હિંદ સ્વરાજ/૮. હિંદુસ્તાનની દશા

← ૭. હિંદુસ્તાન કેમ ગયું? હિંદ સ્વરાજ
૮. હિંદુસ્તાનની દશા
મોહનદાસ કરમચંદ ગાંધી
૯. હિંદુસ્તાનની દશા–રેલવેઓ →






હિંદુસ્તાનની દશા


वाचक :

હિંદુસ્તાન કેમ અંગ્રેજના હાથમાં છે એ સમજી શકાય છે. હવે હિંદુસ્તાનની દશા વિશે તમારા વિચાર જાણવા માગું છું.

अधिपति :

હિંદુસ્તાનની અત્યારે રાંકડી દશા છે. તે તમને કહેતાં મારી આંખમાં પાણી આવે છે ને મારું ગળું સુકાય છે. તે હું તમને પૂરી રીતે સમજાવી શકીશ કે નહીં તે વિશે મને શક છે. મારો ખાસ અભિપ્રાય છે કે હિંદુસ્તાન અંગ્રેજથી નહીં, પણ આજકાલના સુધારા નીચે કચરાયેલું છે; તેની ઝડપમાં તે આવી ગયું છે. તેમાંથી બચવાનો હજી ઉપાય છે ખરો, પણ દિવસે દિવસે વખત જતો જાય છે. મને તો ધર્મ વહાલો છે, એટલે પ્રથમ દુઃખ તો એ છે કે હિંદુસ્તાન ધર્મભ્રષ્ટ થતું ચાલ્યું છે, ધર્મનો અર્થ હું અહીં હિંદુ કે મુસલમાન કે જરથોસ્તી એમ નથી કરતો; પણ એ બધા ધર્મમાં જે ધર્મ રહ્યો છે તે જતો રહે છે; આપણે ઈશ્વરથી વિમુખ થતા જઈએ છીએ.

वाचक :

તે કેમ?

अधिपति :

હિંદુસ્તાન ઉપર એવું તહોમત છે કે, આપણે આળસુ છીએ અને ગોરાઓ મહેનતુ તથા ઉત્સાહી છે. આ આપણે માની લીધું છે, ને તેથી આપણે આપણી સ્થિતિ બદલાવવા માગીએ છીએ.

હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી બધા ધર્મ શીખવે છે કે, આપણે દુન્યવી વસ્તુઓ વિશે મંદ રહેવું ને ધાર્મિક વસ્તુઓ વિશે ઉત્સાહી રહેવું; આપણે આપણા દુન્યવી લોભની હદ બાંધવી ને ધાર્મિક લોભને મોકળો રાખવો. આપણો ઉત્સાહ તેમાં જ રાખવો.

वाचक :

આ તો તમે પાખંડી થવાનું શિક્ષણ આપતા લાગો છો. આવી વાતો કરી ધુતારાઓ ધૂતી ગયા છે ને હજુ ધૂતે છે.

अधिपति :

તમે ધર્મ ઉપર ખોટો આરોપ મૂકો છો. પાખંડ તો બધા ધર્મમાં રહ્યો છે. જ્યાં સૂર્ય હોય ત્યાં અંધારું રહેલું જ છે. પડછાયો દરેક વસ્તુ વિશે છે. ધર્મધુતારા એ દુન્યવી ધુતારા કરતાં સારા છે એમ તમે જોશો. સુધારામાં જે પાખંડ હું તમને બતાવી ગયો તે પાખંડ ધર્મમાં જોયું જ નથી.

वाचक :

એમ કેમ કહેવાય? ધર્મને બહાને હિંદુ-મુસલમાન લડ્યા, ધર્મને બહાને ખ્રિસ્તીઓમાં મહાયુદ્ધો થયાં. ધર્મને બહાને હજારો નિરપરાધી માણસો માર્યાં ગયાં, તેઓને બાળી નાખ્યાં, તેઓની ઉપર મહાસંકટો પાડ્યાં. આ તો સુધારા કરતાં ખરાબ જ ગણાય.

