સોરઠી સંતો/પાંચાળનું ભક્તમંડળ

સોરઠી સંતો
પાંચાળનું ભક્તમંડળ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
દાના ભગત →


પાંચાળનું ભક્તમંડળ

૧. આપો મેપો
 
૨. " રતો
 
૩. " જાદરો
 
૪. " ગોરખો
 
(૧)

"એલા મેપા ! આ આભમાં વાદળી ચડી. તારાં નળીઆ ઝટ ઝટ ઢાંકી વાળ્ય. નીકર હજારૂ રૂપીયાનું પાણી થૈ જાશે. ”

“આપા રતા ! આમાં નળીયાં ઢાંકયાં રે' એમ નથી. વાદળ તૂટું તૂટું થયું છે ત્યાં, ઠાકર વિના બીજુ કોણ આડા હાથ દઇ શકે એમ છે ? આટલો પથારો શે ઢંકાય ?”

“માળા મૂરખ ! ઠાકર તારો ક્યાંય સૂઈ રે'શે. આ બીજા સહુ કુંભારૂએ પોતાનાં નળીઆં ઢાંકી લીધાં એમ ઢાંકી લે, ઠાકર તારો ઠાકર સો ગાઉ છેટો રહી જાશે.”

“ના ના દરબાર, ઠાકરને ઢાંકવું હશે તો વાર નહિ લાગે. ઠાકરને પલાળવું હશે તો ઢાંક્યાં ય રહેશે નહિ.”

પાંચાળમાં નવું મોલડી ગામ બંધાય છે. ખોરડાં માળવા માટે નળીઆં પાડવા થાન ગામના કુંભારોને તેડાવ્યા છે. ગામને પાદર એક સામટા પચીસ ચાકડા વહેતા થઇને નળીઆંના નિંભાડ ઉતારે છે, પણ હજુ નીંભાડો નથી ખડક્યો, ત્યાં તો જેઠ મહિનાની કાળી વાદળીએ આભને ઢાંકી દીધો, સહુ કુંભારોએ દોટાદોટ કરી પોતાનાં કચરીઆં નળીયાં ઢાંક્યા, પણ એક મેપો નામનો કુંભાર તો માત્ર ઈશ્વર ઉપર જ આસ્થા રાખીને ઉભો થઇ રહ્યો. એટલાં બધાં નળીઆંના પથારા ઉપર ઢાંકવાનું મેપાની પાસે કંઇ સાધન જ નથી. મેપા કુંભારની ઈશ્વર ઉપરની આસ્થાની હાંસી કરનાર આપો રતો તો મોલડી ગામનો કાઠી ગલઢેરો હતો. ઠાકરની એ ઠેકડી જ કરતો.

એટલી વારમાં તો આકાશ માથે વિજળીનો કડાકો ગાજ્યો. વાદળી તૂટી. રતા દરબારે હસીને રીડ પાડી કે “લે મેપા, હવે બોલાવ તારા ઠાકરને. તે છતરી ધરે !”

“ઠાકરને રાખવું હશે તો એ...આની ઓથે ય રાખશે !” એટલું બોલીને મેપાએ પોતાના અંગનું કેડીયું ઉતારી નળીયાંના પથરા ઉપર ફગાવ્યું, અને મે'નાં અનરાધાર પાણી જ્યારે બીજાએાનાં નળીઆંને પલાળી તાણી ગયાં, ત્યારે મેપાનાં નળીઆં ઉપર છાંટો પણ ન પડ્યો; ચારે કોર છેટેથી જ પાણી ખળેળીને ચાલ્યાં જાય છે. મેપો આકાશ સન્મુખ બે હાથ જોડીને ઇશ્વરધ્યાનમાં તલ્લીન બનેલો ઉભો છે. અને રતા કાઠીનું શું થયું ? ઈશ્વરી ગેબની અંદરથી એને તો જાણે કે આજ આ કાદવ ખુંદનાર કુંભારની મારફત કોઇએ ઈશારો કર્યો. આભનાં નોતરાં ઉતર્યા.

સદ્દગુરૂએ સમજાવ્યું સાનમાં
બહુનામી, માર્યાં બાણ;
વિચા૨ કરૂં તો વેદના ભારી
એ જી મારે જળહળ પ્રગટ્યા રવિ ભાણ!
રણક ઝાલરી
ઝણણ વાગી રે !
એ જી મુને સંત મળ્યા રે સુહાગી
રણક ઝાલરી
ઝણણ વાગી રે !
એ જી મેં તો જોયું રે તખત પર જાગી
રણક ઝાલરી
ઝણણ વાગી રે ! વરસાદનાં પાણીમાં તે દિવસ જેવી માટી પીગળી ગઈ હતી,

તેવા જ ઓગળી ગયેલા અંતરવાળો રતો દરબાર, પોતાની ડેલી મેલીને હોકો લઈ મેપા કુંભારને ચાકડે આવી બેસવા લાગ્યો. કુંભાર અને કાઠી વચ્ચેના ભેદ એને મનથી ટળી ગયા હતા. એણે હાથ લંબાવીને કહ્યું “લ્યો ભગત, હોકો પીશો ?”

“અરે આપા ! તમે ગલઢેરા, ને અમે વસવાયાં ! તમારો હોકો એઠો કેમ કરાય ? આ મારા ગારાળા હાથમાં હોકો બગડશે.”

“ના ભગત, હવે સૂગ મેલી દીધી. ગારો ગમવા માંડ્યો છે.”

એમ હોકો પીવા લાગ્યા. પછી તો રતા દરબારે મેપાનો હોકો ભરી દેવા માંડ્યું. અને ત્રીજે દિવસે તો મેપાના પગમાં ૫ડી અરજ કરી કે “ભગત ! મને તમારી કંઠી બાંધો.”

કુંભારની પાસે ભક્તિની દીક્ષા લઈને કાઠી દરેક મહિનાની બીજે મોલડીથી આઠ ગાઉ થાન ગામની જાત્રાએ આવતો થયો. એક દીકરી સિવાય રતાને કાંઈ છોરૂ નથી. દીકરીને થાન પાસેના સોનગઢ ગામના એક કાઠી વેરે પરણાવીને રતો આત્મજ્ઞાનમાં બેસી ગયો છે. એનો 'માયલો' મરી ગયો છે.

૨.
એક અદ્ધર સમળી સમસમે
બેની મારો સંદેશો લઈ જા !
મારા દાદાની ડેલીએ જઈ કે'જે
તમારી દીકરીને પડિયાં દુઃખ !
દીકરી ! દુઃખ રે હોય તો વેઠીએ
દીકરી સુખ વેઠે છે સૌ !
દાદા ! ખેતર હોય તો ખેડીએ
ઓલ્યા ડુંગ૨ ખેડ્યા કેમ જાય !
દાદા ! કુવો રે હોય તો ત્રાગીએ
ઓલ્યા, સમદ૨ ત્રાગ્યા કેમ જાય!
દાદા ! ઢાંઢો રે હોય તો વેચીએ
ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય !
દાદા ! કાગળ હોય તો વાંચીએ
ઓલ્યા કરમ વાંચ્યાં કેમ જાય !
* * *

"એ આપા જાદરા ! અમે તારી ગા' કહેવાઈએ. ભલો થઈને મારી ઘોડી પાછી દઈ દે. હું તારાં પગું માં પડું છું.”

“ભણેં બાવાજી ! તું ઠાલો મફતનો રગરગ મા, ને ઘોડી તુંહે નૈં મળે. તાળે ભેખધારીને વળી રાંગમાં ઘોડું કેવાનું ?”

“અરે આપા, બીજું કાંઇ નહિ, પણ મેં ને મારા છોકરાંએ પોંચા કરડાવીને ઘોડીને ઉઝેરી છે. એ બાપ, હથેળીમાં પાણી લઈ મોટી કરી છે. અને હવે હું માગણી લેવા શી રીતે જઈશ ? મારાં બચળાં ખાશે શું ? "

“હવે ડખ ડખ કરતો ભાગ્યને આસેથી, ગોલકીના ! ભાગુ જા, નીકર પરોણો ખાઇશ.”

