હાં રે દાણ માગે કાનુડો

હાં રે દાણ માગે કાનુડો
નરસિંહ મહેતા



પદ ૧૩૨ ગરબી.

હાં રે દાણ માંગે રે દાણ માગે;
હાં રે તારી મોરલીના બોલ બાણ વાગે— દાણ માંગે. ૧.

હાંરે કાના કિયા મુલકનો સુબો, હાં રે મારા મારગ વચ્ચે ઊભો રે
— દાણ માંગે. ૨.



હાંરે કાન કયા મુલકનો રસિયો, હાંરે મારા મારગ વચ્ચે વસિયોરે—
દાણ માંગે હાંરે. ૩

હાં રે કાના કિયા મુલકનો દાણી, હાં રે મારી નવરંગ ચુંદડી તાણીરે—
દાણ માંગે હાંરે. ૪

હાં રે કાના કિયા મુલકનો મહેતો, હાં રે મારા મારગ વચ્ચે રહેતોરે—
દાણ માંગે હાંરે. ૫

હાં રે કાના જળ જમુનાને આરે, હાંરે એમાં કોણ જીતે કોણ હારેરે—
દાણ માંગે હાંરે. ૬

હાં રે કાન નથી સાકર નથી મેવા, હાં રે ખાટી છાશમાં શું આવ્યો લેવારે—
દાણ માંગે હાંરે. ૭

હાં રે મહેતા નરસિંહના સ્વામી મુરારિ, હાં રે તમે લૂંટો મા દા’ડી દા’ડીરે —
દાણ માંગે હાંરે. ૮

અન્ય સંસ્કરણ ફેરફાર કરો

હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે
હાં રે તારી મોરલીના બોલ વાગે ... કાનો દાણ માંગે.

હાં રે કાન કિયા મુલકનો સૂબો,
હાં રે મારા મારગ વચ્ચે ઊભો ... કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો રસિયો,
હાં રે મારા મારગ વચ્ચે વસિયો ... કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો દાણી,
હાં રે મારી નવરંગ ચુંદડી તાણી ... કાનો દાણ માંગે

હાં રે કાન કિયા મુલકનો મહેતો,
હાં રે મારા મારગ વચ્ચે રહેતો ... કાનો દાણ માંગે

હાં રે કાન જળ જમુનાને આરે,
હાં રે એમાં કોણ જીતે કોણ હારે ... કાનો દાણ માંગે

હાં રે કાન નથી સાકર નથી મેવા,
હાં રે ખાટી છાશમાં શું આવ્યો લેવા ... કાનો દાણ માંગે

હાં રે મહેતા નરસિંહના સ્વામી મુરારિ,
હાં રે તમે લૂંટો મા દા’ડી દા’ડી ... કાનો દાણ માંગે