← કોકમ વનવૃક્ષો
કૉઠી
ગિજુભાઈ બધેકા
સરુ →



કૉઠી

ઝુમ્મરને નાના નાના ગોળાઓ ટાંગે તેમ કયા ઝાડ ઉપર એનાં ગોળ ફળ લટકી રહેલાં હોય છે ?

ત્યારે કયા ઝાડનું ફળ કાચું હોય તો ખાટું ને પાકું હોય તો ખટમધુરું લાગે છે ?

કયા ઝાડના ફળના અંદરના ગરની મધુર મીઠી ચટણી થાય છે ?

ત્યારે કયું ફળ આખું ને આખું દેવતામાં નાખી શેકે તો ફડાક કરતું ફાટે ને અંદરનો ગર છોકરાં ખાઈ જાય ?

ત્યારે કયા ઝાડનાં પાકેલાં ફળનો મુરબ્બો થાય ? ને પાકાં ફળનું સાર ને ચટણી થાય ?

આનો જવાબ મને આપશો ? આ ફળવાળું ઝાડ દક્ષિણ ને ગુજરાતમાં થાય છે; એની ચટણી તમે ખાધી છે; એને તમે જોયું છે; શાકપીઠમાં એનાં ફળ મળે છે; બે અક્ષરનું એનું નામ છે. પહેલા બે અક્ષરનો કાનો માત્રા ટૂંકા કરી બોલીએ તો દાણા ભરવાની કોઠી થાય છે.

વરતી જાઓ જોઈએ ?