← ૩૬. 'આજની ઘડી રળિયામણી' વેવિશાળ
૩૭. 'મારી લાડકી'
ઝવેરચંદ મેઘાણી
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


37

'મારી લાડકી'


તે પછી શાક કઢીના સબડકા ભરતે ભરતે આઠ-દસ મહેમાનોની પંગતે પંદર મિનિટ દીકરીઓની કેળવણી અને કેળવાયેલા મુરતિયાની અછત ઉપર વિવેચન ચલાવ્યું, ને બાકીની દસેક મિનિટમાં કઢી-ભાતના સબડકાનાં અલ્પવિરામો મૂકતે મૂકતે, તેજપુર ગામની પાંજરાપોળમાં ચંપક શેઠ પાસેથી કેટલુંક નાણું કઢાવી શકાશે એની ચકાસણી ચાલુ રાખી.

"તમે કહેશો તેમ! બે હજારના કાકા."

ચંપક શેઠના એ શબ્દોને 'હે...ઈ ખ...રાં' કહીને સૌએ ઓડકાર ખાતે વધાવી લીધા.

"હવે ખાઈ કરીને તું વહેલો ઉપર આવજે," પીરસવા-કરવામાં રોકાયેલા નાના ભાઈને એટલું કહીને ચંપક શેઠ ઉપર ગયા, થોડી વારે બ્રાહ્મણ આવી પહોંચ્યો, ને ચોખા, કંકુ, નાડાછડી ઈત્યાદિ માગી ગયો. ગોળ-ધાણાની થાળી પણ ઉપર ગઈ.

એ વખતે ખડકીમાં જૂનાં ખાસડાનો ખખડાટ થયો. સુશીલાએ રસોડાની બારીમાંથી ધ્યાન કર્યું. ત્યાં તો પરસાળમાં ઊભેલો પેલો બાળક બોલી ઊઠ્યો: "હેઈ, બા...પ્પા! માલા બાપ્પા! છુછીલા ભાભી! બાપ્પા આવા! આપલને તેલવા આવા! હાલો, છુછીલા ભાભી!"

એમ કહેતો સુખલાલનો ભાઈ સુશીલાને કંઠે આવી બાઝી પડી બોલવા લાગ્યો: "હાલો ભાભી! હાલો-હાલો-"

"હાલો, ભાઈ, હમણાં જ જશું, હો ભાઈ!" સુશીલાએ દિયરને હૈયે ચાંપી લીધો.

દીપો શેઠ પરસાળ પર આવ્યા ત્યારે ત્યાં ઊભેલા સુશીલાના પિતાએ એને પિછાન્યા. મુંબઈમાં તો નહીં જેવો જ મેળાપ થયો હતો. આંહીં પણ છૂપો જ મેળાપ કરી લીધો. દીપા શેઠે તો ગામડાની રીતે - તે કરતાંય સુશીલાના પિતા પ્રત્યે સહજ ઊભરાતી પ્રીતિ - નાના શેઠને બથમાં ઘાલ્યા ને ઉદ્ગારો કાઢ્યા: "મારા બાપ! ખુશીમાં ? દીકરી સુશીલા આનંદમાં ! મારી તો સાત પેઢી ઉજાળી છે, બાપા! ક્યાં બધા મેડી માથે છે ના?"

"મામા!" ભાભુ બહાર નીકળીને બોલ્યાં: "જમવા બેસો." ઊઠેલી પંગતનો એઠવાડ પરસાળમાં હજુ પડ્યો હતો તે દેખીને દીપા શેઠે બે હાથ જોડ્યા: "ખાઈ કરીને નીકળ્યો છું, ઘેલીબે'ન!"

સુશીલાએ આ શબ્દો સાંભળ્યા ને કલ્પ્યું કે વહેલે પરોઢિયે ઊઠીને આ વૃદ્ધ માણસે ચૂલો ફૂંક્યો હશે!

"અંદર આવો," એમ બોલીને નાના શેઠે દીપા શેઠને ઓરડામાં લઈ જઈને મેસૂરનું બટકું હાથમાં લઈ, વેવાઈના મોં સામે ધરીને કહ્યું: "મોં ઉઘાડો."

