બંસરી/મુકદમાની વધુ વિગતો

← મુકદમાની વિગતો બંસરી
મુકદમાની વધુ વિગતો
રમણલાલ દેસાઈ
૧૯૩૧
વકીલોની તકરાર →


૨૩
મુકદ્દમાની વધુ વિગતો

નાવ ડોલે, નાવ ડોલે
સમુદર નાવ ડોલે રે;
નાવ ડોલે, નવા ડોલે
જીવનની નાવ ડોલે રે.
વાસુદેવ શેલત

જેમ જેમ નવીનચંદ્ર મને ખૂની તરીકે પુરવાર કરવા જબરજસ્ત મંથન કરતા તેમ તેમ દિવ્યકાન્ત એ ખૂન કરવામાં મારો કશો જ ઉદ્દેશ નહોતો એમ સાબિત કરાવવા ચાનક રાખતા. મારો મુકદ્દમો ચાલતો. ત્યારે અદાલતમાં માણસો માતાં ન હતાં. નિંદા કરવાની અને નિંદા સાંભળવાની માનવજાતની ટેવને અદાલતો અને વર્તમાનપત્રો બહુ જ પુષ્ટિ આપે છે. લોકોને કોના તરફ લાગણી હતી એ કહી શકાતું નહિ, છતાં મોટે ભાગે ગુનેગાર તરફ જનસમાજની સહાનુભૂતિ રહે છે એટલું તો મને સમજાયું. ભરેલી અદાલતોમાં શાંતિ રાખવી બહુ મુશ્કેલ છે, તથાપિ મારા કેસ વખતે સહુ કોઈ અજબ શાંતિ જાળવી રાખતા.

મારી તરફેણમાં દિવ્યકાન્ત બહુ પ્રયત્ન કરી મારો ખૂન કરવામાં કાંઈ જ હેતુ નહોતો એમ પુરવાર કરાવતા. પરંતુ તેમના પ્રયત્નને હિંમતસિંગ તથા ડૉક્ટરની જુબાનીથી ભારે ધક્કો પહોંચ્યો. એક ચક્રવર્તી બીજા કોઈ ખંડિયા રાજા તરફ જે તુચ્છકાર બતાવે તે તુચ્છકાર દર્શાવી નવીનચંદ્રે દિવ્યકાન્તની સંભાવના એ બે સાહેદોની જુબાની વખતે જમીનદોસ્ત કરી દીધી. હિંમતસિંગને તેમણે કેટલાક સવાલ-જવાબ થઈ રહ્યા પછી પૂછ્યું :

‘ઠીક, હિંમતસિંગ ! હવે હું તમને વધારે ખોટી નહિ કરું. તમે એક બાહોશ પોલીસ અમલદાર છો. તમારી તપાસમાં અનેક ખૂનોની તપાસ થઈ ગઈ હશે. એ બધાં જ ખૂનોનો ઉદ્દેશ તમને અગર કૉર્ટને સમજાયો હોય એવું દરેક વખતે બન્યું છે ?'

દિવ્યકાન્ત ત્વરાથી ઊભા થઈ ગયા અને બહુ જ આર્જવભયાં શબ્દોમાં ન્યાયાધીશને તેમણે કહ્યું : ‘મારા વિદ્વાન મિત્રનો આ પ્રશ્ન નામદાર કૉર્ટે નામંજૂર કરવો જોઈએ. બીજા કેસોમાં શું બન્યું છે અને શું નહિ તેને આ મુકદમા સાથે સંબંધ નથી.’

‘મારા યુવાન મિત્રને હજી ફોજદારી કામોના અનુભવની શરૂઆત છે માટે તેઓ આવો વાંધો લે છે. નામદાર કૉર્ટની તો ખાતરી જ થઈ ગયેલી છે કે આ પ્રશ્ન બહુ મહત્વનો અને કામને લાગુ પડતો છે. નવીનચંન્દ્રે બેદરકારીથી કહ્યું.

‘આવા પ્રશ્નનું લાગુપણું સમજવા માટે ફોજદારી કામોમાં આખી જિંદગી બગાડવાની જરૂર હોય એમ હું મારા માનવંત મિત્રની માફક માનતો નથી. આવા પ્રશ્નો પૂછવા દેવા એ નિર્દોષ માણસને ફાંસીએ લટકાવવા માટે બસ છે !’ મારા વકીલ દિવ્યકાન્ત નવીનચંદ્રની ટીકાનો જવાબ આપતાં જણાવ્યું.

‘મારા વિદ્વાન મિત્રો'ની ઝપટનો વિચાર કરવા નામદાર કૉર્ટે આંખ મીંચી અને ઉચ્ચાર કર્યો :

‘કેસને લગતી જ હકીકત પૂછવી જોઈએ. આપણે ખૂનની ફિલસૂફી ચર્ચવા બેઠા નથી.’