પાંચાળમાં થાન નામે ગામ છે. એ ગામમાં રતાનો જમાઈ જાદરો કાઠી રહે છે. આખા ગામને થરથરાવનાર એ જાદરો આજે એક ગરીબ બાવાની સુંદર ઘોડી ચોરી લાવ્યો છે અને અત્યારે બાવાજીની તથા જાદરાની વચ્ચે એ વાતની રકઝક ચાલે છે. પહેલેથી જ કમાડની આડશે ઉભી ઉભી આપા જાદરાની ઘરવાળી માંકબાઇ, રોટલા કરતી કરતી, એઠે હાથે આવીને આ વડચડ સાંભળતી હતી. પોતાનો ઘાતકી ધણી એ બાવાને સંતાપી રહ્યો છે એ દેખીને માંકબાઇનું અંતર કોચવાતું હતું. એમાં પણ જ્યારે જાદરાએ પરોણો ઉપાડીને બાવાને ઉલટો માર મારવાની તૈયારી કરી, ત્યારે તો કાઠીઆણી કંકુનાં પગલાં દેતી ઓસરીમાં ઉતરી અને અંતર પીગાળી નાખે એવા મીઠા સૂરે બોલી કે

“એ કાઠી ! ગરીબની આંતરડી કળકળાવ્ય મા; આમાં આપણી સારાવાટ નથી, અને એય ભુંડા ! ડાકણ પણ એક ઘર તજે છે હો !”

“ઇં છે ભણેં ભગતડી ? તું ભણેં નાને મોઢે મોટી મોટી વાતું કરવા આવતી સો ? ઉભી રે'જે સાધુડી ! ” કહીને જાદરો દોડ્યો. ફડાક, ફડાક, ફડાક, એમ ત્રણ ૫રોણાના ઘા પોતાની જુવાન કાઠીઆણીના ફુલ સરીખા સુંવાળા બરડા પર ખેંચી કાઢ્યા.

“બાઇ, બોન, બાપા તું શીદને મારી સિફારસ કરવા આવી ? અરેરે, બાપડી કળોયણને કોચવનાર કયે ભવ છૂટશે ?” એમ કહીને નિઃશ્વાસ નાખતો બાવો ચાલ્યો ગયો.

બીજે જ દિવસે જાદરાના ચાર બળદમાંથી એક બળદને સર્પ ફટકાવ્યો. અને બળદના પ્રાણ નીકળી ગયા. માંકબાઇને હજુ તો આગલી જ સાંજે પરોણાની પ્રાછટો પડી છે, છતાં યે એ સતી નારીએ આવીને મીઠે કંઠે પતિને કહ્યું કે

“ લે કાઠી ! કાઢ્ય કમાણી ! કાલ્ય ઓલ્યો બાવો આપણે આંગણેથી ફળીફળીને ગ્યો'તો, એનાં ફળ આપણને મળ્યાં. આપણો લાખેણો ઢાંઢો ફાટી પડ્યો. ગરીબની ધા લેવી સારી નથી કાઠી ! વિચાર વિચાર.”

જાદરાને તો એક જ વિચાર કરતાં આવડતું હતું. ફરી વાર એણે પરોણા મારીને પોતાની સ્ત્રીનું શરીર સોઝાવી નાખ્યું. માર મારીને પછી કહ્યું કે “જા ભણેં મોટી સતી ! મોલડીએ જઉને તાળા ભગતડા બાપ પાસેથી એક ઢાંઢો લઉ આવ્યા. નીકર ભૂખેં મરૂ જાશ.” એક તો ધણીનો સંતાપ, એને માથે સાસુની કનડગતઃ ઘંટીનાં બે પડ વચ્ચે દાણો પીસાય તેમ માંકબાઇ દળાઈ રહી.છે: સાસુ નિત્ય ઉઠીને મેણાં મારે છે કે તારે બાપે કાંઇ કરીઆવર ન કર્યો ! ભગતડાની દીકરી પહેર્યે લૂગડે હાલી આવી ! ઘરાણું ગાંઠું હોય તો આ સંધીનું કાંધું તો ભરવા થાત ! વારે વારે આવા ધમરોળ મચે છે, પોતાના ધણીનું ચોરેલ ધન ઘરમાં આવવાથી વારે વારે ઘરમાં મોટી નુકશાનીઓ લાગે છે, અને હરવખત માંકબાઇ પોતાને પીયર મોલડી જઇને પોતાના પિતા રતા ભગત પાસેથી ખરચીનો જોગ કરી આવે છે. જ્યારે દીકરી રોતી રોતી જાય, ત્યારે ભક્તિના રંગમાં રંગાયેલે વૃદ્ધ બાપ, માળાના પારા પડતા મેલતો મેલતો શીખામણનાં ફક્ત આટલાં જ વેણ કહે છે કે “તું જાણ ને તારું તકદીર જાણે, બાઇ ! મેં તો તને ઠાવકાં વર ઘર જોઇને દીધી, પણ તારા લલાટે લખ્યાં કોણ ટાળી શકે ? ખરચી જોતી હોય તો લઇ જા.”

પણ આજ તો માંકબાઇ ગળોગળ આવી રહી હતી. શું કરવું તે સૂઝતુ નહોતું, મનમાં બહુ બુરા મનસૂબા ઉપડતા હતા. એવે પ્રભાતને ટાણે મોલડી ગામની રબારણો થાનમાં ઘી વેચવા ઘીની તાવણો લઇ લઇને આવેલી, તે બધી જાદરાને ફળીએ બેનના ખબર કાઢવા આવી કે

“ માંકબાઈ બે...નો ! ભગતને અને આઇને કાંઇ સમાચાર દેવા છે ? ”

પોતાના પીયરની પાંચ રબારણોને આટલા હેતથી સમાચાર લેવા આવેલી દેખીને માંકબાઇને સાક્ષાત માવતર જ મળવા આવ્યાં હોય એવી લાગણી થઇ ગઇ ને એની છાતી ભરાઇ આવી. એણે કહ્યું કે “ઉભાં રો, હું તમારી સાથે જ આવું છું."

ઓરડામાં જઇ પોતાની સાસુને કહ્યું કે “ફુઇ ! હું મારે માવતરે જાઉ છું."

“કાં ! એમ જાદરાની રજા વિના જવાય ?

“હવે તો રજા નથી લેવી ફુઈ !”

“અરે નવાબજાદી ! ઓલ્યો જમદૂત જેવો હમણાં આવ્યા ભેળો જ તારી વાંસે પડશે અને તારે માથે કેર વર્તાવશે, માટે તું જાવું રેવા દે." “ના ફુઇ, હવે તો જે કરે તે કરવા દેજો, હું હવે નથી આંહી રે'વાની.”

એટલું કહી પોતાની બચકી માથા પર મૂકી, રબારણ બહેનોની સાથે માંકબાઇ મોલડીને માર્ગે પડી. રસ્તામાં એને ઝંપ નથી. પેટમાં ફડકો બહુ જ છે. ઘડીયે ઘડીયે પાછળ જોતી જાય છે.

આ તરફથી જાદરો સીમમાં આંટો દઇ ભૂખ્યો તરસ્યો ફળીએ આવ્યો, ને આવતાંની વાર જ હાકલ દીધી કે “થાળી લાવ મારે માટે."

અંદરથી માએ ઉત્તર દીધો કે “માડી, થોડીકવાર થોભ્ય."

“કાં ?”

“માંકબાઇ મોલડી ગઇ છે, ને હું હમણાં રોટલા ટીપી દઉં છું.”

“મેલડી ગઇ ! કે'ની રજા લઇને ?”

"મારી.”

“મને પૂછ્યા વગર ? આજ કાં તો એના કટકા કરૂં, ને કાં ચોટલે ઝાલીને કેડેથી આંહી ફળીઆ સુધી ઢસરડી લાવું છું.”

એટલું બોલીને કોપાયમાન જાદરાએ બગલમાં તરવાર લઇ ઘોડી ઉપર રાંગ વાળી. ભાગે તો આંબવા ન દે, ને ભાગતાને બે ભરવા ન દે, એવી તો એની ઘોડી હતી. સીમાડે પહોંચે છે ત્યાં જ એણે રબારણોના ઘેરામાં ચાલી જતી પોતાની ગભરૂ સ્ત્રીને દેખી. “ ઉભી રેજે રાંડ !” એવી ચીસ પાડીને જાદરાએ ઘોડી દોટાવી. બીજી બાજુથી હંસલી જેવી કુમળી કાઠીઆણી પોતાનો જીવ લઇને નાઠી. આખી સીમનાં માણસોમાંથી જુવાનો ચસ્કા કરતા જાદરાને વારવા દોડ્યા, ને ડોસાઓ ફાળભર્યા જોઇ રહ્યા. પરંતુ સીમના લોકોએ એક કૌતૂક જોયું ! જાદરાની ને બાઇની વચ્ચે અંતર ભાંગતું જ નથી. સહુ વાતો કરવા લાગ્યા કે “આ તે શી લીલા ! આ દોડતાં હરણાંને પણ ઝપટમાં લઇ લેનાર જાદરાની ઘોડી આજ એક ગભરૂડી અબળાને પણ કેમ આંબતી નથી ?”

બીજાએ કહ્યું કે “ભાઇ, એ દીકરી કોની ! રતીઅલ નાથની ! ગેબી બાવાનો ચેલો આપો રતો !"

