અકબર/પિતાની ગાદી માટે અકબરનો વિગ્રહ.
← હુમાયૂંની હિંદુસ્તાન ઉપર સવારી તેનું મૃત્યુ. | અકબર પિતાની ગાદી માટે અકબરનો વિગ્રહ. ઉત્તમલાલ ત્રિવેદી |
સોળમા સૈકાના મધ્ય ભાગમાં હિંદુસ્તાનની સામાન્ય સ્થિતિ. → |
પ્રકરણ ૮ મું.
પિતાની ગાદી માટે અકબરનો વિગ્રહ.
ઉપર જણાવ્યું છે કે પોતાના લશ્કરને મોખરે અકબર ક્લાનોરમાં દાખલ થતો હતો તેવામાં તેને તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. આ વખતે તેણે કાબુલના ફિતુરની વાત સાંભળી નહતી તેમજ તેના અતાલીક બેહેરામખાંએ દિલ્હી સામે હેમુની હીલચાલના સંભવ ઉપર કાંઈ વિચાર કર્યો નહતો. આથી પહેલા થોડા દિવસ તે એમ જણાયું કે જેનો પરાભવ કરવાને તેના બાપે તેને પંજાબ મોકલ્યો હતો તે સિકંદરશાહ એકલોજ જાણે લડવા જેવો શત્રુ છે. આ નવાબ હજી હથિયારબંધ હતો અને કાશ્મીર તરફ ધીમે ધીમે ખસતો હતો. આ ઉપરથી જુવાન બાદશાહને અને તેના અતાલીકને આપણું પહેલું કામ પંજાબ નિર્ભય કરવાનું છે એમ જણાયું. અને તે અર્થ સાધવા માટે પહેલવહેલો સિકંદશાહનો કેડો લેવો જોઈએ એમ લાગ્યું. આ ધોરણને અનુસારે ક્લાનોરથી લશ્કર ઉપડ્યું અને સિકંદરશાહની પાછળ થઈ તેને સિપાલીકની ગિરિમાલામાં આવેલા માન્કોટના દુર્ગમાં આશ્રય લેવાની જરૂર પાડી. માનકોટનો દુર્ગ બહુ અભેદ્ય હોવાથી અને હિંદુસ્તાન અને કાબુલમાં બનતી પ્રતિકૂળ બીનાઓના સમાચાર મળવાથી તે કિલ્લો તોડવા સારૂ એક સૈન્ય ત્યાં રાખીનેજ સેનાપતિઓ સંતોષ પામ્યા અને જાલંધર તરફ પાછા વળ્યા.
આ વખત ખરેખર અણીનો હતો. કાબુલમાં ફિતુર થયું હતું એટલુંજ નહિ પણ ડગલે ડગલે વધતા જતા લશ્કર સાથે એક પણ ઘા માર્યા વિના હેમુએ આગ્રા સર કર્યું હતું અને દિલ્હી તરફ હઠતા દુર્ગરક્ષક સૈન્યની પાછળ પડ્યો હતો. એક દિવસ પછી એવા સમાચાર મળ્યા કે તેણે દિલ્હીની નજીક એક મુગલ લશ્કરને હરાવી તે દિલ્હીમાં દાખલ થયો છે, અને તાર્દીબેગ પરાભવ પામેલા લશ્કરના રહ્યા સહ્યા માણસોની સાથે સરહિંદ તરફ નાસી ગયો છે.
સંખ્યાબંધ મંત્રીઓ હોય ત્યાં હમેશાં ડાહાજ સલાહ મળે એમ ન સમજવું. હેમુના વિજ્યની વાત સાંભળી ત્યારે અકબરે તેના વિગ્રહકુશળ અમીરોની સભા બોલાવી અને તેમની સલાહ માંગી. માત્ર એકજ અપવાદે તેઓ સર્વેએ કાબુલનો આશ્રય લેવાની દલીલ રજુ કરી. અમને ખાત્રી છે કે આ પર્વતદુર્ગ આપને જરૂર મળશે. અને હિંદુસ્તાન ઉપર નવી ચઢાઈ કરવા લાયક શુભ પ્રસંગો આવે ત્યાં સુધી આપ ત્યાં રહી શકશો. આ સલાહની વિરૂદ્ધ બેરામખાંએ પોતાનો સતેજ અવાજ ઉઠાવ્યો. તેણે એકદમ સતલજ ઓળંગીને સરહિંદ આગળ તાર્દીબેગને મળી ત્યાંથી હેમુની સામે જરા પણ વખત ખોયા વિના ધસારો કરવાની સલાહ આપી. તેણે કહ્યું કે બે વાર મેળવેલી અને બે વાર ખોયેલી દિલ્હી ગમે તેમ થાય તોપણ પાછી મેળવવીજ જોઈએ. ભવિષ્ય નક્કી કરનાર દીલ્હી છે કાબુલ નથી. દિલ્હી સર કર્યા પછી કાબુલ સહેલાઈથી મેળવી શકાશે. અકબરનું સ્વાભાવિક વલણ અતાલીકની સલાહ સાથે મળ્યું અને સતલજ સોંસરી તરતજ કુચ કરવાનો હુકમ અપાયો.