નવીનચંદ્રનો પ્રશ્ન નામંજૂર થયો. કોર્ટનું વલણ દિવ્યકાન્ત તરફ હતું એ વાત સૂચવવા અનુભવી નવીનચંદ્રે ગુસ્સાનો દેખાવ કર્યો, અને ગર્જના સરખા અવાજથી કૉર્ટને બિવડાવવા તેમણે કથન કર્યું :

‘નામદાર ન્યાયમૂર્તિને મારી વિનતિ છે કે લાગણીને આવા કામે બિલકુલ અવકાશ નથી એવો દેખાવ થવો જોઈએ. એક યુવાન ભણેલા પુરુષની જિંદગીનો એક બાજુએ સવાલ છે, અને તેને લીધે લાગણી દુભાય એ સહજ છે - મારી પણ લાગણી દુભાય છે; છતાં બીજી પાસ એક નિર્દોષ યુવતીના કમકમાટભર્યા ખૂનની - સમાજના હિતમાં - સમાજની આવી અનેક નિર્દોષ યુવતીઓના સંરક્ષણ અર્થે શિક્ષા કરવાનો સવાલ છે, એ પણ ભૂલવું ન જોઈએ.’

દિવ્યકાન્ત જવાબ આપવા ઊભા થયા, પરંતુ ન્યાયાધીશે હાથ હલાવી તેમને બેસાડી દીધા. ન્યાયાધીશના મુખ ઉપર ગુસ્સો દેખાયો. રંગવિહીન આકાશ પણ કદી લાલ-લીલું દેખાય છે. કોઈ પણ રંગથી અલિપ્ત રહેવાને માટે બંધાયલા ન્યાયાધીશના સંયમભર્યા મુખ ઉપર ગુસ્સો દેખાઈ આવ્યો. તેઓ બોલી ઊઠ્યા :

‘મિ. નવીનચન્દ્ર ! શું તમે એમ કહેવા માગો છો કે હું પક્ષપાત અગર વલણ બતાવું છું ?’ પોતાને જે કહેવું હોય તે બહુ બહુ સ્પષ્ટતાથી સૂચવ્યા છતાં દોષમુક્ત રહેવાનું વકીલોને સારી રીતે આવડે છે. નવીનચંદ્રે કહ્યું :

‘મી લૉર્ડ ! મારા શબ્દો આપ યાદ કરશો તો આપને ખાતરી થશે કે હું પક્ષપાત અગર વલણ સંબંધી એક અક્ષર પણ બોલ્યો નથી.’

‘બોલ્યા નથી પણ સૂચવ્યું છે.'

‘મારા શબ્દોનો એવો અર્થ થઈ શકે જ નહિ. અને છતાં આપ નામદારને તેવું લાગ્યું હોય તો હું બહુ દિલગીરી છું. આપ નામદારના નિષ્પક્ષપાત વલણની મને પૂરી ખાતરી છે, અને જાહેર અદાલતમાં તેવી ખાતરી હું વ્યક્ત કરું છું.’

‘આગળ ચાલો.' અપાયલી ખાતરી ગ્રાહ્ય કરી કૉર્ટે ફરમાન કર્યું.

જાણે કાંઈ બન્યું ન હોય તેમ નવીનચન્દ્ર હિંમતસિંગની તપાસ આગળ ચલાવી.

'મિ. હિંમતસિંગ ! મારો પ્રથમ પ્રશ્ર ભૂલી જાઓ. તમે તારીખ.....ની રાતે જ્યોતિન્દ્રની સાથેના ખાલી બંગલામાં હતા તે પ્રસંગ તમે યાદ કરી જાઓ.'

‘મને બરાબર યાદ છે.' હિંમતસિંગે કહ્યું.

‘એ બંગલામાં કોઈને ગોળી વાગ્યાનું તમને યાદ છે ?'

'હા.'

‘હું તમારા સમક્ષ દસ માણસોને ઊભા રાખું છું. તેમાંથી કોને ગોળી વાગી. તે તમે કહી શકશો ?’

કૉર્ટની અંદર દસ માણસોને લાવવામાં આવ્યા. હિંમતસિંગે તેમને જોઈ લીધા. નવીનચન્દ્રે પૂછ્યું :

‘બને તેટલી ખાતરી કરી લો અને પછી કહો કે કયા માણસને ગોળી વાગી હતી ?’

હિંમતસિંગે કહ્યું :

‘કોર્ટની બાજુએથી ગણતાં સાતમા માણસને.’

'બરાબર. તે વખતે ઓરડામાં કોણ હતું ?’

