મારો નવલ સનેહી ઝૂલે નાથ

મારો નવલ સનેહી ઝૂલે નાથ
પ્રેમાનંદ સ્વામી
હિંડોળા (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)



મારો નવલ સનેહી ઝૂલે નાથ

મારો નવલ સનેહી ઝૂલે નાથ રે, નૌતમ હિંડોળે;
મારું મનડું લોભાણું એની સાથ રે, ફૂલતણે તોરે... ટેક

ફૂલ તણી શિર પાઘ મનોહર, વાઘો તે ફૂલાં કેરો રે;
અંગ અંગ પ્રતિ ફૂલ આભૂષણ, જોઈને મટે ભવ ફેરો રે... મારો ૧

ફૂલી કુંજ કુંજ દ્રુમ વેલી, ચંપા જાઈ ચમેલી રે;
મધુકર ગુંજે મદન ભર્યા, બહુ થઈ છે આનંદ હેલી રે... મારો ૨

વરસે દેવ કુસુમની વરખા, નૃત્ય કરે બહુ ગાયે રે;
પ્રેમાનંદના નાથને નીરખી, આનંદ ઉર ન સમાયે રે... મારો ૩