ત્રીજો બોલ્યો કે “અરે ભાઇ, વાતું થાય છે કે ગેબી બાવાના માંયરામાં ચાર જણ ભેળા થઇને ચોપાટે રમે છે ? એક સૂરજ, બીજા વાસંગી, ત્રીજા ગેબી બાવો ને ચોથા આપો રતો. ચારે જણાને આંતરે ગાંઠ્યું પડી ગઇ છે. ઇ કાંઇ જેવી તેવી ભાઇબંધાઇ ન કહેવાય.”

“પણ ત્યારે પ્રથમ આપા રતાને ગેબી બાવા સાથે ભેટો ક્યાંથી થયો ?” અજાણ્યા ખેડુતે ભુંગળી પીતાં પીતાં પૂછ્યું.

“એવું બન્યું કે દરરોજ સવારે આપા રતાની વાડીની વાડ્યે એક રામ-ચાળી ચરવા આવતી, ને સાંજે ચરીને પાછી ચાલી જતી. ક્યાં જાતી એ કોઇ ન જાણે. ભગતે એકવાર નિરખીને જોયું કે આ ચાળી ગામ ભણી જવાને બદલે ડુંગરા ઢાળી કાં હાલી ? આપો હાલ્યા વાંસે વાંસે. દિ' આથમ્યો ત્યારે ડુંગરાની ઉંડી ઉંડી ગાળીમાં એક ભોયરૂં આવ્યું ને ચાળીએ બેં ! બેં ! એવા બેંકારા નાખ્યા. કહે છે કે એ વખતે કોઇ હજારૂં વરસના જૂના વડલા જેવા જટાધારી જોગંદર ગુફામાંથી બહાર નીકળ્યા. નીકળીને ચાળીને માથે હાથ ફેરવી પૂછ્યું “ક્યું ? આઇ, બચ્ચા ?” ત્યાં મહારાજની નજર આપા રતા માથે પડી. આપે પૂછ્યું :

“આ ચાળી તમારી છે મહારાજ ?”

“હાં બચ્યા, રામજીકી હે, ક્યું ? તેરા કુછ બીગાડ કીયા ?”

“ના બાપુ, બગાડ તો કાંઇ કરતી નથી, પણ મેં જાણ્યું કે રેઢી રઝળે છે તે ક્યાંક જાનવર વીંખી નાખશે. એટલે આજ મૂકવા આવ્યો.”

“રામજીકી બકરી કો જાનવર નહિ છુએગા બચ્ચા ! ફિકર મત કરે. આવ ગુફામેં !” "જોગી આપાને અંદર તેડી ગયા, ચાળીનો એક આંચળ દોહીને એ દૂધનો દૂધપાક કર્યો, અને પછી આપાને દૂધપાક, ખાખરાના પાનના દડીયામાં દઇને ખવરાવ્યો. ખાતાંની વાર તો આપાને ત્રણે ભવનની સૂઝવા મંડી. આ તે દિ'થી બેયને ભાઈબંધાઈ !"

“ઓહોહો ! એવા પુરૂષની દીકરી માથે આજ દખનાં ઝાડવાં ઉગ્યાં. આપો કેમ કાંઇ ટાળતા નથી ?”

“આપો પોતાની સિદ્ધાઇને સવારથ સારૂ ન વાપરે ભાઇ, ન વાપરે.”

“અને આ માંકબાઇ કોનો અવતાર છે, ખબર છે !”

“ના ભાઇ, કોનો ?”

“એ માયાનો !”

“શી રીતે ?”

“ઇ તો આપો રતો એક દિ' ખેતરમાં સાંતી હાંકવા ગયા'તા. જરાક સાંતી ચાલે ને કોશ જાણે જમીન હેઠળ કો'ક કડામાં ભરાઇ જાય: ડગલે ને પગલે કોશ ભરાય ! આપાને થયું કોત્યક ! એણે તે ધરતી ખોદીને જોયું તો માયાના ચરૂ ને ચરૂ ! માથે ધૂળ વાળી દૈને આપે હાકલ કરી.

“ભણે માતા લખમી ! તારો લલચાવ્યો હું નહિ લલચાઉં. હું રતો ! હું પરસેવો નીતારીને પેટ ભરનારો ! ભલી થઇને મારગ મેલી દે, ને તેમ છતાં જો તારે ઇરખા થાતી હોય તો પેટ પડીને સંતાપી લે માવડી !”

“એટલે માયા માંકબાઇ થઇને અવતરી છે !”

એવી વાતો કરતા કરતા ખેડુતો ખભે ખંપાળી ઉઠાવીને મોલડી ગામ તરફ ચાલ્યા ગયા.

હમણાં જાણે હૈયું ફાટી પડશે એવી, કોઇ ઘવાયેલી સસલીના જેવા શ્વાસ ભરતી દીકરીએ દોડી આવીને “મા ! મા ! શબ્દે ચીસો પાડી પોતાનો દેહ પોતાની માના ખોળામાં પડતો મેલી દીધો છે. માતા એના આખા શરીરે હાથ ફેરવી, હૈયા સરસી દબાવી લઇ, “માડી ! શું થયું ! શું થયું મારાં પેટ !” એવે શબ્દે દીકરીને શાંત પાડે છે. આખા ગામમાં કળેળાટ બોલી રહ્યો છે, માણસોનાં ટોળાં ઉમટ્યાં છે, છતાં પણ ચોપાટમાં બેઠેલા આપા રતા ભગતના હાથમાં જે માળા ફરે છે, તે તો ફરતી જ રહી છે. એનું અંતર આ દુઃખના દેખાવથી જરાયે ચળતું નથી. એના મુખ ઉપરની એક રેખા પણ બદલતી નથી. આવું જડ હૃદય જોઇને કાઠીઆણીએ બૂમ પાડી કે

“અરે ભગત ! હવે તો ભગતીની અવધિ થઇ ગઇ. આમ તો જોવો, આ બાળકીને આખે ડીલે સોટા ઉપડી આવ્યા છે !”

માળાના પારા પડતા મેલતા મેલતા પતિદેવ બોલ્યા કે “ભણે, કાઠીઆણી ! એમ દીકરી આંસુડાં પાડતી પાડતી સાસરીયેથી નત્ય ઉઠુને પીયરમાં ભાગુ આવે, એને મન મ્હોં નો દઇએં, બાકી તો કાણો કરવો ? જેવાં આપણાં ભાગ્ય ! ને જેવા દીકરીનાં લખત !”

ત્યાં તો પિશાચ જાદરો આવી પહોંચ્યો. આખે શરીરે પરસેવો નીતરી રહ્યો છે, ને આંખમાં લોહી ટપકે છે. શ્વાસે લેવાઈ ગયો છે. ગામને ઝાંપેથી એને માથે પીટ પડતી આવે છે. ઘોડી દોટાવી દોટાવીને થાકી ગયો છે તો પણ બાયડીને આંબી નથી શક્યો, એ વાતની મર્મ-વેદના પણ એને વીંધી રહી છે. ભગતની ડેલીમાં પગ મૂકતાં જ એ પાપી પણ અદબથી ચુપ થઇ ગયો. અને એનાં પગલાં સાંભળતાં જ દીકરી, કોઇ શિકારીના હાથનું સસલું લપાય તેમ માતાની ગોદમાં લપાઇ ગઇ. જાદરો પોતાનો કાપ મનમાં શમાવીને આપા રતા પાસે જઇ બેઠો.

“આવ્ય. બાપ જાદરા ! આવ્ય. બેસ ભાઇ.” એવા મીઠા શબ્દો કહીને ભગતે ભાણેજને પોતાની બાજુમાં બેસાડ્યો. છાશ પીવા ટાણે બન્ને જણા એક ભાણે જમવા બેઠા, રાતે વાળુ પણ બન્નેએ સાથે બેસીને કરી લીધું. પણ પોતાની દીકરી ઉપર જુલમ ગુજારવાની વાત ભગતે જરાયે છેડી જ નહીં. જાદરાને પણ લાગ્યું કે મામો કેટલા બધા સાગરપેટા છે !

વાળુ કરીને આપા રતાએ દીકરીને કહ્યું “ ભણેં ગીગી, બાપ મુંહે બે ગાભા ગોદડાંનાં દઉ દે. એટલે હું તલને ખેતરે વાસુ વયો જાઉં.”

ભાદરવો ઉતરીને આસો બેસતો હતો. આપા રતાના ખેતરમાં ઉંટ ઓરાઈ જાય એવડા તલ ઉભા હતા. અને એ તલનું રખોપું કરવા ભગત પોતે જ રાતવાસો જંગલમાં રહેતા હતા.

