← મહાત્મા ગાંધીને ચરણે રાષ્ટ્રિકા
વિધિની વાટે
અરદેશર ખબરદાર
એ ગાંધી સંતસુજાણ →
રાગ માઢ



વિધિની વાટે


રાગ માઢ

ધાજો ધાજો સૌ વીરને ઘાટ રે, વહાલાં, બાપુજી લે વિધિવાટ !

ભારતનાં યુગભાગ્ય ઉપાડીને ચાલ્યો એ સત્યનો સંત:
આત્મા જળાવે ઝગાવે જ્યાં એવો લીધો એ પુણ્યનો પંથ રે;
વહાલાં, બાપુજી લે વિધિવાટ ! ૧

પગલે પગલે પાપ બદાય ને ડગલે ડગલે દુઃખ :
યુગયુગના અપવાસ છે એના, ભાવભાવની છે ભૂખ રે :
વહાલાં, બાપુજી લે વિધિવાટ ! ૨

ભડકે બળે છે આભ, ને નીચે ધગધગતી છે આગ :
એને તો આભાનાં છે અજવાળાં ને ધરતી પુષ્પાપરાગ રે :
વહાલાં, બાપુજી લે વિધિવાટ ! ૩

પહાડના પહાણા પીગળે ને ઊતરે અમૃતની ધાર :
હૈયે ટકોરા મારતો ચાલ્યો આત્મસમર સરદાર !
વહાલાં, બાપુજી લે વિધિવાટ ! ૪

કરોડો હૃદયનો રાજવી તેને સ્નેહ વિના શા બંધ ?
મૌન એનું જગ સુણશે, એના આત્માને જોશે અંધ રે :
વહાલાં, બાપુજી લે વિધિવાટ ! ૫


આભાના તારા તગતગ જોશે, જોશે જગતના લોક:
એનાં જ કંકુપદે પદ માંડતા કોનું જીવ્યું છે ફોક રે ?
વહાલાં, બાપુજી લે વિધિવાટ ! ૬

સૂતેલાં સ્વપ્નથી જાગશે ને જાગેલાં ચોળશે આંખ :
સામે સૂરજ ઝંપલાવતો ઊડે ગરુડ ખંખેરી પાંખ રે :
વહાલાં, બાપુજી લે વિધિવાટ ! ૭

આપ્યા કોલ શું ભૂલશે કો ? વહાણું અનન્ય :
મૃત્યુ મુઠ્ઠીમાં મૂકીને ચાલે તે જ જીવે વીર ધન્ય રે !
વહાલાં, બાપુજી લે વિધિવાટ ! ૮

સ્નેહ ને સત્યનો સંત એ ચાલ્યો : એને શું જેલ કે મહેલ ?
ભારત જીવી જાણશે તો પૂરશે બાપુજીની ટહેલ રે !
વહાલાં, બાપુજી લે વિધિવાટ ! ૯