સત્યવીર શ્રદ્ધાનંદ/બાલ્યાવસ્થા

બે દેશ દીપક
બાલ્યાવસ્થા
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
યૌવનના તડકા-છાંયા →


બાલ્યાવસ્થા


મવું, કૂદવું, પોલિસોના હાથે લાડમાં ઊછરવું, અને બરેલી ગામમાં સંસ્કૃત ભાષાનું કશું શિક્ષણ જ ન હોવાથી મૌલવીના મુખના ઉર્દૂ સબક (પાઠ) શીખવા, એજ મારા શૈશવનાં કામ હતાં. એમ કરતાં પિતાજીની બદલી કાશીમાં થઈ. એમને બહારગામ ભટકવાનું હતું, અને મકાન મોટું તેથી માતાએ એક પંજાબી કુટુંબને વગર ભાડે એમાં ઘર કાઢી રહેવા આપેલું. અમારા પાડોશીનાં પત્નીનું નામ નિહાલદેવી. એ દેવીએ કાશીમાં આવીને 'આભડછેટ'ની નવી દીક્ષા લીધેલી એટલે અમારો તો એણે જીવ જ કાઢી નાખ્યો. માહ મહિનાનો કડકડતો શિયાળો ચાલે, અને એમાં અમને હુકમ થયો હતો કે તદ્દન નગ્ન બનીને ઝાડે જવું, પછી નહાઈને જ ધોતલી પહેરવી ! જો પગ લગાર મોરીમાં પડી જાય તો ફટ નહાવાની આજ્ઞા ! જો હાલતાં ચાલતાં ક્યાંયે છાંટો પડી ગયો તો કપડાં ધોઈ નાખવાનો નાદિરશાહી હુકમ ! એક દિવસ સાંજે રમતાં રમતાં મારો પગ એક ભઠ્ઠીના ઠીકરાને અડકી ગયો ત્યાં તો કમબખ્તી બેસી ગઈ. નિહાલદેવીએ બૂમાબૂમ કરી મૂકી કે છોવાઈ ગયો ! છોવાઈ ગયો ! નવરાવી નાખો ! નવરાવી નાખો ! માતાજી તો કોઈ મોટી આફત પડી સમજીને દોડ્યાં આવ્યાં. જુવે ત્યાં તો વાતમાં કાંઈ સાર ન મળે, વળતે દિવસે માતાજીએ આ મરજાદણ દેવીને હાથ જોડી કહ્યું, 'બીજું ઘર શોધી લો !'

એક દિવસ પિતાજી કંઈક તુમાર લખતા હતા. મેં ધીંગામસ્તી મચાવી. પિતાજીએ હાકલ દીધી, ધમકાવ્યો. મને તો બહુ જ માઠું લાગ્યું. દાદરનું દોરડું લટકતું દેખ્યું. બસ ! દોરડું ગળામાં નાખીને મેં તો દમ દીધો કે 'હમણાં ગળાટૂંપો ખાઉં છું !' પિતાજીએ આવીને એક થપ્પડ ચોડી દીધી. જીંદગીમાં તે દિવસ પહેલી જ વાર મને લાડકવાયાને માર પડ્યો. રોઈ રોઈને ગળું બેસી ગયું. માતાએ આવીને ગોદમાં લીધો.