“અને ભણેં, કાઠીઆણી, જાદરાને અાસેં જ પથારી કરૂ દેજે હો ! ”

“ના મામા, માળે તો તમાળી હારે આવવો સે.”

“બહુ સારો. લાવ્ય બાપ ! બે બીજા ગોદડાં.”

એમ બબે ગોદડાં ખભે નાખીને અંધારી રાતે મામો, ભાણેજ ખેતરે ચાલ્યા. જઈને ભગતે તો આજુબાજુથી લાકડાં લઈને દેવતા સળગાવ્યો. અને પોતે તાપવા લાગ્યા.

ભણેં જાદરા, તું તારે આડે પડખે થઉ જા. મુંહે તો નીંદર નસે આવતી. મું તો બીઠો બીઠો પરભુની માળા કરીશ.”

“પ્રભુ” એવા શબ્દ સાંભળતાની વાર જ દાંત ભીંસવા લાગનાર જાદરો ગોદડાં પાથરીને માટીમાં લાંબુ ડીલ કરી સૂવા લાગ્યો. થોડી વારમાં તો એને ઘસઘસાટ ઉંઘ જામી ગઈ.

બાવળના વેરામાંથી અગ્નિની ગુલાબી ઝાળો નીકળે છે, અને આજુબાજુના આધેરા ડુંગરા ભગતના અબાલ ભેરૂબંધો જેવા ઝળહળી ઉઠે છે. અલખ ધુણીની આસપાસ વીંટળાઈને જુગજુગના જુના તપેશ્વરીઓનું ટોળું તાપવા બેઠું હોય એમ પાંચાળના ડુંગરા યોગાસન વાળીને ચારે ફરતા બેસી ગયા છે. આસમાનમાં નવ લાખ ચાંદરડાં પણ આપા રતાની ધુણીની જ્યોતનાં દર્શન કરતાં જાણે ઉભાં છે. આટલા બધા તારલા આટલા બધા ડુંગરાઃ આટલાં બધાં નાનાં મોટાં ઝાડવાંઃ અાસો મહિનાની અંધારી અધરાતે એક જ માનવીનાં ગણ્યાં ગણાય નહિ તેટલાં બધાં સંગાથી: પણ કોઈ કોઈને કાંઈ કહેતું નથી. સહુ સામસામાં મુંગી વાણીમાં ગેબી વાતચીતો કરી રહ્યાં છે. એમ થોડીક વાર વીતી. અધરાત ભાંગી, અને ભગતે જમણે પડખે ડુંગરા માથે નજર ઠેરવીને ચૌદ ભુવનને જાણે સંભળાવવું હોય એવો સાદ દીધો,

અરે ભણેં મોતીરામ એ...........મોતીરામ !”

“ આં...હાં....ઉંહ ! ” એવો ઘોર અવાજ, પહાડોના પત્થરે પત્થરને ધણેણાવી નાખતો ભગતની હાકલના જવાબ તરીકે સંભળાયો. જાણે કે દૂર દૂર બાવળનાં ઝાળાંમાંથી કોઈક આળસ મરડીને ઉઠ્યું હોય એવું લાગ્યું. ભગતે ફરીવાર સાદ દીધો,

“અરે મોતીરામ ! ભણેં તાપવા હાલો તાપવા ! મઉ થાવ મા, નીકર સવારે ઠરૂને ઠીકરૂં થઈ રે'શો. હાલો, હાલો, ધુણીએ બેસુને બેય જણા વાતુંના ચુંગલા કરીએ, હાલો, આમ એકલાં બેઠે કાંઈ રાત નીકળશે ?”

ભગતનાં વચનો જાણે પોતે સમજ્યો હોય તેમ એક સાવઝ સામા ડુંગરની ઝાડીમાંથી નીચે ઉતર્યો. કેવું એનું રૂપ ! ગોળા જેવડું માથુ : પોણા પોણા હાથની ભૂહરી લટોઃ ગેંડાની ઢાલ જેવડી છાતી: કોળીમાં આવે એવી કમ્મર: થાળી થાળી જેવડા પંજા: એવો સાડા અગીઆર હાથ લાંબો કેસરી ઉતર્યો. માર્ગે દોઢેક વાંભના પૂછડાંનો ઝુંડો કરીને ફંગોળતો આવે છે. પોણા પોણા ગાઉ ઉપરથી વીસેક ભેંસોની છાયા ફરતી હોય એવા અવાજે એની છાતી વાગતી અાવે છે. ગળું ઘુમવટા ખાતું આવે છે. બે મશાલો બળતી હોય એવી બેય અાંખો અંધારામાં ટમકારા કરતી આવે છે. મોઢા આગળ પોણા પોણા શેરના પત્થરોની ચણેણાટી બોલતી આવે છે: અને અાં....હું ! અાં....હુ ! એવી લા નાખીને ભગતથી આઘે ઉભાં ઉભાં જે ઘડીએ એણે પગની ખડતાલ મારી તે વખતે એક ગાડા જેટલી ધુળ નાડા વા નાડા વામાં ઉડી પડી.

“આવો ! અાવો મોતીરામ ! આવો બાપા !” એમ ભગત પંપાળવા મંડ્યા, અને સાવઝ નાના ગલુડીયાની માફક ભગતના પગમાં આળોટતો આળોટતો હાથપગ ચાટવા મંડ્યો. ભગતે એ પશુના પગ ઝાલીને દાબતાં દાબતાં પૂછવા માંડ્યું કે “કાં બાપ ! નરસંગ ! ક્યાંય કાંટો બાટો તો નસેં લાગો ને ?”

ભગતના પગ ચાટીને અને ભગતને ખંભે પોતાનું માથું મેલીને સાવઝ પોતાનો થાપો ઉંચો કરે છે. ભગત નાનો ચીપીયો લઈને એક અાંગળી જેવડો લાંબો શુળો સિંહના પંજામાંથી ખેંચી કાઢે છે. સાવઝ એ કાંટો કાઢનારા હાથને અનોધા હેતથી ચાટવા મંડી પડે છે.

“હા, અને ભણેં મોતીરામ ! આજ ગંગારામ કીસે ગો ?” બીજી બાજુની ઝાડી સામે મ્હોં માંડીને સિંહ સમજાવે છે કે પોતાનો સાથી એ તરફની ગુફામાં બેઠો છે.

“ઇસે બેઠો છે ? ઠીક !” એમ કહીને ભગતે સાદ દીધો “ ભણેં ગંગારામ ! એ...ગંગારામ !”

અવાજ આવ્યો: અાં...ઉંહ...અાં !

“એ હાલો હાલો, મોતીરામ આદા સે. હાલો ધુણી ધખુ ગઈ છે. હાલો માળા જોંગધર, ઝટ હાલો ! નીકર ટાઢ્યના ઠરૂ રે'શો. ”

પૂછડું માથે લઈને બીજો સિંહ ઉતર્યો. ડુંગરાના પાયા જાણે હમણાં હલમલી હાલશે એવી ત્રાડ દેતો આવ્યો. અને બન્ને સિંહો ભગતના પગ પાસે ગલુડીયાં આળોટે તે રીતે આળેાટવા લાગી ગયા. જાણે પશુડાં સમજતાં હોય ને એ રીતે ભગત વાતોએ ચડ્યા. ધુણીની આસપાસ ત્રણે તપસ્વીઓનું જાણે મંડળ બંધાઈ ગયું. ભગત જીભથી બોલે છે, અને સાવઝોની તો અાંખો જ કોઈ અગમ નિગમનાં વેણ ઉચારી રહી છે. અનહદના દરવાજા ઉધડી ગયા લાગે છે.

વાતોમાં ને વાતોમાં એક પહોર વીતી ગયો. ત્રીજે પહોરે આભના તારલા જેમ તેજસ્વી બન્યા, બબે ગાઉ આઘેનાં નેહડાં પાસે કાઈ પહર ચારવા નીકળેલા રબારીએાની, ચડતા ઉતરતા સુરની મીઠી સરજુઓ સંભળાવા લાગી, વાડીએ વાડીએ અને ખેતરે ખેતરે તાપણાં બળતાં હતાં તે જેમ એાલવાતાં ઓલવાતાં અણસરખી જ્વાળાઓ કાઢવા લાગ્યાં, ત્યારે બન્ને સાવઝોનાં શરીર સંકોડાવા મંડ્યા. અને બન્ને એક બીજા સામે જોવા લાગ્યા. ભગત સમજી ગયા.

“કાં બાપ ! ટાણો થઉ ગો ? ભલે, જાવ. ભૂખ્યા થીયા હશો. એટલે જાવ ચારો કરવા પણ જો જો હો બાપ ! ગવતરીને મારીએ નહિ. ગવતરી તો મા ભણાય. અને તમે તો નરસંગ છો. ખાધાની બીજી જણશું ક્યાં ઓછી છે ? જાવ, પાછા કાલ્ય તાપવા આવજો હોં !”

