← માલા ગુંથણ વેણીનાં ફૂલ
બસંતની વનદેવી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
કાંઠે રમનારા →




વસંતની વનદેવી


[ઢાળ-કાન તારે તળાવ રૂમઝુમતી રમવા નીસરી;

રમવા નીસરી, ચુંદડી વીસરી રે]


આજ ફાગણને ફાગ, રૂમઝુમતી રમવા નીસરી;
રમવા નીસરી, દુઃખડાં વિસરી રે –આજ૦

આજ ફુલડાંને ફાલ, ફુલવંતી રમવા નીસરી;
રમવા નીસરી, મન મીઠાં કરી રે–આજ૦

આજ ખેતર મોઝાર, અનદેવી રમવા નીસરી;
રમવા નીસરી, કણ ખોબા ભરી રે–આજ૦

આજ ગલને ગુલાલ છાટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે–આજ૦

આજ કેસુડાં ડાળ, રંગરેલી રમવા નીસરી;
રમવા નીસરી, પટકુળ કેસરી રે–આજ૦

આજ આંબાને મ્હોર, મધુવંતી રમવા નીસરી;
રમવા નીસરી, કરમાં મંજરી રે–આજ૦

આજ દખણાદે દ્વાર, મદઘેલી રમવા નીસરી;
રમવા નીસરી, પવનની પાંખડી રે–આજ૦

આજ દરિયાને તીર, અલબેલી રમવા નીસરી;
રમવા નીસરી, જળની મોજડી રે–આજ૦

આજ કિલકિલ ટૌકાર, કોયલડી રમવા નીસરી;
રમવા નીસરી, મદભર આંખડી રે–આજ૦

આજ પૂનમને આભ, અનહદમાં રમવા નીસરી;
રમવા નીસરી, ઉર ચાંદો ધરી રે–આજ૦

આજ સૂરજનો તાપ, સળગન્તી રમવા નીસરી;
રમવા નીસરી, ઝગમગ ઓઢણી રે–આજ૦

આજ કરતી અંઘોળ, નદીઓમાં રમવા નીસરી;
રમવા નીસરી, ભીંજવે ચૂંદડી રે–આજ૦

આજ આવળને ફુલ પથ ભૂલી રમવા નીસરી;
રમવા નીસરી, પીળુડી પાંભરી રે–આજ૦

આજ કાંટાની વાડ્ય, વીંધાતી રમવા નીસરી;
રમવા નીસરી, નવલી વેલડી રે–આજ૦

આજ પંખીને માળ, હીંચન્તી રમવા નીસરી;
રમવા નીસરી, સુણતી બંસરી રે–આજ૦

આજ કૂંપળને પાન, પગ દેતી રમવા નીસરી;
રમવા નીસરી, કુમકુમ પાથરી રે–આજ૦

આજ મેંદીને છોડ, મલકંતી રમવા નીસરી;
રમવા નીસરી, નખલા રંગતી રે–આજ૦

આજ સોળે શણગાર, શોભંતી રમવા નીસરી;
રમવા નીસરી, સુખભર સુંદરી રે–આજ૦

આજ વનદેવી નાર, નવખંડે રમવા નીસરી;
રમવા નીસરી, વિભુની ઇશ્વરી રે–આજ૦


🙖