બીરબલ અને બાદશાહ/બે સ્ત્રીઓનો ઝઘડો

← પરીક્ષકોની બલીહારી ? બીરબલ અને બાદશાહ
બે સ્ત્રીઓનો ઝઘડો
પી. પી. કુન્તનપુરી
સવાલ-જવાબ →


વારતા તેત્રીસમી
-૦:૦-
બે સ્ત્રીઓનો ઝઘડો
-૦:૦-

એક દીવસે રાજા દરબાર ભરી બેઠો છે. એટલામાં જસોદા નામની એક નારી આવીને વીનયથી પોતાની ફરીયાદ રજુ કરી જણાવ્યુ કે, અહો, અદલ ન્યાયવંત બીરબલ ! હાલમાં આપના નગરમાં આઠ દીવસ થયા હું અને મારો પતી ખેમચંદ અમારા શહેરથી રહેવા આવ્યા છીયે. અમારી સાથે અમારી જાતવાળી રાધા નામે એક બીજી સ્ત્રી પણ આવેલી છે. તે આજ ચાર દહાડા થયા મારી સાથે કજીઓ કરે છે કે ખેમચંદ મારો પ્રાણપતી છે. માટે તું મારા ઘરમાંથી બહાર જા. આ ફરીયાદ સાંભળી બીરબલે રાધાને બોલાવી પુછ્યું કે, 'જસોદા જે કહે છે તે શું ખરી વાત છે ?' રાધાએ કહ્યું કે, 'જસોદાએ જે કાંઇ કહ્યું છે તે બધુ ખોટું છે. અને મારી ઉપર તરકટ કરે છે, ખેમચંદ મારો ધણી છે પણ જસોદાનો નથી. આ બંનેની તકરાર સાંભળી લ‌ઇ બીરબલે પટાવાળાને આજ્ઞા કરી કે, ખેમચંદને બોલાવી લાવ એટલે તેને બધું પુછી જોઇએ. બીરબલનો આવો હુકમ સાંભળી આ બંને જણીઓ બીરબલને કહેવા લાગી કે, ' સાહેબ ખેમચંદને પુછશો નહીં. કારણ કે તેનો જેની ઉપર વધારે પ્રેમ હશે તેનું તે નામ લેશે. તેથી અમો બેમાંથી એક નીરપરાધી અબળા મારી જાશું.

આ વાત બીરબલને ઠીક લાગી. તેથી ખેમચંદને ન બોલાવતા રાધાને પુછ્યું કે, ' ખેમચંદના શરીરમાં શી શી નીશાનીઓ છે તે તમે જાણતા હોતો કહો.' રાધાએ કહ્યું કે, 'તે માટે હું કશુએ જાણતી નથી.' પછી બીરબલે જસોદાને પુછ્યું કે, ' તમે જાણતા હોયતો કહો.' જસોદાએ કહ્યું કે, ' તેના શરીરમાં અમુક અમુક બે નીશાનીઓ છે. એના મંદવાડ વખતે એની ચાકરી પણ મેં કીધી હતી, એની દવાના પૈસા પણ મેં ડાક્ટરને આપ્યા છે, અને તેના દુઃખ ઉપર ડાક્ટરની સલાહથી ગંધક ખવરાવ્યો તેના દામ પણ મેં મહેનત મજુરી કરી દીધા છે.' બીરબલે જસોદાને પુછ્યું કે, 'ગંધક ખવરાવે કેટલું થયું ?' જસોદાએ કહ્યું કે, 'અહીંયા આવ્યા પછીજ ગંધક ખવરાવવો બંધ કીધો છે.' પછી બીરબલે કોઈ ન જાણે તેવી રીતે ખીમચંદને બોલાવી તેના શરીર પરની નીશાનીઓ તપાસી જોઇ તો જસોદાના કહેવા મુજબ મળી. તોપણ બીરબલે વિચાર કીધો કે એટલાજ ઉપરથી કોઇનો ધણી ઠરાવી દીધો એતો ઠીક કહેવાય નહીં. કારણ કે કોઇ બાયડી ચંચલ હોય તો તે નીશાની યાદ રાખી શકે. માટે એટલા ઉપરથી ઇન્સાફ કરવો વાજબી કહેવાય નહીં. તેથી તેનો વધારે તપાસ કરવો જોઇએ.' આવો વિચાર કરીને બીરબલે ખીમચંદને હુકમ કીધો કે, 'દરબારથી એક હજાર હાથ છેટે જ‌ઇને તમારામાં જેટલી શક્તી હોય તેવી દોટ મુકતા દરબારની પાસે આવીને ઉભા રહેજો.' એમ કહીને ખીમચંદને દોટ કાઢવા મોકલ્યો. અને પટાવાળાને શીખવી રાખ્યું કે, 'ખીમચંદ જ્યારે દોડતો આવે ત્યારે હું તમને કહું કે ખીમચંદનું માથુ તરવારથી કાપી નાખો એટલે તમે તમારી તરવાર ઉઘાડી તેના માથા પર ધરી રાખજો.

આ બંને સ્ત્રીઓનો ઇન્સાફ બીરબલ કેવી રીતે કરે છે તેની રાહ જોતી તમામ દરબાર બેઠી હતી. જેવો ખીમચંદ દોડતો આવતો હતો, તેવી જોવાને ઉભી થ‌ઇ, જેવો ખીમચંદ દરબાર નજદીક આવ્યો એટલે બીરબલે સીપાઇને કહ્યું કે, ખીમચંદનું માથું કાપી નાખો. એટલે આ બંને સ્ત્રીઓનો કજીઓ મટી જશે.' તે સાંભળતાંજ સીપાઇએ તરવાર ઉઘાડીને જેવો ખીમચંદને મારવા જતો હતો, એટલામાં જસોદાએ ઝડપથી જ‌ઇને સીપાઇનો હાથ પકડી, બીરબલને કહેવા લાગી કે, 'મને આપનો ઇન્સાફ જોઇતો નથી. આપ ખુશીની સાથે ખીમચંદને રાધાને સોંપી દો. પણ તેને મારશો નહીં.' પછી બીરબલે ખીમચંદને દોડતાં જે પરસેવો વળ્યો હતો તે પરસેવો પ્યાલીમાં સીપાઇ પાસે ઉતરાવી લીધો, ને સુંઘી જોયો તો તેમાંથી ગંધકની વાસ આવવા લાગી. આ દાખલાઓ ઉપરથી બીરબલની ખાત્રી થ‌ઇ કે જસોદા ખરી છે અને રાધા જુઠી છે તેથી જસોદાનેજ ખીમચંદની ખરી બાયડી ઠરાવી અને રાધાને ધમકી આપી કાઢી મુકી. બીરબલનો આ ઇન્સાફ જોઇ તમામ દરબાર આશ્ચર્ય પામી ગઈ.


-૦-