આળસ મરડીને બેય સિંહ ઉભા થયા. બેય જણાએ ભગતને ખંભે પોતાની ગરદનો ચાંપી. અને ભગતના પગ ચાટીને બન્ને ચાલી નીકળ્યા. અંધારી અટવી અાં...ઉંહ ! અાં...ઉંહ ! એવા અવાજે કાંપી ઉઠી. ધીરે ધીરે સિંહના શોર શમી ગયા. આખરે ઉગમણી દિશા કંકુવરણી થવા લાગી, પંખીના માળા જાણે ઝાડવે ઝાડવે લટકતાં કોઈ ઈશ્વરી વાજીંત્રો હોય તેમ જૂજવે સૂરે ગુંજી ઉઠ્યા.

જાદરો ઉઠ્યો. પોષ મહિનાની કડકડતી ઠંડીમાં કૂતરાં જેમ પોતાના ચારે પગ, પૂંછડી અને મોઢું પેટાળમાં ગોઠવીને થીજી ગયાં હોય તેમ જાદરો પણ ટુટીઆં વાળીને આખી રાત કૂતરા-કુંડળ થઈ ગયો હતો. એ જમઝાળ લૂંટારાએ અધરાતે બે વિકરાલ સિંહોને પોતાના સસરાના પગમાં લોટતા દીઠા હતા. એના રોમે રોમમાંથી પરસેવાનાં પાણી નીતરી ગયાં. એની કાયા થર! થર ! કાંપતી હતી, નજરોનજર એણે આજ પોતાની સતી સ્ત્રીના બાપની ગુપ્ત સિદ્ધિ જોઈ લીધી. ઉઠીને, કાંઈ બોલ્યા ચાલ્યા વગર, જાદરો પ્રભાતે ભગતના પગમાં જેમ લાકડી પડે તેમ આખો ને આખો પડી ગયો. ભગત પણ કાંઈ બોલ્યા નહિ. જાણે કાંઈ જાણતા જ નથી.

ખભે ગોદડાના ગાભા નાખીને મામો ભાણેજ ગામમાં જવા ચાલી નીકળ્યા.

(૩)

“કોં બાપ જાદરા ! અટાણમાં કાણા સારૂ આંટો ખાધો ?”

“મામા, કાલ સાંજે વાછરૂ વગડામાં રહી ગયું 'તું તે ગોતવા નીકળ્યો'તો.”

એમ બીજે દિવસ પ્રભાતથી જાદરાએ રોજે રોજ સેાનગઢથી મોલડી સુધીનો પંથ શરૂ કરી દીધો. રોજ અંધારામાં ઉપડે છે. અને મહારાજ ઉગીને સામા થાય તે સમયે મોલડી પહોંચીને ભગતના ચરણમાં માથું ઝુકાવે છે. તૂર્ત જ પાછો ચાલી નીકળે છે. ભગત ઘણું કહે કે “ ભણેં ભાણેજ, છાશું” પીને પછેં જાજે. " પણ જાદરો રોકાતો નથી. એના અંતરનું બધું ય વિષ જાણે ઉતરી ગયું છે.

એમ રોજ રોજ કંઈક ને કંઈક બહાનાં બતાવીને જાદરાએ ચાર દિવસ ભગતને ફોસલાવ્યા. પણ પાંચમે દિવસે તો મામાએ કાંડું ઝાલીને પૂછ્યું “ભણેં જાદરા, નત્ય ઉઠુને દશ ગાઉનો પંથ કાણા સારૂ કરી રીયો છો ! ભણું નાખ્ય. ”

“કાંઈ નહિ મામા. તમણાં દર્શન સાટુ !”

"માળો દરશન ! માળો દરશન કર્યો કાણું વળવાનો ? માળો મોઢો તો બાપ, ખાસડે માર્યો જીમો છે. હવે કાલ્યથી આવીશ તો માર્યા વન્યા નહિ મેલું. ”

“મામા, મેં તો નીમ લીધો છે.” “નીમ કાણાનો ?”

“રોજ પ્રભાતે તમણાં દરશન કર્યા પછી જ મ્હોંમાં દાતણ નાખવાનો.

ખડ ! ખડ! ખડ! ખડ! દાંત કાઢીને ભગતે કહ્યું, "જાદરા! ઈમડો બધો દાખડો રે'વા દે. હું તુંહે મારગ દેખાડાં. તાળા જ થાન ગામમાં મેપો ભગત છે ને મેપો ?”

“મેપો કુંભાર ?”

“હા, ઈ મેપો પરજાપત છે ને, એને રોજ જઇને પગે પડજે, એટલે હું એમાં આવી રીયો. અમે બેય ગેબી બાવાના ચેલા છીએ. મેપાને પગે પડ, ઇ તુંહે પરમોદ દેશે.”

“અરે મામા, તમે આ શું બોલો છો ? મેપો ટપલો મોટો ભગત છે ?"

“હા ભાઇ, મેપો ટપલો. એનો ટપલો જેને માથે પડે છે, એનાં તો અંતરનાં કમાડ ઉધડુ જાય છે ભાઇ ! તું એની પાસે જા.”

અજાયબ થાતો થાતો જાદરો ચાલ્યો ગયો : મનમાં થયું કે ઓહોહો ! માળું કાદવ ખુંદનારો કુંભાર મોટો ભગત !

થાન ગામના કુંભારવાડામાં, માખણના પીંડા જેવા મુલાયમ ગારો ચડાવીને, મેપો કુંભાર પોતાની ફેરણી વતી ચાકડો ચક્કર ચક્કર ફેરવે છે, અને એ માટીના પીંડામાંથી એક પછી એક ધાટ ઉતારતો ઉતારતો ઈશ્વરનાં ભજનો લલકાર્યે જાય છે. ચાકડો ફરે છે, તેમાં ચૌદ-લોકનું ચક્ર ફરતું હોવાનું દર્શન કરી મેપો આનંદના ઉછાળા મારે છે. આ બ્રહ્માંડને ચાકડો ફેરવવા બેઠેલા કોઇ મહાન પ્રજાપતિની લીલા વર્ણવે છે, અને જેમ જેમ ઘાટ ઉતરતો જાય છે, તેમ તેમ પોતાની જુવાન દીકરીઓ ને જુવાન દીકરા-વહુઓ એ વાસણો સારી સારીને સૂકવવા લઇ જાય છે. કુંભારના કુળની જુવાન વહુદીકરીઓ વાને ઘાટે રૂડી-બહુજ રૂડી છે. શરીરો ગારામાં ગુરકાવ છતાં પણ રૂડપ ઢાંકી રહી શકતી નથી. ફળીઆમાં ગધેડાનાં નાનાં નાનાં શ્વેતવરણાં ખેાલકાં ગેલ કરતાં કરતાં છલાંગો મારે છે.

એવે પ્રભાતને ટાણે ગળામાં માળા નાખીને જાદરો આવી પહોંચ્યો. આવીને કહ્યું “ભગત રામ રામ !”

“રામ રામ ! આપા જાદરા.”

એમ ભગતે સામા રામ રામ તો કર્યા, પણ એના અંતરમાં તૂર્ત ફાળ પડીઃ આ કાગડાના મ્હોંમાં આજ 'રામ' ક્યાંથી ? અને આ મલકનો ઉતાર આજ મારે ફળીએ શીદ આવ્યો હશે ?

વહુ-દીકરીઓ પણ આ અસૂરને દેખી, પોતાનાં નિર્દોષ અર્ધ ઉઘાડાં શરીરને સંકેાડવા લાગી. આડો સાપ ઉતર્યો હોય તેમ સાવધ બનીને ચાલવા માંડી. “એ પીટ્યાનો તો ઓછાયો યે આપણાં અંગને ન અડવો જોઇએ” એવી વાતો થઇ રહી.

જાદરો ચુપચાપ બેસીને ચાલ્યો ગયો. બીજે દિવસે આવ્યો ને ગયો. ત્રીજે દિવસઃ અને ચોથે દિવસે જેવો એ આવ્યો તેવો તૂર્ત જ એને મેપા ભગતે બાવડે ઝાલ્યો:

“આપા, રોજરોજ આંહી શીદ આંટા ખાઓ છો ?”

“કાંઈ કામે નહિ ભગત ! સુવાણે તમારો સત્સંગ કરવા.”

“સત્સંગ ! તારે ને સત્સંગને શા લેવા, દેવા કાઠી ? આવ્યો ઈ આવ્યો, પણ હવે જો આવ્યે છો ને, તો આ ફેરણીએ ફેરણીએ વાંસો ખોખરો કરી નાખીશ. હાલ્યો જા બહાર.”

