બંસરી/જ્યોતીન્દ્રની નોંધ-૫

← જ્યોતીન્દ્રની નોંધ બંસરી
જ્યોતીન્દ્રની નોંધ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
જ્યોતીન્દ્રની નોંધ →


૩૧
જ્યોતીન્દ્રની નોંધ

આર્ય સુજનતા દૈન્ય ગણી તો,
યુદ્ધ એ જ યુગધર્મ.
ન્હાનાલાલ

“મને થોડી વાર ઊભો રાખવામાં આવ્યો. અમારાં મુખ બંધ હતાં એટલે કોઈ કોઈને ઓળખી શકે એમ નહોતું. આખા મંદિરમાં દસબાર કરતાં વધારે માણસો ભાગ્યે જ હશે એમ મને લાગ્યું. મારી ફરજ જાણે પહેરો ભરવાની હોય એમ મને ભાસ થયો. મેં તે ભાવ બરાબર ભજવ્યા. એકાદ કલાક બાદ પાસેનું બારણું ઊઘડ્યું ને એક માણસ બહાર નીકળ્યો, તેણે મને અંદર જવા ઇશારો કર્યો. ઇશારો ન કર્યો હોત તોપણ હું બારણું ઉઘાડતાં અંદર જવાનો જ હતો. અંદર પેસતાં બરોબર મેં જોઈ લીધું કે ઓરડીના ત્રણે ખૂણા ઉપર એક એક માણસ ઊભો છે; મારે ચોથા ખૂણા ઉપર ઊભું રહેવું જોઈએ. હું ત્યાં જઈને ઊભો કર્મયોગી કુંજલતા ઉપર માનસિક બળનો - સંકલ્પ બળનો પ્રયોગ ચલાવતો મને દેખાયો. બંસરીનું ખૂન થયું જ છે અને તે એણે નજરે જોયું છે; એવી માનસિક સ્થિતિ ઉત્પન્ન કરવાનો કર્મયોગીનો પ્રયોગ હોય એમ મને ચોખ્ખું જણાયું. કુંજલતાના દેહમાં બંસરીના મૃતાત્માએ પ્રવેશ કર્યો હોય અને તે વિવેચન કરતો હોય એવો દેખાવ થઈ રહ્યો હતો. સંકલ્પ બળ દ્વારા કેવી ખોટી વિચારસૃષ્ટિઓ વાહકહૃદયો દ્વારા ઉત્પન્ન કરી શકાય તેનું કર્મયોગી મને એક દુષ્ટાંત પૂરું પાડતો હતો. આવો બાહ્ય પ્રયત્ન કરવાની કર્મયોગીને જરૂર પડી એટલા ઉપરથી મને લાગ્યું કે બંસરીનું ખૂન થયું જ નથી. હું બધો પ્રયોગ જોતો હતો.

“હવે સુરેશની મને ચિંતા થઈ. તે કોઈને હાથ વળી પાછો સપડાયો હશે તો એવામાં એક જાળી તરફ સહજ પાંદડું હલ્યા જેવો બહુ મહેનતે સંભળાય એવો ખડખડાટ થયો. કોઈ પણ સંજોગમાં એ અવાજ તરફ ધ્યાન ખેંચાય એમ હતું જ નહિ. છતાં મારી નજર ત્યાં ગઈ. એક હાથ જાળી ઉપર મુકાયો હોય એવો મને ભ્રમ થયો. પછી મને લાગ્યું કે તે કદાચ પ્રકાશ અંધકારની રેખાઓથી ઊપજતો ભ્રમ પણ હોય. "પરંતુ એ ભ્રમણા નહોતી. કર્મયોગીએ કુંજલતાને તે બાજુએ પિસ્તોલ તાકવાની આજ્ઞા કરી. એટલે કર્મયોગીએ પણ જાણ્યું જ હશે કે કોઈ તેના કૃત્યને એ જાળીમાંથી જુએ છે. મને ડર પેઠો : સુરેશ તો ત્યાં નહિ તે હોય ? કુંજલતા બેભાન હતી - કર્મયોગીના માનસિક બંધનમાં હતી, છતાં તેણે આનાકાની કરી. મારાથી જાળી બહાર દેખી શકાતું નહોતું. કર્મયોગી એક મહાસમર્થ સંકલ્પ બળવાળો પુરુષ હતો. એટલી તો મારી ખાતરી થઈ. બે કે ત્રણ આજ્ઞામાં તેણે કુંજલતાના વિરોધી સંકલ્પને વશ કરી લીધો, અને કુંજલતાએ નિશાન તાક્યું. સુરેશ જ ત્યાં હશે ! તે હોય કે ન હોય તોપણ કોઈનું ખૂન થાય છે એમ મેં ધારી લીધું. હું હત્યા કરી શકતો નથી અને તે થતી જોઈ શકતો નથી. મેં ઝડપથી ધસી જઈ કુંજલતાની પિસ્તોલ પાડી નાખી.