અત્યાર સુધી તો હું નુગરો જ રહીને ભણ્યો હતો મૌલવી સાહેબ મોટા ભાઈને ગોખાવે, એ બધું હું સાંભળીને જ મોંયે કરી લઉં; પંજાબી સ્ત્રીઓ 'કાશી મહાત્તમ' કહે ત્યાં એ મારે કંઠે રહી જાય, પિતાજી સ્તોત્રો બોલે તે પણ જીભને ટેરવે રહી જાય; પરંતુ હવે તો મને યજ્ઞોપવિત (જનોઈ) દેવાનું નાટક ભજવાયું. ગુરૂકુલેાની પ્રથા તો હજારો વર્ષથી બંધ હતી, પણ યજ્ઞોપવિત પહેરાવવામાં આવે. વેદારંભની વિધિ થઇ જાય એટલે બ્રહ્મચારી કૌપીન અને દંડ ધારણ કરીને ભિક્ષા લઈ કાશી ભણવા જવાની તૈયારી કરે ! તે વખતે બહેનની જરૂર પડે, નવા બ્રહ્મચારી બહાદુર જ્યારે કહે છે કે 'હું તો કાશીએ ભણવા જઈશ' ત્યારે બહેન બાવડું ઝાલીને સમજાવે, 'ના ભાઈ, તને આંહીં જ ભણાવશું,' એટલે ભાઈ પાછો વળે, અને તેજ દિવસે એના સમાવર્તનની વિધિ પણ પતાવી દેવાય, આ નાટક મારે પણ ભજવવું પડ્યું. સગી બહેન નહોતી એટલે 'ધર્મની બહેન' બનાવી કાઢી ! કાશીમાં તો રહેતા જ હતા તેથી 'કાશ્મીર ભણવા જાઉં છું' એમ મારે મુખેથી બોલાવ્યું. બહેન મને પાછી વાળી આવી. અને બાપુએ તુરત એક પંડિત રાખીને મને દેવનાગરી અક્ષરોનો અભ્યાસ મંડાવી દીધો, પણ પંડિતજી બિચારા અમને અંકૂશમાં ન રાખી શક્યા. દરમિયાન પિતાજીએ રાતની રોન ફરતાં ફરતાં કોઈ એક વિદ્યાર્થીને ખીંતી સાથે ચોટલી બાંધીને વાંચતો દેખ્યો હતો. પૂછતાં વિદ્યાર્થીએ એવું કહ્યું કે 'જ્યારે વાંચતાં વાંચતાં ઝોલું આવી જાય છે ત્યારે ચોટલીને આંચકો લાગવાથી પાછું જાગી શકાય છે !' પિતાજીને લાગ્યું કે વાહ ! કેવો ઉદ્યમી વિદ્યાર્થી ! એમ સમજીને અમને પણ હિન્દી પાઠશાળામાં ભણવા બેસાર્યા, પાઠશાળાના પાઠ તો હું પાઠશાળામાં જ પાકા કરી લેતો અને ઘેર આવી પિતાજીનું તુલસીકૃત રામાયણ વાંચવા બેસતો.

સંગ્રામસિંહ બહારવટિયો

કાશીથી મારા પિતાની બદલી બાંદા થતાં મારા બાલહૃદય ઉપર બે બીનાઓએ અજબ પ્રભાવ છાંટી દીધો. એક તો બહારવટિયા સંગ્રામસિંહનું દર્શન. બનાસ જીલ્લાના એક ગામડામાં સંગ્રામસિંહ ખેતી કરીને પેટગુજારો ચલાવતો હતો. એક દિવસ એ ઘેર નહોતો તે વખતે પોલીસે આવીને એના ઘરની જડતી લીધી અને એની પત્નીનું શિયળ લોપવાની કોશિશ કરી. ઘેર વળતાં રજપૂતને આ વાતની જાણ થઈ અને એ પોલીસના મોટા અધિકારીની પાસે રાવે દોડ્યો, ત્યાં એની સાથે પણ પોલીસે પિશાચી આચરણ બતાવ્યું. સંગ્રામસિંહનું રજપૂત-રક્ત ઊકળી ઊઠ્યું. ઘરમાં છુપાઈને પડેલી કાટેલી જૂની તરવાર ઉઠાવી, પહેલાં પ્રથમ પોતાની નિરપરાધી અર્ધાંગનાને સદાને માટે બદનામીમાંથી બચાવવા સારૂ ઠાર કરી ને પછી પોતે પહાડોમાં નીકળી ગયો. સાથે હાથીસિંહ નામનો રજપૂત જઈ ભળ્યો. હાથીસિંહની બંદૂકનું નિશાન કદી ખાલી જતું નહોતું. વીસ પચીસ બીજા સિપાહી પણ ભેગા કરી લીધા. એ રીતે સંગ્રામસિંહ એક નાની સેનાનો સરદાર બની ગયો.