“બહુ સારૂં ભગત ! અંદર નહિ આવું.”

એટલા સુંવાળા શબ્દો બોલીને જાદરો ચાલ્યો ગયો. બીજા દિવસનું પ્રભાત પડ્યું, મેપા ભગતે ચાકડો ફેરવતાં ફેરવતાં પ્રભાતીયું ઉપાડ્યું કે

રૂદીયામાં રે'જો
એ જી મારા રૂદીયામાં રે'જો !
એ જી સુરજ વસે છે વ્રેહમંડ ગોખમાં
તેમ મારા રૂદીયામાં રે'જો !

ભગત ગાતા ગાતા વાસણ ઉતારે છે, અને વહુ-દીકરીઓ વાસણ સૂકવે છે, એવે ટાણે દીકરીએ ખડકીના બારણા ઉપર મીટ માંડીને કહ્યું “ આતા, કો'ક તરડમાંથી છાનુંમુનું ડોકાતું લાગે છે !"

ચાર-ફેરણી લઇને મેપો ઉભો થયેા. ભજનના સૂર ભાંગી પડ્યા. ધુંધવાતે હૃદયે ખડકી ઉઘાડી. જુએ તો જાદરો.

કાંઇ પણ બેાલ્યા ચાલ્યા વિનાં, ચાકફેરણી ઉગામીને ભગત ઉતરી પડ્યા. ફડ ! ફડ ! ફડ ! એવા ત્રણ સેાટા જાદરાની પહોળી પીઠ ઉપર ખેંચી કાઢ્યા. અને ત્રાડ દીધી “ચોલટા !”

કુંભારના હાથના ત્રણ સોટા પડતાં જાદરો બેવડ વળી ગયો. પણ મ્હોંની એક રેખા યે ન બદલવા દીધી. જેવો હસતો હતો તેવો જ હસતો રહ્યો.

“જાછ કે નહિ ?” ફરી ત્રાડ પડી.

“નહિ જાઉં ! હવે તો નહિ જ જાઉં !"

એટલું કહીને ગળગળે કંઠે જાદરાએ પગમાં પડી, ભગતના ગારાવાળા ચરણો ઝાલી લીધા. પગ ચાંપવા માંડ્યો.

ભગત ટાઢાબોળ થઇ ગયા, જાણે ચંદનનો લેપ થઇ રહ્યો હોય ને, એવું કાંઇક પગમાં થવા લાગ્યું. ભગતે જાદરાનું લલાટ વાંચી લીધું:

“બાપ જાદરા ! સીધ્યો ?”

“તમારી દયાથી !”

“બાપ નાના બાલુડાને તેડે તેમ ભગતે જાદરાને છાતીએ લઇ લીધો અને માથે પોતાનો હાથ મેલ્યો. એની પીઠ પર પોતાનો પજો નીમજ્યો, ત્યાં તે જાદરાની સૂરતા જગતભરમાં રમવા માંડી. એનો માયલો મરી ગયો.

(૪)

જે પ્રભાતના પહોરમાં જાદરા ભગતના ઘરની પછવાડે રડારોળ થઇ રહી છે. સાંભળનારને પણ આંસુડાં પડે એવા વિલાપ અધરાતથી મંડાઇ ગયા તે હજુ સુધી અટક્યા નથી. માંકબાઇએ ડેલીએ આવીને પતિને કહ્યું:

“ભગત, આ સાંભળો છો !”

“કોણ રૂવે છે ?”

“આપણા ટેલીઆની વહુ.”

“કાં ?""

“એનો પાંચ વરસનો દીકરો ફાટી પડ્યો. ભગત મારાથી એના વિલાપ સાંભળ્યા જાતા નથી. હવે તો મારી છાતી હાથ નથી રહેતી. ઓહોહો ! આપણી ઓથે આવેલાને આવડું બધું દુ:ખ ?”

“શું કરીએ કાઠીઆણી ! લાખ રૂપીઆ દીધેય કાંઇ કાયાનો કુંપો ફુટ્યો ઇ સંધાય છે ? આપણે એના બાળકને શી રીતે બેઠો કરી શકીએ ?”

“પણ મારાથી એની માનું રોવું હવે નથી સંભળાતું. તમે આપા મેપાની પાસે જાશો ?”

“જઇને શું કરૂ ?”

“એના પગુંમાં પડો. એને ઘણાંય ખેાળીયામાં પ્રાણ પાછા મેલ્યા છે.”

હાથમાં માળા લઈને જાદરો કુંભારવાડે ઉપડ્યો. માંકબાઇ પણ પાછળ પાછળ ગયાં. બેય વર-વહુએ મેપાના ચરણ ઝાલીને આંસુએ ભીંજવી નાખ્યા. “શું છે બાપ ? શું છે ગીગા !”

“બાપુ ! ઓલ્યા કોળીની બાયડીના વિલાપ મારાથી સાંભળ્યા જતા નથી. એના છોકરાને બેઠો કરો.”

“બેટા, મડાં ક્યાંય બેઠાં થાય ?”

“તમથી શું ન થાય ?”

“પણ બાપુ, હુ કાંઇ પ્રભુનો દીકરો નથી, અને ભગવાનની મરજી હોય તો મરેલાં યે બેઠાં થાય, પણ એકને સાટે બીજું પ્રાણ દેવા તૈયાર હોય તો !”

“અરેરે બાપુ ! બીજા કોને લઇ આવીએ ? કાંઈ માણસના જીવ વેચાતા મળે છે ?”

ખીજાઇને મેપાએ કહ્યું, “એ બાઇ, બહુ પેટમાં બળતું હોય ને, તો પોતાના છોકરાનું આવખું કોળીના દીકરાને દઇ દઇએ ! ઠાલા દયાના ડોળ ઘાલો મા.”

પોતાનો છોકરો ! એનું આયખું ! એવાં વેણ સાંભળતાંની વાર તો ધણીધણીઆણી થંભી ગયા. એક બીજાની સામે ટગર ! ટગર ! બન્ને જણાં જોઇ રહ્યાં. બન્નેનાં મનની ઢીલપ જોઇને મેપાએ ફરીવાર કહ્યું:

“જાવ બેય જણાં, એકલાં બેસીને પરિયાણ કરી આવો. એમ પરિયાણ કરતાં કરતાં બપોર કરજો, ત્યાં કાળીનો છોકરો શમશાને સળગી રહ્યો હશે ! જો મારાં વાલીડાં પારકી દયા ખાવા આવ્યાં છે !”

“પરિયાણ વળી શું કરવું'તું ?” જાદરો બોલ્યો, “ ઇ છોકરામાં મારો જીવ કાંઇ ગરતો નથી. કાઠીઆણી, તું જાણ ને તારો ગગો જાણે. પછી મને આળ દેતી નહિ.”

જનેતાનો જીવ ! બે ઘડી અકળાયો. છોકરો નજર આગળ તરવરવા લાગ્યો. હૈયામાં કાંઇક જાણે થઇ ગયું. અને પછી કઠણ છાતી કરીને જનેતા બોલી “બાપુ ! મારો છોકરો હું દઇ ચૂકી.” “તો જા લઈ આવ.”

માતા દોડીને ઘેર ગઈ. જઈને છોકરાને નવાં ઘરેણાં લૂગડાં પહેરાવ્યાં. દીકરીને તેડીને ભગત પાસે ચાલી માર્ગે દીકરો માતાને પૂછે છે કે

“હેં માડી, આપણે ક્યાં જઈએ છીએ !”

“તને પરગામ મેલવો છે ભાઈ !"

દીકરો હરખાતા હરખાતા માની અાંગળીએ વળગીને ચાલ્યો આવ્યો. માએ કહ્યું “લ્યો બાપુ, આ છોકરો.”

બરાબર એજ ટાણે કોળીના દીકરાનું શબ લઈને લોકો રોતા કકળતા નીકળ્યા. અને પાછળ એની માતા માથાં પછાડતી ચાલી આવે છે. ભગતે કહ્યું :

“મડદુ રોકી રાખો ભાઈ !”

શબ નીચે મૂકાવીને ભગતે જાદરાના નાના દીકરાને કહ્યું “બેટા, આ ભાઈ સૂતો છે ને, એના કાનમાં નીચે વળીને બોલ, કે તારે સાટે મને જવા દે.”

કોણ જાણે કેવા યે દેશમાં રમતો રમવા જાવાનું હશે, એવા ઉમંગે દીકરાએ નીચે વળી કોળીના પુત્રના શબને કાનમાં કહ્યું. કહેતાં જ એનો જીવ જૂનું ખોળીયું ખાલી કરીને કોળીના છોકરાના શબમાં પેસી ગયો.