‘મારામારીનો પ્રસંગ આવશે એ તો હું જાણતો જ હતો. પરંતુ તેવા પ્રસંગો મને ગભરાવતા નથી. એ મારામારીમાંથી જ મને સુરેશ જાળીમાં હોવાના ખબર પડ્યા. તેણે પિસ્તોલથી ડરાવી બીજા માણસોને નસાડી મૂક્યા; અંધારું થયું. કર્મયોગી આવ્યા અને ગયા. પરંતુ એ પછી મને જે અનુભવ થયો તે મારા સરખા નીડર માણસને પણ ભયનું ભાન કરાવે એવો હતો. આખો માળ ઊંચકાઈ આવી મને છત સાથે કચરી નાખવા મથતો લાગ્યો, હું ઊંચે અને ઊંચે ચઢતો હતો. ઓરડીનાં બારીબારણાં ક્યાં ગયાં તેની પણ મને ખબર રહી નહિ. ચારે પાસ, ભીંતો ખોળી વળ્યો, માળની તસુએ તસુ જગા જોઈ વળ્યો, પરંતુ ક્યાંથી નીકળી શકાય એવો કોઈ જ રસ્તો જણાયો નહિ. કોઈ પણ મુશ્કેલ સ્થિતિમાં હું ગૂંચવાઉ નહિ એવું મને અભિમાન હતું; એ મારું અભિમાન બાજુએ રહી ગયું. એક ક્ષણ તો મારી ખાતરી થઈ કે કર્મયોગીનું ભયંકર યંત્ર મારો ભુક્કો કરી નાખશે !

“હું ઊંચો અને ઊંચો ચાલ્યો જતો હતો. મને જણાયું કે મારી જીભ સુકાય છે. મારા હાથ હવે છતને અડક્યા. છત ઉપર હું હાથ ફેરવી વળ્યો. કાંઈ પણ સાધન છતમાંથી નાસી છૂટાય એવું મળ્યું નહિ. છત ઉપર મેં હાથ પછાડ્યા. પાટિયાંની તે બનેલી લાગી. પાટિયાં મજબૂત સપાટ હતાં. ખૂબ જોરથી કામ કરતા મારા મગજમાં એક વિચાર આવ્યો : આ પાટિયાં કપાય પણ શી રીતે કપાય ? મારી પાસે કશું હથિયાર નહોતું. મેં સુરેશને પૂછ્યું કે તારી પાસે ચપ્યુ સરખું કશું હથિયાર છે કે કેમ ? તેણે ના પાડી. મારી શ્રદ્વા ઘટી ગઈ. હવે છત સાથે કચડાઈ ગયા સિવાય છુટકો જ નહોતો. હું નીચે બેઠો. સારામાં સારી રીતે કેમ મરવું તેનો હું વિચાર કરવા લાગ્યો. બહાર પોલીસ સુરેશને પકડવા મથતી હતી. તેનું કથન કોઈ સાંભળતું નહોતું. એવામાં બે સંગીન તેણે અંદર ફેંક્યાં, પોલીસ પાસેથી તેણે ઝૂંટાવ્યાં હશે એમ લાગ્યું.

“સંગીન જોતાં મને શ્રદ્ધા આવી. કર્મયોગીનો પ્રસંગ મને મહાત કરે એ મારાથી સહન થયું નહિ. ઊંચે વધ્યે જતા માળનું બળ છત ચીરવા માટે ઉપયોગમાં લેવા ધાર્યું. સંગીનો બંને હાથે છત સામે ખોસી દીધાં. માળનું અને મારું બંને બળ ભેગું થયું. પાટિયાં ચિરાવા લાગ્યાં. મારું માથું હવે છત સાથે અડક્યું. હું સૂતો. સૂતે સૂતે હાથ લંબાવી પાટિયામાં કાણું પાડવાનું મંથન મેં ચાલુ રાખ્યું. સંગીન પાટિયાંની બહાર ચાલ્યાં ગયાં હોય એમ લાગ્યું. મેં તે પાછાં ખેંચી બીજી બાજુએ જોર કર્યું. ત્યાંથી પણ પાટિયાંએ માર્ગ આપ્યો. આમ ચારે બાજુએ સંગીન ઠોકી એક નાનો ચોરસ મેં કોરી કાઢ્યો. પરંતુ હવે શું કરવું ? માળ અને છત ભેળાં મળીને મને કચરી નાખવાની તૈયારીમાં હતાં, મૃત્યુના ભયની તૈયારીમાં બધું બળ અજમાવી એક ભયંકર લાત એ ચોરસામાં મારી સંગીન તૈયાર કરેલો ચોરસ તૂટી ગયો અને નાનું બાકું પડી રહ્યું. બહુ જ ઉતાવળથી સંકોચાઈ શરીર ઘસવીને હું બાંકામાં પેસી ગયો અને તત્કાળ માળ અને છત પરસ્પર દબાયાનો ભયાનક અવાજ મારે કાને પડ્યો ! આવી રીતે મને કચરી મારી નાખવાની યુક્તિ આ મકાનમાં રચાઈ હશે એની મને ખબર નહોતી, એ માટે હું તૈયાર નહોતો. હું બચી શક્યો એ માટે હું મારાં ભાગ્ય, અને સુરેશે વખતસર આપેલી સંગીન એ બંનેનો આભારી હતો.

