રાષ્ટ્રિકા/હિંદના દાદાનું સ્વદેશાગમન

← ટ્રાન્સવાલમાં ત્રાસ અને ગુર્જરવીરત્વ રાષ્ટ્રિકા
હિંદના દાદાનું સ્વદેશાગમન
અરદેશર ખબરદાર
સર ફિરોજશાહ મહેતાનો વિજય →
(તા. ૧૪ મી ડીસેમ્બર ૧૯૦૬)
મિશ્ર હરિગીત




હિંદના દાદાનું સ્વદેશાગમન

(૧૪મી ડિસેમ્બર ૧૯૦૬)

મિશ્ર હરિગીત



આ દિવ્ય ગાન ગવાય ક્યાં ?
આ પુષ્પવૃષ્ટિ થાય ક્યાં ?
ધમધમ થતાં
ધૂનમાં જતાં
જનપદ અહો રેલાય ક્યાં ?
આ સ્મિતગૂંથ્યા સોહંત સ્નેહસુહાગ ક્યાં ?
હેમંતમાંહ્ય વસંતના આ રાગ ક્યાં ?
શેં ઉરજગવતી આ પ્રભા ? રસરંગ આ શા કારણે ? —
રે આજ ભારતનો પનોતો પુત્ર આવે બારણે !



હો, સ્નેહથાળી લાવજો !
મહીં પુણ્યકંકુ દીપાવજો !
સુખમીઠડું
શોભિત વડું
અમૃતશ્રીફળ સોહાવજો !
મહીં અમર કીર્તિકુસુમ વળી પમરાવજો !
મોંઘા અલૌકિકા મોતીડાં ય જમાવજો !
રે ધન્ય ભારતમાત આજે જાય પુત્ર વધાવવા !
આવો મધુર ગાતાં બધાં , તમ વીર ધન્ય સજાવવા !


વીરા ! પધારો બારણે !
ઊભાં બધાં તમ કારણે :
હસતે મુખે
અમ સુખદુખે
ધાઓ સદા એએમ તારણે !
નથી કંઇ કીધું તમ અમૃતપદ સરખું કદી:
નથી કંઇ કીધું તમ દિવ્ય આંતરશું કદી:
પણ ‘વીર દાદા છે અમારા,’ એમાં કહી ઉર ફૂલિએ !
વીરા ! પધારો બારાણે ! તમ દર્શને દુખ ભૂલિયે !



પ્રિય દેશ કાજ ઝઝૂમીને,
પરદેશમાં નિત ઘૂમીને,
સેવા કરી
કીધી ખરી
આભારી ભારતભૂમિને !
નથી સુખ અવર જાણ્યું તમે વીરા અરે !
નિત દેશયજ્ઞે જીવનહોમ દીધો ખરે !
હા, એ મહાવ્રત તમ તપો નિશદિન અખંડ પ્રકાશમાં !
ઋષિરાજ ! એ તમ આત્મવ્રત ગૂંથો અમારા શ્વાસમાં !


નહીં ભય કદી ધાર્યો ઉરે;
વીરા ! વહ્યા ભક્તિપૂરે,
અરીદળ વિષે
રે દશદિશે
કીધો વિજય એકલશૂરે !
એ અભયવિભૂતિ લગાડજો અમને, વીરા !
એ ભક્તિગીતા શીખવાજો અમને, ધીરા !
તમ મહાભાવતણી પ્રભા અમ હૃદયમાં કંઇ મૂકજો,
અમ પ્રાણમાં ઋષિવીર ! એ તમ મહામંત્ર જ ફૂંકજો !



વીરા ! હસંતા આવજો !
સંદેશ મીઠા લાવજો !
શુચિ સાધુતા,
મધુબંધુતા,
અમ અંતરે પ્રગટાવજો ! –
ઘેરી ઘટામાં ઘટ ઘણા ગૂંચવાય છે :
અમ યજ્ઞવેદી ભયથકી ઘેરાય છે :
ઓ વીર ! વહારે આવીને તમ પાંખમાં લ્યો પ્રેમથી,
અમ હૃદયમાં તમ બંધુમાળા પ્રોઇ દ્યો વાર નેમથી !


વીરા ! પધારો બારણે !
ઊભાં બધાં તમ કારણે !
ફૂલા વેરતી
હર્ષે અતિ
આ જાય ભારત વારણે !
અધૂરાં નમન અમ આત્મનાં સ્વીકારજો !
તમ ભાવપૂર્ણ સુછત્ર અમ પર ધારજો ! –
હો નાથ ! અંગીકારજો અમ પ્રાર્થના દિનરાતની :
જુગજુગ જીવે દાદા અહો ! જાય જાય શ્રીભારતમાતની  !