છોકરો જાગીને પોતાની જનેતાને ગળે બાઝી પડ્યો. અને જનેતા વિલાપ છોડીને “બાપુ તું ક્યાં હતો ? ક્યાં હતો બેટા !” એમ કહેતી ચુમીઓના મે વરસાવવા લાગી.

પોતાના ટેલવાનાં સુખ નિહાળીને જાદરાની અને માંકબાઈની અાંખો ઠરી. એજ ઠેકાણેથી, એજ સોડ્ય એાઢાડીને વર વહુ દીકરાને ઉપાડી શ્મશાને ચાલી નીકળ્યાં.

“જાદરા !” મેપા ભગતે ભવિષ્ય ભાખ્યું, “મારા કૂળમાં થાશે ઇ બધા તો મલકને ઠોશરાં પૂરશે, પણ તારા વંશના તો એક પછી એક ઓલીયા દુનિયાને અનાજ પૂરશે, તું તો રામદેપીરનો અવતાર છો ભાઈ !”

“હું તો રતા ભગતના પગની ધુળ છું મેપા ભગત ! મને એંકાર આવે એવું બોલો મા ! મને મારા પાપ ધોવા દ્યો.”

(૫)

"બાપુ! આજ ઘોડાં તરસ્યાં મરે છે."

“કેમ ?”

“આજ પાણી ઘેરવાની વેઠ્યનો વારો ઓલ્યા મેપા ભગતડાનો હતો. કોઈ દિ' વેઠ્યે નહોતો આવતો ને આજ ચાહીને લઈ આવ્યા. પણ મેપાએ તો એક જ માણ્ય ભરી લાવીને ટીપું ! ટીપું સહુ ઘેાડાં પાસે રેડી દીધું છે. બીજી વાર માણ્ય ભરી જ નથી આવ્યો.”

“આપણે ફરીવાર ઘોડાં ઘેરો તો !”

દરબારના ચાકરોએ ઘેાડાહારમાં કુંડીઓ ભરી ભરીને પાણી મેલ્યાં. પણ એકેય ઘોડું અંદર મ્હોં યે નથી બોળતું, બધાં પાણી પીને તૃપ્ત બનેલાં ઉભાં છે. ખાસાં મઝાનાં હણહણાટી મારતાં ઘાસ ખાય છે. દરબારને લાગ્યું કે મેપાની પાસે કોઈ મહાન સિદ્ધિ છે. મેપાને તેડાવીને દરબારે કહ્યું કે “ભગત, તમારા ઘરની વેઠ્ય આજથી બંધ છે.”

“ઠાકર તમારૂં ભલું કરશે.” એટલી દુવા દઈને મેપો ચાલ્યો ગયો.

મેપાનું ખોરડું ગરીબ, અને આંગણે રોટલો ઘણો બહોળો અપાય. સાધુસંત ત્યાંથી ભૂખ્યો પાછો નથી ફરતો. મેપાને અાશા આવી કે દરબારની અરજે જાઈશ તો વેરો પણ માફ થશે. જઈને દરબાર પાસે સવાલ નાખ્યો કે “બાપ, વેરો છોડી દ્યો, તો પાંચ અતિથિને જમાડ્યાનું પૂણ્ય તમારે નામે ચડશે. મારે કાંઈ માયાને ઘરમાં સંઘરવી નથી. ”

“જોયું બાપુ ! ” પડખીઆએાએ દરબારના કાન ભંભેર્યા, “આ વસવાયાંની જાત મહા કપટી ! વેઠ માફ કરી ત્યારે વેરો સોત ગળી જવાની દાનત થઈ ! ગોલાં તો દબાવ્યાં જ પાધરાં !”

“સાચું ! ગોલાં તો માર્યે પીટ્યે જ પાધરાં. વેરો નથી દેતો તે બાંધો એ કમજાતને આ વડલાને થડ. ”

કસકસાવીને રાજનાં માણસોએ ભગતને વડલાના થડ સાથે ઝકડી લીધા. ભૂખ્યા ને તરસ્યા ભગત બંધાએલા રહ્યા. ગામમાં કળેળાટ બોલ્યો. ઇર્ષ્યાળુ હતાં તેને આનંદ થયો.

દરબારના જુલમની વાત છેવટે જાદરાને કાને ગઈ. ખેતરેથી આવીને ભૂખ્યો જાદરો ભાણા ઉપર બેસે છે ત્યાં જ માંકબાઈએ કહ્યું “કાઠી, ગરૂને તો દરબારે બાંધ્યા છે.”

ભાણું ઠેલીને જાદરા ભગત ઉભા થયા. ચાલ્યા. છેટેથી એણે એ દેખાવ જોયો. જોતાં એનું દિલ બહુ કોચવાયું.

“હાં ! હાં ! જાદરા ! ” અટાણે ક્યાંઈક અવળું વેણ ન બોલાઈ જાય હો !”

“અવળું વેણ તો બીજું શું બાપુ ! પણ તમને બાંધ્યા તોય હજી આ વડલો કાં લીલો રહ્યો ?”

જાણે પોતાનો અપરાધ કબૂલતો હોય તેમ વડલો સૂકાવા લાગ્યો. એની આખી યે ધટા ભસ્મ થઈ ગઈ. [આજ પણ એ શાપિત વડલો થાનમાં ઉભો છે.]

“હાં ! હાં ! હાં ! જાદરા ! જો ગઝબ ન થાય. લાખુંના પાળણહારને માથે પ્રભુનો સેવક ન જાય હો બાપ ! નીકર પીરાણું વગેાવાશે. અને આપણે કાળમુખા કહેવાશું. ”

તે દિવસથી મેપા ભગતનાં કુટુંબનાં વેઠવેરો બંધ થયાં. અને આજ સાડા ત્રણસો વરસે પણ બંધ જ છે.

  • જાદરા ભગતના બીજા નીચે લખ્યા પરચા કહેવાય છે :

૧. મૈકા ગામમાં એના ચેલકાઓએ બકરી મારેલી તે જીવતી કરી મેળામાં અનાજ પૂર્યું .

પાદર જે મૈકા તણે, કણ સજીયા કોઠાર,
જાદ૨ જેજેકાર, ધરા, બાધીમાં ધાનાઉત.

ર. એક રબારીએ ચોવીસ મોઘરી વ્હોરાવી તેને બદલે ભગતે ચોવીસ ગાયો દીધી :

ભગતે દાળીદ૨ ભાંગીયાં, થાનક વાતું થાય,
મોઘરીયાં સાટે ગાય, ઝોપી અાપે જાદરે.

૩. ::આયો કાંડોળે અલખ, સત ધાનડ સરઠે.

મુવા મડાં ઝકે, તેં જીવાડ્યા જાદરે.

આ ત્રણે પરચામાંથી એની કશી મહત્તા કે પવિત્રતાનું તત્ત્વ નથી , મળી શકતું. તેથી એને આપણે કશું મહત્ત્વ ન જ આપી શકીએ.

સંપાદક
(૬)

કુંભાર ભગત મેપાનું વેણ બરાબર ફળ્યું છે. જાદરાનો એક દીકરો પારકા છોકરાને જીવ આપી નાનપણમાં સ્મશાને ચાલ્યો ગયો. પણ તેને બદલે ઈશ્વરે માંકબાઈને પેટે એક પુણ્યાત્માને અવતાર્યો. એનું નામ ગોરખેા પાડ્યું. ગેારખો તો પ્રભુને ઘેરથી જ જાણે ભેખ પહેરીને જ આવ્યો હતો. સંસારની રજ એને ચડતી જ નહોતી. બાપનાં ભગવાને એણે સવાયાં શોભાવવાં માંડ્યાં. ગોરખાના બોલ બરછી સરખાં સોંસરા ચાલવા લાગ્યા. બાપની ગાદી થાનમાં જ હતી. તેના ઉપર ગેારખા ભગતનાં આસન મંડાયા. ભગતનું થાનક ગામની બહાર હતું. એક દિવસ સવારે એક ટેલીઆએ આવીને ખબર દીધા કે “ બાપુ ? થાનને પાલટયુ ? ”

“થાન પાલટ્યું ! કયારે ? ”

“રાતમાં.”

“કોણે ?”

“લખતર દરબારે.”

