← સરુ વનવૃક્ષો
જાળ્ય
ગિજુભાઈ બધેકા
બોરડી →



જાળ્ય

ઘણા થોડા માણસો આ ઝાડને ઓળખે છે. જાળ્ય ખાસ કરીને કાઠિયાવાડના ભાલમાં અને ક્યાંઈક ક્યાંઈક ખેડા જિલ્લામાં થાય છે.

જાળ્યનું ઝાડ ઘણું પુરાતન છે, એવું પુરાણ વાંચવાવાળા કહે છે.

ભીમે માટીની લોટી ફોડી નાખી ને નીએથી શંકર નીકળ્યા, તે વાત મહાભારતના સમયની કહેવાય.

ભીમ ભોળો ગણાય છે. તે શંકરનો ભક્ત હતો. શંકરને પૂજ્યા વિના તેને અન્ન ખપતું નહિ. ભોળે ભાવે શંકરને નામે ગમે તે પથરાને પૂજતો. ભગવાન શંકર પણ તેની ખરા અંતઃકરણની ભક્તિ સમજતા હશે.

એક દિવસ અર્જુને તેની મશ્કરી કરી : "જો પેલી જાળ્ય નીચે શંકર છે." દિશાએ જઈ આવેલી માટીની લોટીને અર્જુને ઊંધી વાળેલી ને તેના ઉપર બીલીપત્ર ચડાવેલાં હતાં.

ભીમે ભક્તિથી લોટીની પૂજા કરી; શંકર માની પગે લાગ્યો.

અર્જુને વાત ઉઘાડી પાડી. ભીમને સૌ હસવા લાગ્યા.

ભીમે કહ્યું : "ના, મેં શંકર જ પૂજ્યા છે. મારા મનમાં શંકર જ દેખાયા છે. ચાલો, લોટી છે કે શંકર તે બતાવું."

અર્જુન અને બીજા ભાઈઓ સાથે ભીમ જાળ્યના ઝાડ નીચે આવ્યો. અર્જુને બીલીનાં પાંદડાં કાઢી નાખ્યાં, સહદેવે હસીને કહ્યું : "જુઓ ભીમ ! આ તો લોટી છે."

નકુળે કહ્યું : "એ તો મેં ઊંધી વાળી હતી. હું દિશાએ લઈ ગયો હતો."

ભીમે આંખ બંધ કરી. તેની આંખ આગળ લોટીને બદલે શંકર જ દેખાતા હતા. તેણે કહ્યું : "એ લોટી નથી, શંકર છે."

"ના, ના." કહી સૌ ભીમને ચીડવવા લાગ્યા.

ભીમે સામેથી ખિજાઈને ગેડીનો લોટી ઉપર ઘા કર્યો. ત્યાં તો નીચેથી દૂધની ધારાઓ છૂટી અને શંકરનું સુંદર બાણ દેખાયું. સૌ બાણને અને ભીમને નમી પડ્યા.

તે દિવસથી એ શંકરનું નામ ભીમનાથ પડ્યું. બરવાળાની પેલી પાર ભીમનાથ નામના મહાદેવ છે. જાળ્યની જગ્યા નીચે તેનો વાસ છે. દર વર્ષે ત્યાં મેળો ભરાય છે. ભીમની ભક્તિએ માટીની લોટીને અને જાળ્યના ઝાડને પ્રસિદ્ધ કર્યાં છે. અમર કર્યાં છે.

જાળ્ય કાંટા વિનાનું ઝાડ છે; તેનાં પાંદડાં લીલાંછમ રહે છે; તેનો છાંયો ઘટ્ટ હોય છે. પણ જાળ્યનું ઝાડ વડ જેવું વિશાળ નથી એટલે છાંયાનો ઘેરાવો ઓછો હોય છે.

તોપણ ઝાડ નીચે બેપાંચ ગાયો બેસે છે. જાળ્ય ઉપર બેઠેલો ગોવાળિયો દૂરનાં ઝાંઝવાનાં જળ જોતો જોતો બપોર વિતાવે છે. પીલુટાણે કહે છે કે કોયલની ચાંચ પાકે. પીલુટાણે એટલે વસંત-ગ્રીષ્મની સંધિ. આંબે મોર આવે ને મરવા બેસે ને જાળ્યે મોતી જેવાં પીલુ આવે. કોઈ જાળ્યે ધોળાં મોતી આવે ને કોઈ જાળ્યે ફૂલગુલાબી મોતી આવે.