જોતજોતામાં તે અંગ્રેજી ઇતિહાસમાં અને નવલકથાઓમાં દેશભક્ત બહારવટિયાની જેવી વાતો આવે છે તેવી વાતો સંગ્રામસિંહને નામે પણ લોકોમાં પ્રસરવા લાગી. સંગ્રામસિંહ તો અમીરોને લૂંટી લઈ ગરીબોને આપે છે : વનગવગડામાં વારાંગનાએાને બેાલાવી નાચગાનથી જંગલમાં મંગલ કરે છે : દાયરા ભરે છે : એવાં એનાં યશોગાન ગવાવા લાગ્યાં. જીલ્લે જીલ્લામાં એનાં રમખાણ બેાલવા લાગ્યાં. દોઢસો હથિયારબંધ સિપાહીઓને લઈ ગોરા પોલીસ ઉપરીએ સંગ્રામસિંહના રહેઠાણને ઘેરી લીધું. સાહેબ પોતે બે અર્દલીને સાથે રાખી, ધીમે પગલે આગળ વધ્યા જાય છે. કાળું ઘોર અંધારું છે. એકાએક બે આદમી આવી ચડે છે, છલંગ મારીને બે અર્દલીને બથમાં ઝકડી લે છે, ત્રીજો નીકળ્યો તે સાહેબ બહાદુરને ઘોડા પરથી નીચે પટકી છાતી પર ચડી બેસી તમંચો બતાવી બેાલે છે કે 'અાટલી વાર છે. કાઢ પૈસા !'

સાહેબે પોતાનું સોનાનું ઘડિયાળ, અછોડો, નોટ, રૂપિયા વગેરે બધો માલ બહારવટિયાને સુપરદ કર્યો. બહારવટિયો ઊભો થયો. સાહેબને સલામ કરી અને કહ્યું, 'સંગ્રામસિંહને પકડવા માટે આવી ગફલતથી હવે ન આવતા હો કે સાહેબ !'

ઊઠીને ગોરા સાહેબે તો ઘોડાને એવો દોટાવી મૂક્યો કે વહેલો આવે પોતાનો બંગલો !

પછી તો કાશીનગરી ઉપર બહારવટિયાના હુમલા થવા લાગ્યા. એમાં અાલમસિંહ નામના રજપૂત કોટવાલે બડાઈ મારી કે 'અરે ભાર શા છે સંગ્રામસિંહના ! એક મહિનામાં તો બેટાને પકડીને માજીસ્ટ્રેટ પાસે હાજર કરીશ.' ચાર પાંચ દિવસે આલમસિંહ પર જાસાચિઠ્ઠી આવી પહોંચી, લખ્યું હતું કે 'હવે તો અમારા ધામા કાશીનગરીમાં જ નખાઈ ગયા છે અને ચંદ્રગ્રહણનું સ્નાન કરવા માટે પણ હું આવવાનો છું. જો ક્ષત્રિના પેટનો હો તો આવી જજે!'

ચંદ્રગ્રહણની રાત આવી પહોંચી. પહાડમાંથી પોતાની માતાને ગંગામૈયામાં સ્નાન કરાવવા માટે બે સાથીઓને લઈ સંગ્રામસિંહે મણિકર્ણિકાના ઘાટનો માર્ગ લીધો. માતાને નવરાવી બન્ને સાથીઓની સાથે રવાના કરાવી સંગ્રામસિંહ એકલો ચાલ્યો, ક્યાં ચાલ્યો ? એના ઓડા બાંધીને આલમસિંહ ફોજ સાથે વાટ જોતો હતો ત્યાં ! ચોકીપહેરા ફોગટ ગયા. કોઈ એને ઓળખી શક્યું નહિ. ફક્ત એક કામળો જ ઓઢીને એ જવાંમર્દ સડસડાટ ફોજ વચ્ચેથી પસાર થયો. આલમસિંહની લગોલગ આવી પહોંચ્યો. મેાં પરથી કામળી ઉઘાડીને પડકાર કર્યો, 'જોઈ લે રજપૂત ! સંગ્રામસિંહ સ્નાન કરીને જાય છે.'