“તે કાંઈ ધરધીંગાણું ન સંભળાણું, કાંઈ ઝાટકા ન બોલ્યા, ને થાન બદલાણું ? ”

“ભગત, કરપડા દરબારની તો દેહ પડી, કુંવર નાજા કરપડાને લઈને બાઈ ખુણો મેલાવા ગયાં, ને વાંસેથી ગામ નધણીઅાતું દેખીને લખતરના ઝાલા બથાવી બેઠા. આમાં કોની પાસે જઇને દાદ ફરીયાદ કરવી ? ”

ભગતનો જીવ આવો અન્યાય સાંભળીને કોચવાયો. થોડા દિવસ થયા ત્યાં વિધવા બાઈ જુવાન કુંવર નાજા કરપડાને તેડીને થાનકમાં આવી. બાઈએ આપા ગોરખા પાસે બોર બોર જેવડાં પાણી પાડ્યાં. પણ નાજો કરપડો બોલ્યો કે "હવે થયું. લખતરને આપણથી શે પોગાય ? સૂરજ સામે ધુડ ઉડાડવી છે ને ?”

“બોલ મા, બાપ નાજા ! બોલ મા !” ભગતે કહ્યું, “ જા બાપ ! આ લે આ નાળીએર. ઠાકર તને થાન પાછું દેશે. ગૌધન સાંજે ગામમાં આવે ત્યારે તારાં માણસો તેડીને આવજે. જેટલાં શીંગડાં એટલા બગતરીઆ થાશે. ઠાકરને ઘેરથી કટક ઉતરશે. મુંઝાશ શીદ ? અનીઆ કાંઈ ઠાકર સાંખે નહિ.”

થાન બદલાણું. લખતરનો નેજો નીચે પછાડી નાજા કરપડાએ પોતાના બાપની આણ વર્તાવી. ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં એણે એક વાડી ગોરખા ભગતની જગ્યામાં આર્પણ કરી. એક દિવસ ભાદરવો મહિનો ચાલે છે. નાજો કરપડો ઘોડે ચડીને સીમ જોવા નીકળ્યો. આખી સીમનાં વાડી ખેતર જોઇને પાછો વળ્યો. એમાં એક વાડી દેખીને એણે ઘોડી રોકી, મીટ મંડાઇ ગઇ. ધોકા ધોકા જેવડાં જુવારનાં ડુંડા હીંચકે છે. અને ઉંટ ઓરાઇ જાય એવે ઉંચે સાંઠે જાર ઉભી છે. દિલમાં થયું કે આ શું કૌતુક ! આખી સીમમાં આ એક જ કટકો કાંસોને મઢ્યો !

“આ કોની વાડી ?”

“બાપુ ! જગ્યાની.”

“જગ્યાની ક્યાંથી ?”

“આપણે અર્પણ કરેલી છે.”

“અરે ગોલકીના ! આવી કંચન જેવી જમીન સાધુડો ખાશે ?”

આંખ ફાટી ગઇ. પરબારી ઘોડી આપા ગોરખાની જગ્યામાં હાંકી. પરબારા ભગતને જઇને કહ્યું કે “એલા એય ભણે કોપીન ! ભાગું જા આસેંથી. વાડી બાડી નૈ મળે. ખબરદાર જો ડુંડાને હાથ અડાડ્યો છે તો !”

સાધુડાં બધાં કળકળવા લાગ્યાં, પણ ભગત તો મ્હોં મલકાવીને ઠાવકી મીઠી વાણીમાં એટલું જ બોલ્યા કે “હશે બાપ ! જમીન તો એના બાપની છે ને ! એની છે ને એ લઇ લ્યે છે. આપણને એનો કાંઈ દખ ધોખો હોય ?”

નાજા કરપડા તરફ ફરીને ભગતે કહ્યું, “ભલે બાપ, તું તારી જમીનનો ધણી છે, પણ ઓલ્યું નાળીએર તને દીધું'તું ઇ તો મારૂં છે. માટે પાછું દઇ મેલ્ય એટલે અમે હાલી નીકળીએ.”

“ભણે લંગોટા ! મારૂં થાન તો શું ગારાનું છે તે તારા નાળીએર વગરનું વહ્યું જાશે ? આ લે તારૂં નાળીએર ” નાળીએર પાછું આવ્યું. ઠેઠ જૂનાગઢના પાડોશમાં રહેતા ખીમા મૈયા નામના મૈયા વંશના આગેવાનને ઓચીંતું સ્વપનું આવ્યું કે “ખીમા ! ઠાકર તને થાન દ્યે છે.”

મૈયાની ફોજ થાન માથે ચડી. દૈવતહીણ નાજો વગર લડ્યે ભાગ્યો. ગઢ ઠેકીને ભાગવા જાય ત્યાં તે કાછડી કાંગરે ભરાઇ ગઇ. નવસ્ત્રી હાલતમાં નાજો કોઈ ઝાડની ઓથે બેઠો છે, એવા ખબર જગ્યામાં ભગતને પડતાં જ તત્કાળ પોતે લુગડાંની ગાંસડી માથા પર ઉપાડીને ચાલ્યા. નગ્ન નાજાને લુગડાં પહેરાવીને કહ્યું “બાપ નાજા ! અભેમાન કોઇનાં નથી રહ્યાં, અને નિરપરાધીના નિસાપા લીધે સારાવાટ ન હોય. ”

સીમમાંથી ધા નાખતા ગોવાળો જગ્યામાં આવ્યા. આવીને ભગત પાસે કહ્યું કે “બાપા ! જગ્યાનું ધણ વાળી ગ્યા.”

“કોણ બાપ ?”

“મોરબી દરબારનાં માણસું”

“કાંઇ વાંધો નહિ ભાઇ આયડુ ! આપડે તો વાંસે વાછરૂ ય દઇ મેલો, નીકર માતાજીયું કામધેનુ દુવાશે.”

એમ કહીને એણે વાછરૂ પણ પાછળ મોકલી દીધાં.*[]


  1. *લોકો આવી વાતો કરે છે:- બીજો દિવસ થતાં મોરબીથી માલ પાછો આવ્યો. ચોરનારાઓ ચેતી ગયા કે ભગતનો જીવ કોચવાશે તો ઉલટ પાલટ કરી નાખશે.
    પરંતુ એક ગાય ન આવી. ભીમા રબારી ધ્રૂશકા મેલીને રોવા લાગ્યો કે “ બાપુ ! મારી ગોરહર ગા રહી ગઇ ! મારી ગોરહર વગર હું નહિ જીવું.”
    ગેારખાએ મોરબી ઠાકોરને સંદેશો કહેવરાવ્યા છે “ગા વગર આાયડુ ઝુરે છે. ગોવાળ અને ઢોરની પ્રીત્યુનો વિચાર કરો દરબાર ! તમને બીજી ઘણીયું ય ગા મળી રે'શે. અમારી ગોરહરને પાછી દઈ મેલજો.”

મોરબીને ઠાકોર ન માન્યો. ફરી ગેારખે કહેવરાવ્યું :

“દરબારને કહો કે ગોરહરનાં દૂધ નહિ ઝરે બાપ !”

તોયે દરબારને ડહાપણ ન આવ્યું. થાનમાં બેઠાં બેઠાં, હોકો પીતા રાયકાને ભગતે પૂછ્યું કે “ભીમડા ! તારાં હાથમાં ઇ શું છે બાપુ ?”

“હોકાની ને' છે બાપુ !”

“એનું બીજુ નામ શું ?”     "નાળ્ય.”

“હાં બાપ ! ઈ યે નાળ્ય : બંધૂક તોપની નાળ્ય જેવી, કર એને મોરબીના ગઢ સામી લાંબી ને માર ફુંક.”

ભીમડાએ પહેલી ફુંક દીધી. અને ભગત બોલ્યા કે “ શાબાસ ! મોરબીનો ગઢ તૂટ્યો. હાં ફુંક ફરીને !"

“વાહ ! એ...ઘોડાહારના ભુકા !”   “બસ ! એ...કુંવર ઉડ્યો !”

એ દંતકથાનું એક ગીત છે :

ખરો કાળ ઝમઝાળ ગેારખો ખીજીઓ
માલ ગેારખ તણો ન થાય મીઠો,
ગઝબની ચોટ જાદર તણો ગેારખો
દેવાતણ આકરો નતો દીઠો.

કમતીઆ કેસરા એમ *[]જાડા કહે
કુલ ઘોડે ચડ્યો હૈયાફુટ્યો,
ઘેાડાર્યું બાળ્યને કુંવરને ઉડવ્યો
રાજ બેાળી દીયે *[]ઝળુ રૂઠ્યો.

પરગણું બધું નડેડાટ ઉજ્જડ પડ્યું
કોપીઓ માળીઆ સરે મટે ક્યાંથો,
મોરબી સરે ખૂટામણ નો મટે
મોરબી ફૂટતી ફરે માથો.

તોળાં કડોળાં તણી આવેને કરી આળ
મોરબીને સર મહારાજ ! ગઝબ ઉતાર્યો તે ગેારખા.


  1. ૧. જાડેજા.
  2. ૨. ગેારખો 'ઝળુ' શાખનો કાઠી હતો.