← ૧૯. લીનાને ઘેર વેવિશાળ
૨૦. ઉલ્કાપાત
ઝવેરચંદ મેઘાણી
૨૧. આ સવારી ક્યાંથી? →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


20

ઉલ્કાપાત

સાંજે વાળુ કરીને સુખલાલ નીચે ઊતરવા લાગ્યો ત્યારે ખુશાલે એને પૂછ્યું: "અત્યારે ક્યાં?"

"જરા આંટો મારી આવું."

"ખુશીથી, કદાચ તું મોડો આવ તો મને ઉઠાડવો ન પડે એટલે બેમાંથી એક બારણે બહારથી તાળું મારતો જા - આ. લે."

સુખલાલ ઊતર્યો, તેની પાછળ પાછળ ખુશાલ પણ થોડું અંતર રાખીને ઊતર્યો; સુખલાલ ચાલતો હતો તેનાથી જુદા જ ફૂટપાથ પર ધ્યાન ન ખેંચાય તેવી આવડત રાખીને ચાલ્યો.

એને બીક હતી બે-ત્રણ વાતોની: આ છોકરો એના બાપની થાપણ છે : મારી ને એની આબરૂ અત્યારે એક છે : અમે કાઠિયાવાડના થોડાક ગરીબ જુવાનો આંહીં રોટલો રળી ખાઈએ છીએ તે ફક્ત અમારી આ આબરૂને જ જોરે. જો આ છોકરાનો પગ ક્યાંઈક જુગાર કે લબાડીમાં પડી ગયો તો સત્યાનાશ નીકળે : પણ એને શિખામણ દઈને ચેતાવયાથી તો ઊલટાના એ અવળા મારગ ચીંધાડી દેવા જેવું થાય: એને માથે નજર જ રાખવી સારી.

કોને ખબર - બાપડો મનથી મૂંઝાતો હોય, અમથો જ આંટો મારવા જતો હોય; પણ આજ એના ચિત્તમાં થોડો ઉકળાટ હતો ખરો ! ઝટ પરખાવા દીયે એવો નથી, જરા ઊંડો છે, મીંઢો છે, એટલે બધુ બીકાળું ! જુગાર તો જાણે નહીં રમતો હોય, રળે છે એટલું બધું મારી પાસે જમા કરાવે છે. નાળિયેરનું પાણી પીવાના બે આના પણ પાસે રાખતો નથી. અત્યારે પણ ટ્રામમાં બેઠો નથી, ને આ રસ્તો પણ અવળા ધંધાનાં ધામોમાં જતો નથી. તેમ નથી આ બહાર હવામાં પણ જતો : ત્યારે આ જાય છે ક્યાં ? આ વળ્યો કઈ બાજુ ? આ તો સૅન્ડહર્સ્ટ રોડ : સાસરે તો નહીં જાતો હોય ને લાડો?

ચણભણ ચણભણ વાત ખુશાલને કાને આવી હતી. વેવિશાળ તૂટ્યું સંભળાયું હતું; પણ પાકે પાયે ખબર હજુ કોઈને નહોતી પડી. આ બેવકૂફ ક્યાંક કાંઈ ફરગતી લખી દેવા તો નહીં જાતો હોય ને?

સુશીલાના ઘરમાં આ જ વખતે ઉલ્કાપાત મચ્યો હતો. મોટા શેઠના સૂવાના ખંડમાં જ્વાલામુખી ફાટ ફાટા થતો હતો. પલંગ પર બેઠા બેઠા સુશીલાના મોટા બાપુજી, સામે થોડે દૂર અપરાધી ભાવે ઊભેલી પત્નીને ઠંડા શબ્દ-ચાબખા લગાવી રહ્યા હતા. વિજયચંદ્રની કોઈ 'ધર્મની બહેન'ના ઘેર જવાનું સુશીલાએ કેમ બંધ કર્યું તેની વાત હતી.

"બોલો શો ઘોબો પડી ગયો તે છોકરી ત્યાં જતી બંધ થઈ ?"

"એના પેટની તો બીજી શી ખબર પડે ? પણ મોઘમ જવાબ આપે છે કે ત્યાં જવું ગમતું નથી."