"ન હોય, મારા બાપ, હજી આજ ન હોય."

"આજ જ હોય. કાંઈ હરકત નહીં, સુશીલાનાં સાસુ સ્વરગમાં ધોખો કરશે તો હું એ પાપ મારા માથે લઈ લઈશ - પણ મોં ખોલો, શેઠ...મારી સુશીલા, મારી દીકરી, મારી એકની એક લાડકી, મારું રાંકનું રતન-" કહેતે કહેતે એનો સ્વર ચિરાવા લાગ્યો- "એને સંભાળજો, શેઠ, મોં ફાડો - ખાતરી આપો!"

"સુશીલા તો મારી દીકરી જ રે'શે, ને તમે મારા માના જણ્યા રે'શો," એમ કહીને દીપા શેઠે બટકું ખાધું.

કોણ જાણે ક્યા જુગાન્તરોથી ભૂતલનાં પડોમાં અટવાતો અટવાતો, બહાર નીકળવાનો માર્ગ શોધતો જળપ્રવાહ નાના શેઠની જડ બુદ્ધિનાં ને બે અક્કલનાં પડો ભેદી મથાળે આવ્યો, એણે દીપા શેઠને ચરણે બે હાથ જોડી નમન કર્યું :

"જે માનો તે આ છે. વાગ્દાન નથી, આ તો કન્યાદાન છે, શેઠ! મારું હૈયું હવે હિંમત નહીં હારે, મારાં ભાભી મારી ભેરે છે!"

"હું ભેરે છું ને દીપા મામા ભેરે છે, ભાઈ આટલા બધા ફફડો છો શીદને?"

"ઘેલીબે'ન! સુશીલાને એક વાર મારી નજરે કરશો!" દીપા શેઠ કહ્યું.

"બહાર આવ, ગગી!"

સુશીલા બહાર આવીને પીઠ ફેરવી ઊભી રહી.

"એમ નહીં, મારી સામે જો દીકરી!"

સુશીલા ખચકાઈ : ગ્રામ્ય સસરો આ શું માગી રહ્યો છે!

"કહું છું કે મારી સામે જો બેટા! ભલે હું ગામડિયો રહ્યો, પણ તું હજી તો કન્યા છો. મોં જોવાજોગ છો. મારે તારાં દર્શન કરવાં છે, જોગમાયા ! આમ જો !"

સુશીલા સન્મુખ ઊભી રહી. દીપા શેઠે બે હાથ લાંબા કરીને આશિષ દેતે કહ્યું : "મને આશિષ આપ, બેટા, કે હું અસલ જાત જ રહું. તેલની ઊકળતી કડા સામેય કદી કજાત ન બની જાઊં : મનથી એટલી દુવા દે મને, દીકરી. ને મારો વશવાસ રાખજે."

એમ કહીને એણે ધબ-ધબ-ધબ પોતાની છાતી પર પંજો પછાડ્યો. એની છાતી પહોળાતી દેખાઈ. એનો પંજો યુદ્ધના નગારા પર દાંડી પડે તેમ પડ્યો. જાણે છાતી પર રણજોદ્ધાના બખ્તરની સાંકળી ઝણઝણી. પછી એણે મોં પર રમૂજ આણીને કહ્યું: "હવે હું જોઈ લઈશ તેજપરાના મહાજનનેય. જઈને માપી જોઉં છું એ ધરમાદાના ચોરોને!"

બહાર નીકળીને એ ઉપર ગયો. નાના શેઠ પણ સંગ્રામના સાથી બનવા પાછળ ચડ્યા. હિંમતમાં રહેવા માટે એણે દીપા શેઠનો હાથ પકડી રાખ્યો.

દીપા શેઠને દેખતાંવેંત આ દસ-પંદર પુરુષોનું મંડળ ન્યાયમંદિરનું ગંભીર રૂપ ધારણ કરી બેઠું.

"આવો, બેસો," સૌ ગાદી ઉપર બેઠેલાઓએ દીપા શેઠને આંગળી ચીંધી ફક્ત જાજમ પર બેસવા કહ્યું; પણ એ તો ચીંધેલી જગ્યા કરતાંયે દૂર, છેક જાજમની કિનાર પર જઈને બેઠા.