જાળ્યનાં પીલુનો ઝૂમખો જાણે કે લાલધોળાં મોતીનું ઝુમ્મર હોય એવો લાગે.

આંબાના મોરનાં વાસ અને રૂપ બંને ગમે, પણ રૂપમાં તો જાળ્યનાં પીલુ ચડે.

ગામડાંના છોકરાંઓને પીલુટાણું એટલે ઉજાણી. પાદરે જાય અને છોકરાંઓ પીલુડીએ ચડી પીલુ ખાધા જ કરે. એક પીલુ ચૂંટે અને એક ખાય; ખાતાં ધરાય જ નહિ.

હોંશીલાં છોકરાંઓ નાનાં ભાઈભાંડું માટે પીલુનાં ડાખળાં ઘેર લાવે.

ગામડામાં બાપા સીમથી પાછા આવતા હોય કે બા નદીએ પાણી ભરી ઘેર આવતી હોય ત્યારે બેપાંચ પીલુનાં ડાળખાં હાથમાં લેતાં આવે.

કોળણો અને ભીલડીઓ જાળ્યનાં પીલુ વેચવા આવે. "લેવાં છે સાકરિયાં પીલુ !" જાળ્યનાં પીલુમાં ઠળિયા નથી હોતા. છોકરાં દાણાને બરોબર પીલુ લઈને બુકડાવી જાય છે. સાચે જ પીલુ મીઠાં સાકર જેવાં લાગે છે.

પીલુડી જાળ્યની જ જાત છે, પણ તેને ઠળિયાવાળાં પીલુ આવે છે. ચણીબોરથી સહેજ નાનાં કે તેના જેવડાં રંગબેરંગી તે હોય છે. પીલુ શહેરમાં વેચાવા આવે છે. દેખાવમાં બહુ સુંદર લાગે છે. જાણે જાતજાતનાં મોતી જોઈ લ્યો !

પાણીમાં પીલુ નાખીને જોઈએ ત્યારે જોવાની બહુ મજા આવે છે.

        "પીલુડાં પાક્યાં, મા ! પીલુડાં પાક્યાં."

નું લોકગીત લોકોએ આ પીલુ જોઈને જ બનાવ્યું હશે.

જાળ્યનાં પીલુ મીઠાં લાગે છે, પણ પીલુડીનાં પીલુ તીખાં ગળ્યાં લાગે છે. કોઈ કોઈ પીલુ તો એવાં તીખાં ગળ્યાં હોય કે નાકમાંથી ધુમાડા નીકળે અને આંખમાંથી પાણી આવે !

પીલુ એવાં છે તો ય આપણાથી ખાધા વિના ન રહેવાય. કાઠિયાવાડમાં પીલુનો મહિમા; ગુજરાતમાં કોઈ પીલુ જાણતું નથી.

પીલુટાણે કોયલની ચાંચ પાકે એમ કહેવાય છે. બરાબર આ જ વખતે કોયલના ટહુકા આંબાવાડિયામાં અને જાળ્યોમાં સંભળાય છે, પણ કોયલ કરતાં વહી જાળ્ય ઉપર બહુ દેખાય છે; ક્યાંઈ ક્યાંઈથી વહીઓ પીલુડાં ખાવા જાળ્યે આવે છે.

વહી કાબરના જેવું એક પક્ષી છે.

જાળ્યનું લાકડું બટકણું ને ઝટ બળી જાય એવું છે. સુતારીકામમાં તે ઉપયોગી નથી. જાળ્યના થડમાં પોલાણ થઈ શકે છે. તેમાં ઘણી વાર સાપ રહે છે છોકરાઓ જાળ્યની ગેડી ગેડીદડા માટે વાપરે છે; બાવળની ગેડી જેવી તે ટકાઉ હોતી નથી.

જાળ્યનાં પાંદડાં વાના દરદમાં કામ આવે છે. તેનો સ્વાદ તીખો તમતમો છે; આકાર સુંદર છે.

ઇતિશ્રી જાળ્યપુરાણમ્.