"ત્યાં એને કોઇ મારે છે, કૂટે છે, ગાળભેળ દે છે, શું કરે છે કે નથી ગમતું?"

"મને તો શી ખબર ? પણ પહેલી જ વાર ગયેલી ત્યારે કાંઈક બોલાચાલી થઈ લાગે છે. મારે-કૂટે તો શું બચાડા જીવ !"

"બોલાચાલી પણ કરી આવી ? બસ, બે-ચાર દિવસનીય ધીરજ ન રહી? ભાગ્યમાં ભમરો હોય ત્યાં બીજું શું થાય ? એ છોકરીના ભાગ્યમાં વિજયચંદ્ર જેવો જુવાન ક્યાંથી સમાય ? મારી આટાઆટલી મહેનત પાણીમાં જવા બેઠી છે ! મેં કેટકેટલી કન્યાઓનાં માગાં ભૂંસાડ્યાં, ન કરવાનાં કામો કર્યા, ન રમવાની ખટપટો રમ્યો, કે કોઈ વાતે આપણો રંગ રહી જાય ! પણ છોકરીના કપાળમાં - "

"કાંઈ ન બોલાય. છોકરીના કપાળમાં તો કંકુનો ચાંદલો જ વાંછીએ. સૂઝે એમ તોય આપણું પેટ છે."

"આપણું પે...ટ ! હા!" પતિના મોંમાંથી નિઃશ્વાસ પડી ગયો: "આપણે પેટ તો પા'ણોય નથી એટાલે જ મનની તાણાવાણ પીડે છે ના!"

સુશીલાનાં ભાભુએ આ શબ્દ-સોટો પોતાના કાળજા પર અતિ આકરો અનુભવ્યો. પોતાના જીવનનીએ શૂન્યતા, નિષ્ફળતા, નપાવટ દશા નાલાયકી, જીવન જીવવાનો જ અનાધિકાર, એ ક્ષણે એના અંતરમાં સામટાં ભોંકાયા. એવડી બધી વેદનાને એણે - વધુ નહીં - માત્ર એક વાર પાછળ નજર નાખીને જ ભોગવી લીધી.

છૂપી છૂપી પ્રભુ-પ્રાર્થના એક હૈયાના ગુપ્ત નિશ્વાસની વરાળ વાટે આકાશે ચડી: "હે નાથ, ધણીની પોતાની હઠીલાઈ ન હોત તો હું એમને ફરી પરણાવ્યા વિના રહેત કદી? મારા પેટમાં પાપ હતું જરાકે, હેં પ્રભુ?"

"પણ એવડી બધી શી બોલચાલી કરી આવી - મને ખબર પડે કે નહીં?" શેઠે કંટાળી પૂછ્યું - "આજ સુધી તો મોંમાં જીભ નહોતી છોકરીને; બીજે ક્યાંય નહીં ને ત્યાં જ જઈને કાં ભખભખી આવી છે?"

સુશીલાનાં ભાભુ નિરુત્તર રહ્યાં.

"મોંમાંથી તમે તો કાંક ફાટો!"

"શું કહું...?" ભાભુના મોં પર જે હાસ્ય પથરાયું તેમાં વેદનાની રંગોળી હતી.

"મીંઢી ! મીંઢી ! કાંઈ બાયડી મળી છે, બાપ ! મનમાં જ ઝેર ભરી કાં રાખો?"

"પણ શું બોલું? મને જ બરોબર સમજ્યામાં નથી આવતું ને ! પૂછ્યું હશે : છોકરાં થાય ઈ ગમે ? અટકાવ શીદ પાળો છો ? પુરુષ માથે વહેમ તો નહીં આવ્યા કરે ને ? પરણ્યા પછી તમારે તમારાં ભાભુએ પડાવેલા જૂના સંસ્કાર છોડી દેવા પડશે; પછી તો તમારે મારા કહ્યામાં રે'વું પડશે; વિજયચંદ્ર તો મારા માજણ્યા ભાઈ જેવા છે; તમને છોડવાં પડે તો છોડે, પણ અમારો સંબંધ નહીં છોડે; ને તમે વારે વારે હરકિસનદાસ ઇસ્પિતાલમાં નર્સ પાસે કેમ આંટા મારો છો ? ને તમારા શરીરમાં કાંઈ રોગ બોગ તો નથી ને? ને તમારું શરીર એક વાર લેડી દાક્તરને દેખાડવું જોશે - ને..."

