હિંદ સ્વરાજ/૧૫. ઈટાલી અને હિંદ

← ૧૪. હિંદ કેમ છૂટે? હિંદ સ્વરાજ
૧૫. ઈટાલી અને હિંદ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૬. દારૂગોળો →






૧૫
ઈટાલી અને હિંદ



अधिपति :

તમે ઇટાલીનો દાખલો ભલો આપ્યો. મૅઝિની મહાત્મા હતો. ગૅરિબાલ્ડી ભારે યોદ્ધો થઈ ગયો. તે બંને પૂજનીય હતા. તેમાંથી આપણે બહુ શીખી શકીએ છીએ. છતાં ઇટાલીની દશા ને હિંદની દશા જુદી છે.

પ્રથમ તો મૅઝિની અને ગૅરિબાલ્ડી વચ્ચેનો તફાવત જાણવા જેવો છે. મૅઝિનીનો મનોરથ જુદો હતો. મૅઝિની જે ધારતો તે ઇટાલીમાં નથી થયું, મૅઝિનીએ માણસજાતની ફરજ ઉપર લખતાં બતાવી આપ્યું છે કે દરેક માણસે સ્વરાજ ભોગવતા થઈ જવું જોઈએ. એ તો તેને સ્વપ્નવત્‌ રહ્યું. ગૅરિબાલ્ડી તથા મૅઝિનીની વચ્ચે મતભેદ થયેલો એ યાદ રાખજો. વળી ગૅરિબાલ્ડીએ દરેક ઇટાલિયનને હથિયાર આપ્યાં ને દરેક ઇટાલિયને હથિયાર લીધાં.

ઇટાલી અને ઑસ્ટ્રિયા એ બેમાં સુધારા-ભેદ ન હતો. એ તો 'કાકા કાકાના' ગણાય. 'જૈસે કો તૈસા' એવી વાત ઇટાલીની હતી. ઇટાલીને પરદેશી(ઑસ્ટ્રિયા)ની ધૂંસરીમાંથી છોડાવવું એવો ગૅરિબાલ્ડીનો મોહ હતો. તેને અંગે તેણે કાવૂરની મારફતે જે કાવતરાં કર્યાં તે તેના શૌર્યને ઝાંખપ લગાડે છે.

અને અંતે ફળ શું આવ્યું ? ઇટાલીમાં ઇટાલિયન રાજ્ય કરે છે તેથી ઇટાલીની પ્રજા સુખી છે એમ તમે માનતા હો, તો મારે તમને કહેવું જોઈએ કે તમે અંધારામાં ભમો છો. મૅઝિનીએ આબેહૂબ બતાવી આપ્યું છે કે ઇટાલી કંઈ છૂટ્યું નહીં. ઇટાલીનો એક અર્થ વિક્ટર ઇમૅન્યુઅલે કર્યો, ને મૅઝિનીએ બીજો કર્યો. ઇમૅન્યુઅલ, કાવૂર અને ગૅરિબાલ્ડીના મનથી ઇટાલી એટલે ઇમૅન્યુઅલ અથવા ઇટાલીનો રાજા અને તેના પાગિયા મૅઝિનીના વિચાર પ્રમાણે ઇટાલીના લોક-તેના ખેડૂતો એ જ ઇટાલી; ઇમૅન્યુઅલ વગેરે તેના નોકર, મૅઝિનીનું ઇટાલી હજી ગુલામ છે. બે રાજા વચ્ચે શેતરંજની બાજી હતી. ઇટાલીની પ્રજા તો માત્ર પાયદળ હતી, અને છે. ઇટાલીના મજૂરો હજુ દૂઃખી છે. ઇટાલીના મજૂરોની દાદ -નથી સંભળાતી, તેથી તે લોકો ખૂન કરે છે, સામે થાય છે, માથાં ફોડે છે ને તેમાં બંડ થવાની ધાસ્તી હજુ રહ્યા જ કરે છે. આમાં ઇટાલીને ઑસ્ટ્રિયાના જવાથી શો લાભ મળ્યો ? નામનો જ લાભ થયો. જે સુધારાને અર્થે જંગ મચ્યો એ સુધારા થયા નથી, પ્રજાની સ્થિતિ સુધરી નથી.

હિંદુસ્તાનની દશા આવી કરવાનો તમારો ઇરાદો ન જ હોય. હું માનું છું કે તમારો વિચાર હિંદુસ્તાનના કરોડોને સુખી કરવાનો છે, નહીં કે તમારે ને મારે રાજ્યસત્તા લેવી છે. જો આમ હોય તો આપણે એક જ વિચાર કરવો ઘટશે તે એ કે પ્રજા કેમ સ્વતંત્ર બને.

તમે કબૂલ કરશો કે કેટલાંક દેશી રજવાડાં નીચે પ્રજા કચરાય છે. તેઓ અધમતાથી લોકોને પીડે છે. તેઓના જુલમ અંગ્રેજના કરતાં વધારે છે. આવો જુલમ તમારે હિંદુસ્તાનમાં જોઈતો હોય તો આપણો પાટો ઠેકાણાસર બેસે એમ છે જ નહીં.