નાના શેઠે એની નજીક આસન લીધું. એને ત્યાંથી ખેસવવા માટે ચંપક શેઠ મૂંગા ડોળા ફાડતા રહ્યા, પણ મોટાભાઈની સામે એ જોતો જ નહોતો. અંદરના ઓરડામાં દાદર ઉપર ઊભેલાં ભાભીનું મોં માત્ર દેખાતું હતું, તેના ઉપર જ દિયરની મીટ હતી. ભાભીનો દેહ હજુ નીચે જ હતો.

બ્રાહ્મણ સૌને કપાળે તેલના રેગાડા ચાલે તેવા ચાંદલા કરવા લાગ્યો. વિજયચંદ્રે પોતાનો વારો આવતાં આસ્તેથી બ્રાહ્મણને કહ્યું: "તેલ છંટકોરી નાખો; ફક્ત કંકુ જ ચોડો."

"બહુ આનંદની વાત છે," મહાજનના અગ્રેસરે વિષય ઉપાડ્યો: "આ તો મહાન સુધારો છે. દીપા શેઠે ફારગતી આપીને બે માણસના ભવ બગડતા બચાવ્યા છે."

"ભવ બગડવાવાળી વાત શીદને કરવી પડે છે?" દીપા શેઠ દાંત કાઢીને કહ્યું.

"ત્યારે શું ભવ સુધરવાનો હતો?" ચંપક શેઠ ઊકળી ગયા.

"પણ-પણ-પણ ફારગતી કોણે કોણે - મેં ક્યાં - મને તો કંઈક બોલવા દીયો - " નાના શેઠે શૂરાતન બતાવ્યું.

"તું હવે મૂંગો મરી રે'ને? બેઠો છું બધા જવાબ દેનારો," ચંપક શેઠે વગર સમજ્યે કહ્યું.

"ના. એમ નહીં - ચોખવટ -"

"અડબોત ખાવી છે?" ચંપક શેઠ આગળ વધી ગયા.

"પણ એને બાપડાને શા માટે અડબોત મારવી જોવે?" દીપા શેઠે વચ્ચે વાક્ય જોડ્યું.

"તમારી અડબોત તો, મોટાભાઈ! નાનપણમાં ઘણી ખાધી છે; આજ પણ ખાઈ લઈશ. પણ સુશીલાનો જીવ મને વહાલો છે, બહુ વહાલો છે, મારી એકની એક લાડકી -" નાના શેઠનું હૈયું ભરાઈ આવ્યું.

"તે શું છે?" ચંપક શેઠ ઊભા થઈ ગયા, નાના ભાઈ તરફ આગળ વધ્યા, અને 'હાં-હાં-હાં' એમ સૌ કરતા રહ્યા ત્યાં તો એણે નાના ભાઈના ગાલ ઉપર એક લપાટ ખેંચી, એ લપાટ, બીજી જ ક્ષણે ખબર પડી કે, વચ્ચે પડેલા દીપા શેઠના મોં પર વાગી, દીપા શેઠના મોંમાંથી શબ્દ નીકળ્યો: "રામ!"

ચંપક શેઠને સૌ હાથ પકડીને વારી રહ્યા છે તે ક્ષણે, આ હોહાની વચ્ચે શબ્દો સંભળાણા:

"જે જે, સોમચંદકાકા! પીતાંબર ફુઆ, જે જે! મોટાભાઈ અનુપચંદભાઈ, જે જે!"

ઓરડાના બારણામાં આવીને ઊભેલાં ભાભુ તેજપુરના મહાજનના પ્રત્યેક પુરુષને સંબંધ અનુસાર સંબોધતાં હતાં. જેઓ પોતાના શ્વસુરપક્ષના હતા તેમના પ્રત્યે પોતે લાજનો અરધોપરધો ઘૂમટો ખેંચ્યો હતો.