આલમસિંહ ચમકી ઊઠ્યો. મેાંમાંથી વેણ નીકળે ત્યાં તો સંગ્રામસિંહની કટાર, વીજળી શી ઝબુકી ઊઠી. આલમસિંહ દિગ્મૂઢ બની પાછે હટ્યો. સંગ્રામસિંહ અદૃશ્ય થયો. અને 'દોડો દોડો ! પકડો પકડો ! ઓ જાય ! ઓ જાય.' એવા એવા હાકલા થવા લાગ્યા, પણ કોને પકડે ? દાંતોમાં દઈને ગયો.

આખરે પોલિસની આવ-જા માટેના તમામ રસ્તા ઉજ્જડ બન્યા એટલે ત્રણે જીલ્લામાં નવી પોલિસની ભરતી થઈ. હજારો પોલિસોએ તમામ રસ્તા પર ઓડા બાંધી લીધા. મારા પિતા પણ એક સ્થળે મોટી સંખ્યા લઈ નાકું બાંધી ઊભા. પાંચ દિવસ સુધી નદીના પાણીની અંદર છુપાયા પછી ખાવાને માટે સંગ્રામસિંહ પાંચ છ સાથીએાની સાથે બહાર નીકળ્યો. એમાંથી એક આદમી પિતાજીના હાથમાં પકડાયો. એની પાસેથી પત્તો મેળવીને પોલિસ આગળ વધી. સંગ્રામસિંહ એક ચમારની ઝૂંપડીમાં પેસી ગયો. ઝૂંપડીને પોલિસે આગ લગાવી. બહાદુર રજપૂત બહાર નીકળ્યો, પણ પાણીમાં પડવાથી દારૂ નકામો થઈ ગયો હતો એટલે બંદૂક ન વછૂટી. તલવાર ખેંચવા જાય તો તલવાર મ્યાનમાંથી બહાર જ ન નીકળી. આ બાજુ પોલીસે ગોળીની ઝીંક બોલાવી. પાંચે સંગાથી પટકાયા. સંગ્રામસિંહે બંદૂક ઊંધી ઝાલીને લાકડી તરીકે વીંઝી. જોતજોતામાં ત્રણ ચાર સિપાઈઓને ઢાળી દીધા. પિતાજીના ઘોડાની ગરદન પર પણ એવી ચોટ લાગી કે ઘોડો પંદર કદમ પાછો હટી ગયો. પ્રથમ તો પિતાજીએ આ એકલા દુશ્મન પર ગોળી ચલાવવાની મના દીધી હતી. પણ આખરે પોતે ક્ષત્રિવટ ચુક્યા. 'ગોળીબાર'નો હુકમ દીધો. ૨૫ ગોળીઓ ખાઈને સંગ્રામસિંહ પડ્યો. એને બાંધીને કાશીની ઇસ્પિતાલમાં લઈ આવ્યા. સિવિલ સર્જને જ્યારે એના શરીર પર ૨૫ જખ્મો જોઈને કહ્યું 'કાં ! પકડાઈ ગયો ને !' ત્યારે એ વીર ક્ષત્રિએ જવાબ વાળ્યો કે 'એમાં શી બહાદુરી કરી ! એક વાર મારા હાથમાં તલવાર આપો, ને પછી મારી સામે વીસ આદમી આવી જાવ ! જોઉં મને કોણ પકડે છે !' સાંભળીને સાહેબ તાજ્જુબ થયા. સંગ્રામસિંહને ફાંસી મળી, પણ હિન્દુસ્થાની પોલિસ અમલદારોને એ વીરના મૃત્યુથી બહુ જ દિલગીરી થઈ.

ખાટલા પર સૂતેલા એ સંગ્રામસિંહનો દેખાવ મને હજુ યાદ છે, મારા જીવન પર એની ઊંડી છાપ છે.