"ને શું?"

"ને એમ કે, પછી તો ત્યાં વિજયચંદ્ર આવ્યા હશે, એમની હાજરીમાં જ એ બાઈએ પૂછ્યું હશે કે, તમારા બાપા તમને પહેરામણી કેટલી કરશે? વિજેચંદ્રને વિલાયત ભણવા જવાનો ખરચ આપશે કે નહીં ? અમને તો ધણીય કન્યાઓ મળે તેમ છે ! આ તો તમારા બાપુજી કરગરી કરગરીને અમને રોકી રહેલ છે. એ છેલ્લી વાત સુશીલાને જરા વધુ પડતી વસમી લાગી હશે, એટલે કાંઈક બોલી પડી હશે !"

"શું બોલી પડી?"

"બોલી હશે કે, મારા બાપુજી કરગર્યા હોય તો એમને ખબર, હું કોઈને કરગરવા નથી આવી. મને આંહીં એટલા માટે મોકલી છે તે પણ મને ખબર નહોતી. હું તો તમારી પાસે ભણવા-કરવાનું છે સમજીને આવી હતી. એટલે બાઈએ કહ્યું હશે કે તમારે અભિમાની ન રહેવું જોવે. ભણેલા ભાયડા રેઢા નથી પડ્યા."

"પછી?"

"પછી શું ? સુશીલા ચા પીધા વગર ઊઠીને ચાલવા માંડી હશે, એટલે વિજેચંદ્રે 'મારા સોગંદ ! મારા સોગંદ' કરતા આડા ફર્યા હશે. તે સુશીલાનો ધક્કો લાગતાં એના હાથમાંથી ચાનો પ્યાલો પડી ગયો હશે. એનાં કપડાં બગડ્યાં હશે એટલે એનાથી કહી બેસાયું હશે કે, આ ધોઈ દેવા તમારે જ આવવું પડશે. સુશીલાએ જરા આકરું સંભળાવ્યું હશે."

"શું આકરું?"

"કે ધોઇ દેશે તમારી આ બે'ન કે જે હોય એ."

"ઠીક ત્યારે તો ભમરો ભૂંસીને આવી ! અને કોની પાસે, કઈ નર્સ પાસે જતાં શીખી છે છોકરી?"

"ઈ તો અમથી હું હારે હતી ને એક વાર ગયાં'તાં અમે."

"ક્યાં?"

"હરકિશનદાસ ઇસ્પિતાલમાં - સુખલાલ હતા ને ત્યાં."

"એનું નામ શીદને લેવું પડે છે?"

"ઈ બચાડા જીવ..."

"હવે બેસ બેસ, બચાડા જીવવાળી ! મોટી દયા ખાનારી જોઇ નો'તી તે ! ખબરદાર, કહી રાખું છું કે એ છોકરાનો ટાંટિયો મારા ઘરની દિશામાં નહીં, ને એનું નામ મારા ધરના કોઈની જીભે નહીં - નીકર જીભ ખેંચી કાઢીશ."

"પણ એણે આપણું શું બગાડ્યું છે ?એ એને ઘેરે, આપણે આપણે ઘેરે."

"બેસ બેસ, ઘેલસાગરી ! છોકરીને ફસાવવા હજુય એણે ઇસ્પિતાલની નરસુંને સાધી છે ઈ હું નથી સમજતો ? હું શું ગધેડો છું ? ત્રણ ટકાનો શૉફર પણ તારા જેવો આંધળો નથી."

"પણ સુશીલાને જે વાત ગમતી નથી એ આપણે કાં કરવી ? ને જે એને ગમતું હોય તેમાં આપણે વાંધો શો ?" પત્નીએ પહેલી જ વાર સ્પષ્ટ ભાષા વાપરી.

