રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૧ લો

←  અંક છઠ્ઠો: પ્રવેશ ૫ રાઈનો પર્વત
અંક સાતમો:પ્રવેશ ૧ લો
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો: પ્રવેશ ૨ →


અંક સાતમો
પ્રવેશ ૧ લો
સ્થળઃ વીણાવતીના મહેલથી કનકપુર જવાનો માર્ગ.
[જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે]
દુર્ગેશઃ એમાં કોઇ સંદેહને અવકાશ જ નથી. રાજપુરુષો અને પ્રજાના અગ્રેસરોએ સર્વત્ર એ જ ઇચ્છા પ્રદર્શિત કરી છે કે જગદીપદેવ રાજગાદીએ બેસે.
જગદીપઃ કોઇનો ભિન્ન મત સાંભળ્યો જ નથી?
દુર્ગેશઃ માત્ર એક જ માણસને ભિન્ન મત જાણવામાં આવ્યો છે, અને તે માણસ તે બીજું કોઇ નહિ પણ શીતલસિંહ છે.
જગદીપઃ શીતલસિંહ ! કેવું આશ્ચર્ય ! શીતલસિંહ તો મારો ખરો વૃતાન્ત સવારીની આગલી રાત્રે મારે મોઢેથી સાંભળ્યા પછી મને કહેલું કે 'આપ રાજા થવા યોગ્ય છો' અને મને વિનંતિ કરેલી કે 'મને આપના અચલ નિષ્ઠાવાન પરમભક્ત તરીકે સ્વીકારશો!"
દુર્ગેશઃ એ વખતે એનું ચિત્ત ભયથી ઘેરાયેલું હતું, અને બીજી કોઇ રીતે એન લાભ થવાનો માર્ગ હતો નહિ. પણ, ગાદી પરનો દાવો તમે મોકૂફ રાખ્યો, તેથી તેને એક નવો મહત્ત્વલોભ થયો છે. પોતાના પુત્રને રાણી લીલાવતી પાસે દત્તક લેવડાવી તેને ગાદી અપાવવાની ખટપટ કરે છે.
જગદીપઃ અને, રાણી લીલાવતીની શી ઇચ્છા છે?
દુર્ગેશઃ તે હજી જણાયું નથી, પરંતુ મહત્ત્વલોભથી શીતલસિંહનું દુર્બલ ચારિત્ર બહુ ઉપહાસપાત્ર થયું છે. પોતાને તે ભારે ગૌરવવાળો કલ્પવા લાગ્યો છે.
જગદીપઃ દુર્બલ કે પ્રબલ - કયા ચારિત્રને મહત્ત્વલોભ ઉપહાસપાત્ર નથી બનવતો?

મહત્ત્વલોભે નરમૂર્ખ થાય,
મિથ્યા તરંગો કરિને ફુલાય;
મર્યાદ ભૂલી નિજ યોગ્યતાની,
મારે ફલંગો કંઇ લંગડાતી. ૮૯

નીચા જનોની કરિ મિત્રતા તે,
સાહાય્ય શોધે ઉંચિ સિધ્ધિ માટે;
દમામ પોલો કરિ રાજી થાય,
પોતે જ પોતાથકિ તે ઠગાય. ૯૦