જાદુગર

બાલ્યાવસ્થાનું બીજું સ્મરણ તો એક એવા નરવીરનું છે કે જેણે મારા જીવનમાં ઉથલપાથલ મચાવી દીધી. કાશીમાં ગુપચુપ વાતો ચાલતી હતી કે એક ભયાનક જાદુગર આવ્યો છે, બડો નાસ્તિક છે, અને એની બન્ને બાજુએ દિવસે પણ મશાલો બળે છે ! એની સામે વાદ કરવા જનારા પંડિતો એના તેજમાં અંધ બની જાય છે ! મને બરાબર યાદ છે કે માતા એ દિવસોમાં અમને બહાર જવા નહોતી દેતી. એને ભય હતો કે રખે અમે બન્ને ભાઈઓ એ જાદુગરના ફાંસલામાં ફસાઈ પડીએ ! માતાજીને ક્યાંથી ખબર હોય કે એનો દેહ પડ્યા પછી એનો આ પ્યારો બેટો. એ જ જાદુગરનો અનુયાયી બની જશે ! એ જાદુગર દયાનંદ સરસ્વતી હતા.

રામાયણનો રંગ

મારા અંતર પર રામાયણનું અમૃત છાંટનાર એ બુદ્ધુ ભક્ત મને યાદ આવે છે. લાંબી પાતળી કાયા, તેજસ્વી નેત્રો, ને હોઠ પર નિરંતર રમતું હાસ્ય: રાત્રિયે રામાયણ લલકારે, સાથે ઝાંઝ સારંગી ને મૃદંગ વાગે, અને નાના સિપાઇથી માંડી ડેપ્યુટી કલેક્ટર સુધીના સર્વ શ્રોતાઓ એની સન્મુખ એક જ જાજમ પર સમાન ભાવે બેસી અમૃતપાન કરે. વળી એ તો તુલસીદાસની વાણી ! વીરરસ વર્ણવાય ત્યારે શ્રોતાઓનાં હૃદય વીરત્વથી ઉછળતાં ને કરૂણરસ વેળાએ સહુને નેત્રે અશ્રુધારા ચાલતી. એવો એ રામાયણ વાંચનાર ! જાતનો વાણિયોઃ મૂળ તો હરામખોર પણ રામાયણના ઉત્તર કાંડની કથાએ એક દિવસ એના પાપને અનુતાપના અગ્નિમાં ખાખ કરી નાંખ્યાં અને એ પરમાર્થમાં પડ્યો. મારા પિતા પર પણ એના રામાયણ વાચનનો એવો પ્રભાવ પડ્યો કે દિવસભર પોલિસ ઓફિસરની ક્રૂર ફરજો અદા કરી, ગુનેગારોને કેદ પકડી પોલીસ-ડાયરી લખતા; અને રાત્રીએ અપરાધી તેમજ ફરિયાદી, થાણાદાર અને જમાદાર, સિપાઈ અને ખલાસી, તમામને એક જ આસન પર બેસાડી રામાયણ સંભળાવવા લાગ્યા. કોઈ કોઈ વાર તો આ કથાની મદદથી એમનો મુકદમો પણ સરલ થઈ જતો. એક રાતે ભગવાન રામચંદ્રજીની ક્ષમાનો પ્રસંગ છેડાયો અને પિતાજીએ સિદ્ધ કરી બતાવ્યું કે, 'પાપનો સ્વીકાર કરી લેવો એ ઉત્તમમાં ઉત્તમ પ્રાયશ્ચિત છે. શરણાગતને પ્રભુ કદી ઠેલતો નથી.'

આટલું સાંભળીને એકાએક આરોપીઓમાંથી એક પ્રંચડ, અલમસ્ત આદમી ઊભો થયો.પિતાજીની સામે સાષ્ટાંગ ઢળી પડ્યો અને હાથ જોડી ગદ્ગદ્ કંઠે બોલ્યો કે, બન્ને ખૂન મેં જ કર્યા છે. લાવો કાગળ, એકરાર લખી દઉ.'