"ચૂપ રહે છે કે નહીં?" બોલતે બોલતે મોટા શેઠ પોતાના પગમાં લટકતું એક ચંપલ પકડવા હાથ લંબાવ્યો.

"નકામો ઉત્પાત..."

માંડ માંડ હસતા એ મોંનું બોલવું : અને શેઠના હાથમાંથી ચંપલનું ફેંકાવું  : બંને ક્રિયાઓ એક પણ મિનિટના ગાળા વગરની બની.

ચંપલ શેઠ-પત્નીની છાતીએ અફળાઈને બીજી બાજુ વરંડામાં જે બારણું પડતું હતું તેની બહાર જતું પછડાયું.

ત્યાં બહાર ઘંટડી વાગી. બહાર કોઈ આવેલું હતું. બારણું ખોલવા સુશીલા જ ગઈ. ખોલતાં જ એણે સુખલાલને જોયો. સુખલાલ ખસીને એક બાજુ ઊભો; સુશીલા ખસે એટલે પોતે અંદર જાય. સુશીલા ખસી નહીં, ઊલટાની બહાર ગઈ. બહારથી બારણું ખેંચીને બંધ કર્યું.

"શું કામ આવ્યા ? અત્યારે ચાલ્યા જાવ!"

એના મોં પર વિદાય દેવાની રેખા નહોતી, તુચ્છકાર નહોતો. ત્યારે 'ચાલ્યા જાવ' કેમ કહે છે? સુખલાલ ગૂંગળાયો.

આજે બીજી જ વાર, ઉજાણી પછી છેક આટલા દિવસે, રાત્રીના સુંદર સમયે, પોતાના ઉંબરમાં ઊભેલાને, પોતે જેને શોધવા અહીં તહીં ભટકતી ભટકતી પૂછપૂછ કરતી હતી તેને, આ સૌમ્ય તરુણમૂર્તિને, આ અતિથિને, આ યાત્રિકને પોતે કહેતી હતી હતી કે 'ચાલ્યા જાવ'!

ઝળાંઝળાં થતી 'લિફ્ટ' ઉપર નીચે સરતી હતી. ઊતરનારા ને ચડનારાઓ આ બે જણાંને ખૂણામાં ઊભેલાં જોતા હતા. તાજુબી ભરી એ શિકલો પસાર થઈ જતી હતી. લિફ્ટ ચલાવનારો વારંવાર આ મજલે વિમાનને થોભાવતો હતો - જાણે આ બેઉ અથવા બે માંથી એક ઉપર અથવા નીચે આવનાર હતાં ! નિરર્થક રાહ જોયા પછી પાછો એ લિફ્ટ બંધ કરી સરકાવતો હતો. સરકતી જતી એ પવન-પાવડીમાંથી કોઈક બોલ્યું :

"બાપડાંની વાતો ખૂટે ત્યારે ને !"

"જલ્દી જાવ," પોતાની સામે ભક્તિભર મૌનમાં તાકી રહેલા સુખલાલને એણે ફરી વાર કહ્યું. "હું છેલ્લી વાર મળી લેવા - પૂછી જોવા આવ્યો છું."

"અત્યારે નહીં"

"શું છે? તમારા બાપુજી છે કે નહીં? મારે એમને મળવું છે? "

"શા માટે?"

એનો જવાબ દેનારો છેલ્લો અવાજ મોટા શેઠના ઓરડામાંથી છેક બહાર લિફ્ટ પાસે સંભળાયો :

"જાવ ટળો દેશમાં ! આંહીં કામ નથી."

બહાર આટલો સ્પષ્ટ સંભળાયેલ રણકાર અંદર કેટલો ત્રાડભર્યો હશે? સુશીલાના કાન ત્યાં હતા. અંદર જવાની એને ઉતાવળ હતી. ભાભુને ચંપલનો માર પડ્યો છે. શું થયું હશે ભાભુને ? એણે સુખલાલને ફરી વાર કહ્યું : "સવારે વહેલા આવો. અત્યારે જાવ. અત્યારે મારા બાપુજીને નહીં મળવા દ‌ઉં."

"ઠેરો," કહીને એણે લિફ્ટ થંભાવી.