દુર્ગેશઃ શીતલસિંહનાં એ વલખાં ચિંતાનું કારણ નથી. પણ એક ખરેખરું ચિંતા કારણ ઉત્પન્ન થયેલું છે. તમારાં માતા ભયંકર મંદવાડમાં છે.
જગદીપઃ મારી માતા ! મારી વહાલી માતા ! એને શું થયું છે? મને ઝટ કહો. એ વાત આટલી મોડી કેમ કરો છો?
દુર્ગેશઃ તમારા હૃદયને એકદમ સખત આઘાત ન થાય, માટે પ્રથમ થોડી વિષમતાની હકીકત કહ્યા પછી આ ભારે વિષમતાની હકીકત કહેવાનું મેં રાખ્યું હતું. તમે દરબાર ભર્યો તે દિવસનાં એ માંદાં થયાં છે.
જગદીપઃ હું સવારીમાં નીકળ્યો તે વખતે તો એને કાંઇ માંદગી નહોતી, અને એ ઘણી ઉમંગમાં હતી!
દુર્ગેશઃ તમે રાણી લીલાવતીને ખરી હકીકત કહી એમના આવાસમાંથી નીકળી દરબારમાં આવ્યા તે જ વખતે તમારાં માતા માલણને વેશે રાણી લીલાવતી પાસે ગયાં. બનેલી હકીકત એમને માલૂમ નહિ. તે પ્રગટ કરી રાણી લીલાવતીએ તેમનો તિરસ્કાર કર્યો. તેથી બે વચ્ચે કલહ થયો, અને અંતે તમારાં માતા બેભાન થઇ ગયાં.
જગદીપઃ હું એક સ્થળે આઘાત બચાવવા ગયો, ત્યારે બીજે સ્થળે આઘાત થઇ બેઠો! મનુષ્યની શક્તિ કેટલી પરિમિત છે! ત્યાં તો મારી માતાની સંભાળ લેનાર પણ કોઇ નહિ હોય?
દુર્ગેશઃ સાવિત્રીદેવી અને કમલા ત્યાં હતાં.
જગદીપઃ મેં જ તેમને રાણીની પાસે મોકલ્યાં હતાં, પણ રાણીને આશ્વાસનની જરૂર પડશે એમ ઘારીને.
દુર્ગેશઃ રાણીને પણ આશ્વાસનની જરૂર હતી, અને એરીતે સુભાગ્યે એ બે ત્યાં હોવાથી આપનાં માતાની પણ સારવાર થઇ. સાવિત્રીદેવીની આજ્ઞાથી કમલા અને મંજરીએ એમને સાવધ કરી ઘેર મોકલ્યાં.
જગદીપઃ ત્યારથી એમનો મંદવાડ ચાલુ જ છે?
દુર્ગેશઃ પછી દરબારમાં તમે જે કહ્યું અને કર્યું તે એમના જાણવામાં આવ્યું એટલે એમનું હૃદય છેક ભાંગી ગયું, અને મંદવાડ બહુ વધી ગયો.
જગદીપઃ એ ક્યાં રુદ્રનાથમાં છે?
દુર્ગેશઃ ના, કિસલવાડીમાં છે.
જગદીપઃ એની પાસે કોઇ નહિ હોય!
દુર્ગેશઃ દરબાર પછી હું તમારી ખોળમાં નીકળ્યો, તે પછી કમલા એમની પાસે ગઇ અને આપણા વચ્ચેની મૈત્રિની હકીકત કહી ચાકરી કરવાની અનુજ્ઞા માગી. ત્યારથી કમલા એમની માવજત કરે છે.
જગદીપઃ કમલાદેવીનો હું કેવો આભારી થયો છું! પરંતુ, તમે જઇને મને તરત ખબર કેમ ન મોકલાવી?
દુર્ગેશઃ તમારાં માતાએ જ ના કહી. ગાદીનો નિર્ણય થતા સુધી દૂર થવા તમે પંદર દિવસની અવધિ ઠરાવી છે તે તમે પાળી શકો માટે તે પહેલાં તમારે ન આવવું એવી ઇચ્છા તેમણે દર્શાવી.
જગદીપઃ મને ગાદી અપાવવા માટે જ એણે બિચારીએ આ બધું કર્યું છે અને ખમ્યું છે. માતા વિના એવું કોણ કરે? માતૃત્વની ઘટના પ્રાણીઓને કેવી વરદાન રૂપ પ્રાપ્ત થઇ છે ! એ ઘટનામાં પ્રાણીઓના હૃદયનો ઉલ્લાસ કેવો અદ્‍ભૂત રીતે સમાયો છે?
(અનુષ્ટુપ)

માતૃત્વ પ્રભુએ સર્જી ઉપજાવ્યો મિઠો ઝરો;
કૃતજ્ઞતા, દયા, સ્નેહ સિંચાત નહિ તે વિના. ૯૧

દુર્ગેશઃ પશુઓ અને પક્ષીઓ જન્મ પછી થોડો કાલ જ માતૃત્વની કદર પિછાને છે. એમાં જ ખરે મનુષ્યજાતિ અને બીજાં પ્રાણીઓ વચ્ચેના ભેદનો આરંભ થાય છે. એ માતૃત્વની કદરથી જ મનુષ્ય કુટુમ્બ અને સમાજ ના ઉચ્ચ સાંસારિક બંધારણ તરફ વળે છે.
જગદીપઃ અત્યારે તો એ સાંસારિક બંધારણમાં મને દુઃખભરી અને વિસંવાદી દ્વિવિધતા જણાય છે.
(પ્રિયંવદા)

પ્રણયના મધુર રંગની પિંછી
હૃદયના પટ પરે ફરંતિ જ્યાં,
સળગતો પ્રબળ અગ્નિ કષ્ટનો
નિકટ એ પટ પુઠે અદૃષ્ટ ત્યાં. ૯૨

એ સુખ ખરું કે દુઃખ?

દુર્ગેશઃ અ બન્ને ખરાં છે, અને એ બન્નેથી જ સાંસારિક બંધારણની ઉચ્ચતા ઘડાય છે અને સંવાદી થાય છે.
જગદીપઃ સુખદુઃખને સંવાદ હોય કે ન હોય, પણ અત્યારે બિનશરતે દુઃખાગ્નિમાં પ્રવેશ કરવા હું તૈયાર છું. મારી વ્યાધિગ્રસ્ત માતા પાસે મને ત્વરાથી લઇ ચાલો.
[બન્ને જાય છે.]