શસ્ત્ર અને વ્યાયામ

સીગરામમાં બેસીને અમે ફત્તેહપુર જતા હતા. માર્ગમાં રાત પડી ને અંતરિયાળ ઘોડા પણ થાકીપાકીને બસ ઊભા થઈ રહ્યા. કોચમીન અને સાઇસ ઘોડા બદલવા ગામડામાં ગયા. હું સીગરામમાં હતો, ને પિતાજી સડક પર ટેલવા લાગ્યા. અકસ્માત બાજુના ખેતરમાંથી કેટલાક ડાંગોવાળા નીકળ્યા. પિતાજીએ પોતાના હાથમાં પિસ્તોલ હતી તેનો ભડાકો કર્યો અને મને હાકલ કરી કે 'મુન્શીરામ, લાવ મારી બે જોટાળી બંદૂક.' ડરતો ડરતો પણ છરા, દારૂ ને બંદૂક લઈ હું પિતાજીની પાસે દોડ્યો. લૂંટારા નાસી છૂટ્યા, ને અમારો સીગરામ રસ્તે પડ્યો. તે સમયથી મને બંદૂક વાપરવાની તાલીમનો શોખ થઈ ગયો. બીજુ બાજુ કાશીમાં રોજ પ્રભાતે ગંગાસ્નાન અને દેવદર્શનની સાથેસાથ કસરતનો પણ અભ્યાસ પડી ગયો. ગંગાના પ્રત્યેક ઘાટ પર તે વખતે અખાડા જામી પડ્યા હતા. અખાડે અખાડાનો ઉસ્તાદ કુસ્તી શીખવતો હતો. મેં પણ દશેરાના મેળા પર મને મળેલ પૈસામાંથી થોડા બચાવી એક ઝારી લીધી, એક પૂજન- થાળી લીધી. અક્ષત પાણી, ચંદ, ફૂલ અને બિલ્લીપત્ર એ પૂજન-થાળમાં લઈ તથા પાણી એ ઝારીમાં ભરી, બગલમાં ધોતી દબાવી નિત્ય પ્રભાતે હું ચાલી નીકળતો. પ્રથમ અખાડામાં જઈ દંડ બેઠક અને કુસ્તી કરતો. પસીનો સુકાતાં જ ગંગામાં ઝંપલાવતો, ન્હાઈને ઝારી ભરી લેતો. માર્ગે પ્રત્યેક શિવલિંગ પર ઝારીમાંથી અક્કેક બિન્દુ ટપકાવી, અનેક મોટા દેવતાઓની પૂજા કરી ઘેર પહોંચતો.

એમ કરતાં પૂજાનો ભાવ મારા અંતરમાં ઊંડો ઊતરવા લાગ્યો. મછવાની એક મુસાફરી સ્મરણે ચડે છે. રાશથી બલિયા અમે મછવામાં બેસી નદીમાર્ગે સફર આદરી. ત્રીજા પ્રહર સુધી મછવો ચાલતો અને ગંગાના પ્રવાહ સાથે સરતો મઝલ કાપતો. સાંજે ચાર વાગે રસોઈ તેમજ રાત્રિનિવાસની સગવડ જોઈને લંગર નખાતું, એક રાતની ઘટના મને યાદ આવે છે. તે દિવસ અમે જ્યાં મુકામ કર્યું ત્યાં અસલી યુગની પુષ્કળ રાખ પડી હતી, અને કોઈ ઋષિએ ત્યાં તપ કર્યું હોવાનું કહેવાતું. હું તો રોજ સાંજે જમીને સૂતો; તે સવારના છ સુધી હલવાચલવાનું નામ ન લેતો. પણ તે દિવસે ત્યાં એક પુરાતન વડલો દેખ્યો, જેની વડવાઈઓમાંથી પચાસ તો થડ થઈ ગયાં હતાં. ઘટા એટલી ફેલાયેલી કે એક સો ઘોડેસવારનું લશ્કર પણ અદશ્ય થઈ જાય. પ્રકૃતિ માતાના આ વિશાળ ઘુમ્મટ નીચે શીતળ લહર વાતાં મારી આંખો મળી ગઈ. બે કલાક સુધી ફાનસો લઈને મને સહુએ શોધ્યો ત્યારે વડલા નીચે હું ઘસઘસાટ સૂતેલો માલૂમ પડ્યો. બચપણમાંથી જ મને નવી ઈમારતો કે મહેલ- મોલાતોની મોહિની નથી લલચાવી શકી. પ્રભુનાં રચેલાં દૃશ્યો, પ્રાચીન મંદિરો અને ખંડિયેરો મને સર્વદા વધુ બલવાન આકર્ષણ કરતાં રહ્યાં છે.