જે માણસને ઓળખ્યો તે મને શિવનાથ જેવો લાગ્યો. શું શિવનાથનું નામ દઈ એ માણસે મને છેતર્યો હતો ? રસ્તે જતા ગમે તે એક માણસને મેં શિવનાથ તરીકે કેમ માની લીધો ? પરંતુ એ ભૂલ થવાને પૂરતાં કારણો શું નહોતાં ? તેની વાતચીત, તેનો ભભકો, મોટર - એ બધું ગમે તેવા માણસને પણ ભુલાવામાં નાખવા માટે શું પૂરતું નહોતું ? હિંમતસિંગે જવાબ આપ્યો અને ઝડપથી ચાલતા મારા વિચારો અટક્યા.

હિંમતસિંગે કહ્યું :

‘ઓરડામાં તે વખતે સુરેશ હતા.’

‘બીજું કોણ હતું ?'

‘કોઈ નહિ.'

‘તમે ઓરડામાં શા માટે ગયા હતા ?’

‘અંદરથી પિસ્તોલનો અવાજ આવ્યો માટે.'

‘તમે એકલા જ ગયા હતા ?’

'ના, મારી સાથે ચાર પોલીસ સિપાઈઓ હતા.’

'તમે એ બંગલા તરફ કોની બાતમીથી ગયા હતા ?'

'જ્યોતીન્દ્રની. એકબે ખૂન થવાનો સંભવ છે એમ તેમણે જણાવ્યું એટલે તેમની સાથે હું ગયો.’

'ત્યાં ગયા પછી જે બન્યું હોય તે નામદાર કોર્ટને જણાવો.'

‘આખા બંગલામાં અંધારું હતું. હું, જ્યોતીન્દ્ર અને મારા માણસો ધીમેધીમે બંગલામાં ગયા. જ્યોતીન્દ્ર બીજા ઓરડાના બારણા આગળ ઊભા; હું તેમની પાછળ હતો અને મારા માણસો મારી પાછળ હતા. અંદરથી પિસ્તોલનો અવાજ આવ્યો અને તેની સાથે જ્યોતીન્દ્રે અંદર પ્રવેશ કર્યો હશે. અંદર જતાં જ્યોતીન્દ્રે સુરેશને ઊભો કર્યો હતો તે મેં જોયું.’

‘એટલે આરોપી પડી ગયો હતો ?'

'હા.'

‘તેના હાથમાં શું હતું ?'

‘પિસ્તોલ.'

‘ઠીક એ પિસ્તોલ ફૂટી હતી એમ તમે માનો છો ?’

'હા.'

'કારણ ?’

‘એક ગોળી ખાલી હતી.'

‘એ પિસ્તોલ જ્યોતીન્દ્રે નહિ ફોડી હોય એમ તમે કહી શકો છો ?’

‘મારી ખાતરી છે કે પિસ્તોલ જ્યોતીન્દ્રે ફોડી જ નથી.'

‘મોઢાની ખાતરી કૉર્ટ માનશે નહિ, કારણો આપો.'

‘જ્યોતીન્દ્ર કદી હથિયાર રાખતા જ નથી. વળી પિસ્તોલ સુરેશના હાથમાં હતી. જ્યોતીન્દ્ર અંદર જઈ, અંધારામાં પિસ્તોલ ફોડી કોઈ માણસને ઘાયલ કરે એટલો સમય પણ નહોતો.’

‘માટે સુરેશે પિસ્તોલ ફોડી એમ કહો છો ?’

‘હા, જી. વળી તેના મનની સ્થિતિ જોતાં તે એક Maniac - ભ્રમિત ચિત્તવાળા - ખૂની તરીકે મને જણાયો છે.’

ઝીણી આંખ કરી નવીનચંદ્રે પોતાના હરીફ દિવ્યકાંત તરફ જોયું. જે પ્રશ્ન બદલ વાંધો તેણે લીધો હતો. તેનો જવાબ એની મેળે જ આવી જતો જણાયો.

‘કારણ આપ્યા સિવાય તમે કશું કથન કરશો જ નહિ.’ નવીનચંદ્રે કહ્યું.

‘સુરેશે જ્યોતીન્દ્રને મારવા પિસ્તોલ ધરી હતી. તે હું અને મારા સિપાઈઓ જાણીએ છીએ. મેં પિસ્તોલ ઝુંટવી લીધી.'

‘આ સિવાય તમારી માન્યતાનું બીજું કારણ કાંઈ છે ?'

‘હા, જી. કર્મયોગીના મકાનમાં ઝાડ ઉપર ચડી જાળીમાંથી ઘણું કરી જ્યોતીન્દ્રની સામે પિસ્તોલ તાકતાં અમે જોયો છે. એટલું જ નહિ પણ તેનું ન ફાવતાં પોલીસનાં સંગીન ઝૂંટવી લઈ તેણે અંદર ફેંક્યાં એટલે ખૂન કરવાનો વેગ તેનામાં છે એમ હું માનું છું.’