“પાટિયાં ઉપર માળિયા જેવી મોટી જગા હતી ત્યાં અંધારું ખૂબ હતું. પરંતુ હાથ ફેરવતાં જગા વિશાળ લાગી. વળી યંત્ર સરખી ચીજો હાથ લાગી. હું બચ્યો એટલી વાત ચોક્કસ. નીચેનો યાંત્રિક માળ ઉપરના માળિયા સાથે દબાયો, પરંતુ હું તો માળિયા ઉપર ચઢી ગયો એટલે કચરાયો નહિ. મારા પગમાં જોર આવ્યું. ચારે પાસ હું ફરી વળ્યો. એક પહોળી ભૂંગળા જેવી જગા જોવામાં આવી. તેમાં નજર નાખતાં છેક નીચે પ્રકાશ જોવામાં આવ્યો. આ પ્રકાશ ઓછો વધતો થતો હોય એમ લાગ્યું. પચાસસાઠ ફૂટની ઊંડાઈ અને સાંકડું ભૂગળું એમાં આધાર વગર ઊતરવાનો મેં નિશ્ચય કર્યો. ગૂંગળાવતા ભૂંગળામાં પગ અને હાથ આછા આછા ટેકવી જીવનું જોખમ ખેડી હું લપસી પડ્યો.

“મારા પગ જમીનને અડક્યા. ઉપર અંધકાર. પગ મૂકી હું નીચે બેસી ગયો. એક બાજુએ કાચની નાની બારી હતી; એક બાજુએ અંધારામાં જાળી જેવો ભાસ થયો. એ કાચમાં થઈને પ્રકાશ આવતો હતો, જે ઉપરથી જ મેં નીચે ઊતરવા હામ ભીડી હતી. કાચની અંદર જોયું તો એક બહુ વૈભવભરેલી ઓરડી જોવામાં આવી. એ ઓરડીનું વર્ણન આપવા કરતાં વધારે મહત્ત્વની વાત તો બંસરીને ત્યાં જોઈ એ હતી !

‘બંસરી બેઠી હતી. તેની આંખો ભારે રુદન કરી થાકી ગઈ હોય એવી લાગતી હતી. સામે કર્મયોગી બેઠો હતો. બંસરી તેના તરફ મુખ રાખીને બેઠી હતી.

'સુરેશને ગોળી વાગી.' જરા હસી કર્મયોગીએ કહ્યું.

‘પછી ?’ બંસરીએ પૂછ્યું.

‘પછી શું ? ગોળી વાગવાથી શું પરિણામ આવે ?’

‘માણસ મરી જાય.’ બંસરીએ ગભરાઈને કહ્યું.

'બરાબર છે.’ નિષ્ઠુરતાથી કર્મયોગીએ કહ્યું.

‘ઓ પાપી ! તે સુરેશને શું કર્યું ?' બંસરી બોલી ઊઠી.

'તે તું ધારી લે.’

'ઓ બાપ રે !’ કહી બંસરીએ માથું પટક્યું અને જમીન ઉપર ઢળી પડી.

‘કર્મયોગીએ સ્મિત કર્યું. અંદરથી બે-ચાર માણસો આવ્યા, તેમને કહ્યું:

'મોટરમાં લઈ જાઓ, કાશ્મીર ! ધ્યાનમાં આવ્યું ને ?’

‘તેમાંના એક જણે હા કહી, અને સહુએ બંસરીને ઊંચકવા માંડી.

‘બંસરીને ભાન આવ્યું. તેણે પોતાના ઉપાડવા સામે બળ વાપર્યું. '

'મને ક્યાં લઈ જાઓ છો ?’

'કાશ્મીર.'

'કેમ ?'

'તને બહુ ગમે છે માટે. એ સ્વર્ગ છે. ત્યાં તને સ્વર્ગનું સુખ આપીશ.’

'મને તો જ્યાં સુરેશ હશે ત્યાં જ સ્વર્ગનું સુખ મળશે; બીજે નહિ મળે.'

'સુરેશ તો ગયો.’

'હુંયે જઈશ.’

'તો ભલે. પરંતુ તે પહેલાં તારે હું કહું ત્યાં ચાલવું પડશે.’

'કદી નહિ બને.' ‘લઈ જાઓ.' કર્મયોગીએ હુકમ કર્યો.

“તેની સાથે જ મેં કાચ ઉપર એક મુક્કો માર્યો. કાચ તૂટી ગયો એટલું જ નહિ, પણ ત્યાં એક ડોકાબારી ઊઘડી. આશ્ચર્યચકિત થયેલા સર્વ એ બાજુએ જોવા લાગ્યા. હું કૂદીને બહાર નીકળ્યો, અને બૂમ પાડી ઊઠ્યો :

‘જોઉ છું, કોણ બંસરીને લઈ જાય છે !’