વહુવારુ માણસ મહાજનના સભાસ્થાનમાં પ્રવેશ કરી ચૂક્યું : અજબ વાત બની : આ પ્રદેશનાં ગામડાંની વૈશ્ય જ્ઞાતિમાં તો શું, હજુ મુંબઈમાંય નથી બની શકતો એવો અપૂર્વ બનાવ બને છે, ને ભાભુ - જેમણે આવાં પુરુષ મંડળોમાં અવતાર ધરીને કદી પગ નથી મૂક્યો તે પાંત્રીશ વર્ષની કુળવહુવારુ, જાહેરમાં જેણે પોતાના પગની આંગળીઓ પણ ન દેખાડવાનો મલાજો પાળ્યો છે તે લજ્જાવંત 'ઘેલી' - તેના દીદાર દેખી સૌ ક્ષોભ પામ્યા.

ભાભુએ હાથ જોડી રાખી કહ્યું : "મારી વાત સાંભળશો?-"

"નીચે જાછ કે નહીં?" ચંપક શેઠે ત્રાડ મારી.

"આજ પહેલી જ વાર એમની આજ્ઞા ઉથાપવા આવી છું હોં-પહેલી જ વાર." ભાભુએ મહાજનના આગેવાનોને જ સંબોધ્યે રાખ્યું. "પહેલી અને છેલ્લી વાર હું કહેવા આવી છું એટલું જ કે, ફારગતી મારા દીપા મામાએ આપી હશે, સુશીલાએ કે એના બાપે નથી આપી. સુખલાલમાં એકેય એબ છે જ નહીં. સુશીલા મુંબઈની સુધરેલી નથી, રૂપાવટીના ઘર કરતાં કે વર કરતાં કોઈ વધુ ઊંચ વર-ઘરને લાયક અમારી સુશીલા નથી, વધુ લાયક દેશો તો જ બે જણના ભવ બગડશે. ને સુશીલાને તો મરતી સાસુને મોંએ પાણી મૂક્યું છે, છોકરાંને પોતાની પાંખમાં લીધાં છે, મારા દીપા મામાની છાયા સ્વીકારી છે. આ લગ્ન તો ક્યારનાં થઈ ગયાં હોત - પણ અમારે ચોરીનું કામ નહોતું કરવું, અને અમારે મૂવેલ સ્ત્રીની અદબ પાળવાની છે, માટે સૌ આવ્યાં છો તો ગળ્યાં મોઢાં કરીને સુશીલા-સુખલાલને આશીર્વાદ આપો. શેઠિયાઓ! બ્રહ્માંડ ફરશે ને, તોયે આમાં મીનમેખ નહીં થાય, ધોડનારા ભલે ધોડી લ્યે" એટલું કહીને એ ઓરડામાં લપાઈ ગયાં.

"સુશીલાને બોલાવો." ચંપક શેઠે આજ્ઞા કરી.

સુશીલા ઉપર આવીને પોતાના સસરાનો મલાજો રહે તેવી રીતે એક બાજુએ ઊભી રહી.

"આ બધી કોની શિખામણ છે?" ચંપક શેઠે ત્રાડ દીધી. સુશીલાએ જવાબ ન વાળ્યો.

"શો વિચાર છે બોલ, નીકર એક ઘડીમાં સૌના હાથમાં રામપાતર પકડાવી દઊં છું!"

"હેં-હેં-" દીપા શેઠના એ બે જ હેં હેંકારામાં ગજબ કટાક્ષનો વજ્રપાત હતો. એ હાસ્યમાં સુશીલાએ સસરાના નિશ્ચયની બખ્તરસાંકળીનો ફરી ઝણઝણાટ સુણ્યો; ને એણે મોટા બાપુજી સામે જોયા વગર જ મહાજનને કહ્યું:

"મારા સસરા ના પાડશે તોયે હું ત્યાં જ જવાની છું; એ કાઢી મૂકશે તોયે ત્યાં જ જવાની છું!"

"ઠીક શેઠિયાઓ! આપને સૌને રજા છે - પધારો," એમ કહીને ચંપક શેઠે નાના ભાઈ પ્રત્યે ફરીને કહ્યું, "તું, તારી દીકરી, ને ત્રીજી આ તારી જે થાતી હોય તે કજાત, ત્રણેને રુખસદ છે. પાણી પીવાય રોકાશો મા, નીકર ભૂંડાં લગાડીશ."