મારું સ્વદેશાભિમાન મને એમ નથી શીખવતું કે, મારે દેશી રાજા નીચે તો રૈયત જેમ છૂંદાય તેમ છૂંદાવા દેવી. મારામાં બળ હશે તો હું તો દેશી રાજાના જુલમ સામે તેમ જ અંગ્રેજી જુલમ સામે ઝૂઝીશ.

સ્વદેશાભિમાન એટલે હું દેશનું હિત સમજું છું. જો કોઈ અંગ્રેજ કહેશે કે હિંદને છૂટું કરવું, જુલમની સામે થવું, ને લોકોની સેવા કરવી, તો તે અંગ્રેજને હું હિંદી તરીકે વધાવી લઈશ.

વળી ઇટાલીની જેમ હિંદને હથિયાર મળે ત્યારે હિંદ લડે, આ મહાભારત કામનો તમે વિચાર જ નથી કર્યો જણાતો. અંગ્રેજ દારૂગોળે પૂરા છે; તેથી કંઈ ડર નથી લાગતો, પણ એમ તો જણાય છે કે તેમનાં હથિયાર વતી તેમની સામે લડવું હશે તો હિંદને હથિયારબંધ કરવું જ જોઈશે. જો આ થઈ શકતું હોય તો તેને કેટલાં વરસો જોઈએ ? વળી હિંદીમાત્રને હથિયારબંધ કરવા તે તો હિંદુસ્તાનને યુરોપની જેમ બનાવવા જેવું છે. તેમ થાય તો યુરોપના જે બેહાલ છે તે હિંદના થાય. ટૂંકામાં, હિંદે યુરોપનો સુધારો ગ્રહણ કરવો. આમ જ થવાનું હોય તો સરસ વાત એ છે કે જેઓ તે સુધારામાં કુશળ છે તેને જ રહેવા દઈએ, તેઓની સાથે થોડુંઘણું લડી કંઈક હક લઈશું, નહીં લઈશું ને દિવસ ગુજારીશું.

પણ વાત એવી છે કે હિંદની પ્રજા કદી હથિયાર ધારણ નહીં કરે, ન કરે એ જ ઠીક છે.

वाचक :

તમે બહુ આગળ વધ્યા. બધાને હથિયારબંધ થવાની જરૂર હોય નહીં. આપણે પ્રથમ તો કેટલાંક ખૂન કરી ત્રાસ છોડાવશું. પછી થોડા માણસો હથિયરબંધ તૈયાર થયા હશે તે ઉઘાડા લડશે. તેમાં પ્રથમ તો વીસ-પચ્ચીસેક લાખ હિંદી મરશે ખરા. પણ છેવટે આપણે દેશ હાથ કરીશું. આપણે ગેરીલા (બહારવટિયાઓને મળતી) લડત ચલાવી અંગ્રેજોને હરાવી દઈશું.

अधिपति :

તમારો વિચાર હિંદની પવિત્ર ભૂમિને રાક્ષસી બનાવવાનો લાગે છે. ખૂન કરીને હિંદને છોડાવશું એ વિચાર કરતાં તમને ત્રાસ કેમ નથી છૂટતો ? ખૂન તો આપણે આપણું કરવું ઘટે છે, કેમ કે આપણે બાયલા બન્યા છીએ ત્યારે ખૂનનો વિચાર કરીએ છીએ. આવું કામ કરીને તમે કોને છોડાવશો ? હિંદી પ્રજા એવું કદી ઇચ્છતી નથી. આપણા જેવા, જેમણે અધમ સુધારારૂપી ભાંગ પીધી છે, તે જ એવો વિચાર કેફમાં કરીએ છીએ. ખૂન કરીને રાજ્ય ભોગવશે તે પ્રજાને સુખી કરવાના નથી. જે ખૂન ધીંગરાએ કર્યું, જે ખૂન હિંદુસ્તાનમાં થયાં છે, તેથી ફાયદો થયો છે એમ માનતા હોય તે મોટી ભૂલ કરે છે. ધીંગરાને હું દેશભિમાની ગણું છું, પણ તેની પ્રીતિ ઘેલી હતી. તેણે પોતાન શરીરનો ભોગ કુમાર્ગે આપ્યો છે. તેથી અંતે ગેરફાયદો જ છે.

वाचक :

પણ તમારે એટલું તો કબૂલ કરવું જ પડશે કે અંગ્રેજ આ ખૂનથી ડરી ગયેલ છે, અને લૉર્ડ મોલેંગ્ને જે આપ્યું છે તે તેવી ધાસ્તીથી આપ્યું છે.

अधिपति :

અંગ્રેજ બીકા પ્રજા છે, તેમ જ બહાદુર છે. દારૂગોળાની અસર તેની ઉપર તુરત જ થાય છે એ હું માનું છું. લૉર્ડ મોલેંગ્ને જે આપ્યું હોય તે ધાસ્તીથી આપ્યું હોય એવો સંભવ છે, પણ ધાસ્તીથી મળેલી વસ્તુ ધાસ્તી હોય ત્યાં સુધી જ નભી શકે છે.