક છે, પરંતુ ભવિષ્યમાં તારે નીચું જોવું પડશે.'

'શા માટે ?’

'મૂછ ન હોવાથી અનેક વિચિત્ર પ્રસંગો ઊભા થાય છે. મારા એક ઓળખીતા ગૃહસ્થ છે. તેઓ પ્રથમથી મૂછો રાખતા નહોતા. તેમની ઉમર પાંસઠેક વર્ષની હતી, પરંતુ વૃદ્ધાવસ્થાએ તેમની કાર્યશક્તિ ઘટાડી નહોતી. અનેક મનુષ્યો તેમને ત્યાં આવ્યો જતાં. ઉંમરની સાથે મહાપુરુષોમાં સાદાઈ આવે છે તેમ આ સાહેબને પણ સાદાઈનો શોખ લાગ્યો. ભોગજોગે શિયાળાની એક ઠંડી સવારમાં એ મહાશય રંગીન શાલ ઓઢી સગડી પાસે તાપતા બેઠા હતા. પાંસઠ વર્ષની ઉમરે શાલને માથે ઓઢવામાં કોઈને સંકોચ ન થવો જોઈએ, સાહેબને તો સંકોચ નહોતો જ. તેમણે માથા ઉપર પણ શાલ નાખી દીધી હતી. હાલમાં તેઓ ગ્રામોદ્વારમાં રોકાયા હતા. એટલે એક ગામડિયો ઓટલા ઉપર આવી ઊભો અને જરા નિહાળીને પૂછવા લાગ્યો : "ડોશીમા ! સાહેબ ઊઠ્યા છે કે ?” સાહેબે શો જવાબ દીધો તે તારે જાણવાની જરૂર નથી, પરંતુ એટલું તો તને જણાવું છું કે ત્યાર પછી સાહેબે મૂછો જ માત્ર નહિ, પણ થોભિયા સુધ્ધાં રાખ્યા !’

એ મારા મિત્રની કહેલી વાત યાદ આવી અને હું હસ્યો. મેં તે યુવતીને કહ્યું :

પણ જ્યાં સુધી હું તમને ઓળખું નહિ ત્યાં સુધી મારાથી એ કશું થાય નહિ.'

‘હું તમારા ખોટામાં રાજી નથી.’

'તે તો હું સમજી ગયો. પણ મારા નાસી જવાનો આરોપ તમારે માથે પડે ત્યારે ?'

‘એનો બચાવ હું કરીશ. અને ધારો કે મારે માથે આરોપ આવ્યો તોય. મને ફાંસીએ તો નહિ ચડાવે ને ? તમારે માટે તો એની તૈયારીઓ થાય છે.'

‘તમને કોણે કહ્યું ?'

‘હું તમને પગે લાગીને કહું છું કે તમે નાસી જાઓ. બધો પુરાવો ભેગો કર્યો છે એ હું જાણું છું. અને તમને દુ:ખ થશે એ મારાથી નહિ જોવાય. તે સ્ત્રીએ પોતાના ઢાંકેલા મુખની અંદરથી જ આંખો લહોવાનો દેખાવ કર્યો.

મારી જિજ્ઞાસા ઉશ્કેરાઈ. આ સ્ત્રીએ શા માટે આટલો બધો આગ્રહ કરવો જોઈએ ? શા માટે મારી લાગણી ધરાવવી જોઈએ ? તેનો અને મારો સંબંધ શો ?

‘તમે એક વખત તમારું ઓળખાણ આપો.' મેં કહ્યું.

‘ઓળખાણ આપવાનું હોય તો હું વાર ન કરત.'

‘તો પછી તમે મને ફસાવતાં નહિ હો એમ હું કેમ માનું ?’

‘અરે, અરે ! આટલું જોખમ વેઠી હું તમને છોડાવવા આવી અને તમારા મનમાં આવું લાગે છે ? હું શું કરું ?’

તે મારા ખાટલા પાસે જમીન ઉપર બેસી ગઈ અને ખાટલાની ઈસ ઉપર માથું નાખી દીધું. તેણે રડવા માંડ્યું. તેનાં ડૂસકાં મેં સાંભળ્યાં અને મને દયા આવી. સ્ત્રી અજાણી હતી, છતાં મારા પ્રત્યે આટલો બધો ભાવ બતાવતી હતી. તેથી મેં હિંમત કરી અને તેને માથે હાથ મૂક્યો. જાણે મારો હાથ ત્યાં ને ત્યાં રાખવાની તેની ઇચ્છા હોય તેમ તેણે મારા હાથને કે તેના માથાને જરા પણ ખસેડ્યાં નહિ.

મને ખાતરી હતી કે બંસરી સિવાય કોઈ સ્ત્રીએ મારા પ્રત્યે કદી ભાવ બતાવ્યો નથી. મારી જિજ્ઞાસા મારા કાબૂમાં રહી નહિ. મેં માથા ઉપરથી ધીમે રહી લૂગડું ખસેડવા પ્રયત્ન કર્યો. તે સમજી નહિ પરંતુ માત્ર એ લૂગડું ખસેડું નહિ એટલો હળવો પ્રયત્ન એણે કર્યો. હું એમ ને એમ બેસી રહ્યો. જરા રહી એ બોલી :

‘તમે મને ઓળખવા પ્રયત્ન કરશો નહિ.’

‘કેમ મારે માટે આટલું જોખમ વહોરનારને હું શા માટે ન. પિછાનું ?

‘હું ને તમે જીવતા હોઈશું તો કોઈ દિવસ જાણીશું; આજ નહિ.’

‘શા માટે નહિ ?’

‘અત્યારે મને કોઈ પણ ઓળખે તો મારોયે જીવ જોખમમાં આવી પડે.'

‘તમને મારા પ્રત્યે આટલો ભાવ છે તો એ જોખમ સહી લો. હું તમારી સ્મૃતિ ગુપ્ત રાખીશ.’

‘આટલું બોલતાં તો મેં લૂગડું તેના મસ્તક ઉપરથી ખસેડી નાખ્યું. તેણે બહુ જ મથન કરી લૂગડું ન ખસે એવો પ્રયત્ન ઝટ કર્યો, પરંતુ મારી ઉતાવળ આગળ તેનો પ્રયત્ન સફળ થયો નહિ. માથેથી છેડો ખભા ઉપર પડ્યો અને પેલી સ્ત્રીએ બંને હાથ વડે પોતાનું મુખ ઢાંકી દીધું, અને ઘૂંટણ વચ્ચે સંતાડી દીધું.

‘તમે આમ ન કરો. હું તમારે માટે કહું છું.’

પરંતુ હવે આટલી બધી અસભ્યતા કર્યા પછી આ યુવતીનું મુખ. જોયા વગર ચાલે એમ હતું જ નહિ. મેં બળ કરી તેનું મુખ ઊંચક્યું. હું ચમક્યો અને આશ્રર્ય પામ્યો ! સ્વપ્નને પણ નહિ ધારેલું એ મુખ જોયું ! એ અહીં ક્યાંથી આવી ?