"સાથે સાથે મને એક વિશેષ રજા આપો."

"કૂવામાં ડૂબી મરવા સુધીની રજા છે."

"તોયે સ્વામી છો તે નહીં મટો; મને દીક્ષાની રજા..."

"વેશ્યા થવાનીય રજા છે - બસ?"

બેઠેલા સર્વનાં મોંમાંથી અરેરાટી નીકળી.

ભાભુએ કહ્યું: "બસ! ચાલો ભાઈ; ચાલો, સુશીલા, ચાલો મામા."

સૌ ઊઠ્યા. નાના ભાઈએ ઊઠીને મોટાભાઈ સામે હાથ જોડ્યા ને કહ્યું: "બધું જ તમારું છે, મોટાભાઈ; હું તો તમારો આશ્રિત હતો. મને મોટો કર્યો. તમારા ગુણ નહીં ભૂલું, મોટાભાઈ."

એમ કરીને પગે લાગવા નીચે નમતા નાના ભાઈને ચંપક શેઠે તરછોડીને કહ્યું: "જા, હવે જા, નાટકિયા!"

"એમ તે કાંઈ ચાલશે," સ્તબ્ધ બનેલા વિજયચંદ્રે આખરે પોતાનો વારો આવેલો જોયો: "એમ તે હું કેમ છોડીશ? હું મારી આખી કારકિર્દી જતી કરી ચૂક્યો છું - જાણો છો? હું અદાલતે જઈશ."

"જાજો, ભાઈ! બેલાશક જાજો," એવો જવાબ આપીને ભાભુએ તુચ્છકારભર્યું હાસ્ય કર્યું: "અદાલત અમે જોઈ નથી તે જોવાશે!"

મહાજનના અગ્રેસરો તો થીજી જ ગયા. એમણે એકબીજાની સામે જોયું; એમાંથી એકે કહ્યું: "આ બધું જાણ્યું હોત તો અમે આમાં હાથ જ ન નાખત."

*

થોડા જ સમય પછી એક ગાડું રૂપાવટીને માર્ગે ચાલ્યું જતું હતું. દીપા શેઠ પોતે ગાડું હાંકતા હતા. અંદર સુશીલા ત્રણ ભાંડુને લઈ બેઠી હતી. પાછળ સુખલાલ, ભાભુ ને નાના શેઠ ચાલતાં હતાં. સુખલાલ એના સસરાને પોતાના ખભાનું ટેકણ આપતો, એક વખતના એ 'નાદાન'ની આજની વીરતા સામે લળતા હ્રદયે ગંભીર જવાબદારીનાં પગલાં ભરતો હતો. ગાડામાં ફાલતુ એક કપડાનો ટુકડો પણ સાથે નહોતો.

*

ત્રીજા દિવસની સવારે ટપાલી, સુખલાલ પરનો એક કાગળનો બીડો આપી ગયો. કાગળ મુંબઈથી ખુશાલભાઈનો હતો. સાથે તસવીર હતી. તસવીરમાં બોખી બુઢ્ઢી જેવી દેખાતી સ્ત્રીએ અંગ્રેજીમાં લખ્યું હતું કે 'ટુ માય ડાર્લિંગ સન સ્માર્ટી : ફ્રોમ લીના : મારા પ્યારા બેટા સ્માર્ટીને - લીના તરફથી.'

કાગળમાં ખુશાલભાઈએ ફોડ પાડ્યો હતો :

"હું તારા ખબર દેવા એને ઘેર ગયો'તો. હું તો એનું બોખું રૂપ જોઈને આભો જ બની ગયો. એણે કહ્યું કે રત્નાગિરિ જિલ્લામાં મરકી ફાટી નીકળી છે, ત્યાં નર્સ બનીને જાઉં છું, પાછી કદાચ નહીં જ આવું. આ છબી તારે માટે દીધી છે, ને તારી વહુ માટે હીરાની વીંટી દીધે છે, જે હું લગ્ન માથે લઈને આવીશ."

વંચાતો કાગળ સુખલાલના અશ્રુજળે છંટાતો હતો.