अधिपति :

હું તો કહું છું કે એ બધું સુધારાના દુઃખ કરતાં વધારે સહન થઈ શકે તેવું છે. તમે કહ્યું તે પાખંડ છે એમ સહુ સમજે છે. તેથી પાખંડમાં આવેલાં માણસો મરી રહે એટલે ઊકલી જાય છે. જ્યાં ભોળાં માણસો રહ્યાં છે ત્યાં તેવું ચાલ્યા જ કરશે, પણ તેની અસર સદાયને સારુ બૂરી રહેતી નથી, સુધારાની હોળીમાં જે માણસો બળી મૂઆં છે તેની તો હદ જ નથી. તેની ખૂબી તો એ છે કે માણસો સારું માનીને તેમાં ઝંપલાવે છે. તેઓ નથી રહેતા દીનના કે નથી રહેતા દુનિયાના. તેઓ ખરી વસ્તુને તદ્દન ભૂલી જાય છે. સુધારો તે ઉંદરની જેમ ફૂંકીને ફોલી ખાય છે. તેની અસર જ્યારે આપણે જાણીશું ત્યારે અગાઉના વહેમો તે આપણને પ્રમાણમાં મીઠા લાગશે. હું એમ નથી કહેતો કે આપણે તે વહેમોને કાયમ રાખવા. નહીં, તેની સામે તો લડીશું જ; પણ તે લડત કંઈ ધર્મ ભૂલી જવાથી નથી લેવાવાની, પણ ખરી રીતે ધર્મ સંપાદન કરી લેવાશે.

वाचक :

ત્યારે તો તમે એમ પણ કહેશો કે અંગ્રેજે હિંદુસ્તાનમાં શાંતિનું સુખ આપ્યું છે તે નકામું છે.

अधिपति : તમે શાંતિ જુઓ તો ભલે. હું તો શાન્તિસુખ જોતો નથી.

वाचक : ત્યારે ઠગ, પીંઢારા, ભીલ વગેરે જે ત્રાસ ઉપજાવતા હતા તે તમારે હિસાબે કંઈ હરકત જેવું નહોતું!

अधिपति : તમે જરા વિચારી જોશો તો માલૂમ પડશે કે તેઓનો ત્રાસ માત્ર નજીવો હતો. જો તેઓનો ત્રાસ ખરો જ હોત તો પ્રજા જડમૂળથી ક્યારની નાશ પામી હોત. વળી હાલની શાંતિ તો માત્ર નામની જ છે. હું એમ કહેવા માગું છું કે આપણે તે શાંતિથી નામર્દ, બાયલા અને ભીરુ બની ગયા છીએ. ભીલ-પીંઢારાનો સ્વભાવ અંગ્રેજે ફેરવ્યો છે એમ માની લેવાનું નથી. આપણને તેવી જાતની પીડા હોય તે સહન કરવા જેવું છે, પણ બીજા માણસ તે પીડામાંથી આપણને બચાવે તે તદ્દન હીણપત ઉપજાવનારું છે. આપણે અબળા બનીએ તેના કરતાં ભીલનાં તીરકામઠાંથી મરવું એ મને વધારે પસંદ છે. તે સ્થિતિમાં જે હિંદુસ્તાન હતું તે હિંદુસ્તાન જુદા જ જુસ્સાનું હતું. મૅકૉલૅએ હિંદીને નામર્દ ગણેલા તે તેની અધમ અજ્ઞાન દશા સૂચવે છે. હિંદી બાયલા કદી હતા જ નહીં. જાણજો કે જે દેશમાં પહાડી લોકો વસે છે, જેમાં વાઘવરુ વસે છે, તે દેશમાં રહેનારા માણસો જો ખરેખરા બીકણ હોય તો તેમનો નાશ જ થાય. તમે કોઈ દિવસ ખેતરોમાં ગયા છો? તમને હું ખાતરીપૂર્વક કહું છું કે ખેતરોમાં આપણા ખેડૂતો નિર્ભય થઈને આજ પણ સૂએ છે; ત્યારે ત્યાં અંગ્રેજ અને તમે સૂવાની આનાકાની કરશો. બળ તે નિર્ભયતામાં રહ્યું છે; શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી, એ તમે થોડો જ ખ્યાલ કરશો તો જાણી લેશો.

વળી તમે જે સ્વરાજ ઇચ્છનારા છો તેમને ચેતવું છું કે ભીલ, પીંઢારા અને ઠગ તે આપણા જ દેશી ભાઈ છે. તેને જીતવા તે તમારું ને મારું કામ છે. તમારા જ ભાઈનો તમને જ્યાં સુધી ભય રહેશે, ત્યાં સુધી તમે કદી ઠેકાણાસર પહોંચવાના નથી.