અકબર અને બહેરામ ખરી રીતે સમજી ગયા કે હિંદુસ્તાનની શહેનશાહત અને કાબુલનું નાનું રાજ્ય એ બે વચ્ચે એમને પસંદગી કરવાની છે. હિંદુસ્તાનના પોતાના મિત્રો તરફથી એમને એવા સમાચાર મળ્યા હતા કે દિલ્હીની પુરવણીમાં પંજાબ સર કરવાની હેમુ તૈયારી કરે છે. હેમુની આગળ નીકળવું અને આરંભનું પગલું તેને ન ભરવા દેતાં પોતેજ ભરવું, (જે એશીઆના વતનીઓમાં મહા મોટું કામ ગણાય છે) તે વિજય મેળવવા માટે લગભગ અવશ્યનુંજ હતું. આમ વિચાર કરી અકબર જલંધરથી ઓક્ટોમ્બરમાં ઉપડ્યો અને સતલજ નદી ઓળંગી, સરહિંદ શહેર આગળ પહોંચ્યો. ત્યાં તે દિલ્હીના ગઢ આગળ હારેલા અમીરો તથા તાર્દીબેગને મળ્યો. એમના આંહી પહોંચ્યા પછી જે સંજોગ બન્યા તેથી અતાલિકે ધારણ કરેલી નિરંકુશ સત્તાની અસૂયાનાં પ્રથમ બીજ અકબરના દિલમાં રોપાયાં. તાર્દીબેગ તર્કી ઉમરાવ હતો. અને હુંમાયૂં અને બીજા ભાઇઓ વચ્ચેના વિગ્રહમાં એક કરતાં વધારે વાર એક પક્ષ મૂકી બીજા પક્ષમાં ગયો હતો તોપણ આખરે અકબરના પિતા હુમાયૂંનો પક્ષનો થઈ રહ્યો હતો. જ્યારે હુમાયૂં મરણ પામ્યો ત્યારે તાર્દીબેગેજ પોતાની બુદ્ધિ અને વફાદારીથી કામરાનનો એક શાહજાદો તે વખતે દિલ્હીમાં હતો તોપણ અકબરને માટે લોહી વહેવરાવ્યા વિના રાજ્યપ્રાપ્તિ સિદ્ધ કરવાનો વિજય મેળવ્યો હતો. હેમુને હાથે હાર ખાધા પછી કેટલાક અમીરોના મત પ્રમાણે તેણે દિલ્હીનો કબજે જરા ન છાજતી ઉતાવળે છોડી દીધો હતો. પણ આ પ્રપંચકૌશલ્યની ભૂલ એ કાંઈ ગુન્હો ન કહેવાય. એણે સરહિંદમાં અકબરને માટે એક જબરૂં સૈન્ય તૈયાર કર્યું તો હતુંજ. પણ તાર્દીબેગ અને બેરામખાનની આ ઈર્ષ્યા ધર્મભેદથી વધી પડી હતી. કેમકે મહમદના ધર્મનો બે ભેદ શીયા અને સુન્ની તેમાં બેરામ શીયા પંથનો અને તાર્દીબેગ સુન્ની મતનો હતો. આ ઉપરથી તાર્દીબંગ સરહિંદ આવ્યો ત્યારે બેરામે એને પોતાના તંબુમાં બોલાવ્યો અને ત્યાં તેને ઠાર કરાવ્યો. આ અન્યાયના કર્મ માટે અકબર બહુજ નાખુશ થયો અને બેરામ પોતાના કામનું વાજબીપણું સિદ્ધ કરવામાં ફતેહ પામ્યો નહિ. આપણે એમ અનુમાન કરીયે તો કરાય–કે ઉમરાવોની યોગ્ય અધીનતા સિદ્ધ કરવા સારૂ બંદોબસ્તના હકમાં આવું પગલું ભરવું જરૂરનું હતું, એવું કારણ બતાવવાનું બાહાનું તેણે કહાડ્યું હશે.
દરમિયાન, નવા ધારણ કરેલા ‘રાજા’ એ કાબુલથી ખુશી થતો અને સૈન્ય એકઠું કરતો હેમુ દિલ્હીમાં રહ્યો. પણ તેણે જ્યારે સાંભળ્યું કે અકબર સરહિદ પહોંચ્યો છે ત્યારે તેણે પોતાનું તોપખાનું દિલ્હીની ઉત્તરે પાંત્રીસ માઈલ ઉપર આવેલા પાણીપત આગળ મોકલ્યું અને પાયદળ તથા ઘોડેસ્વાર લશ્કર સાથે પોતે તરતજ ત્યાં જવાનો ઈરાદો કર્યો. આણી તરફ અકબર પણ સરહિંદથી એજ દિશાએ જતો હતો; વિશેષમાં અલી–કુલીખાં–ઈ. શાઇબાનીની સરદારી નીચે દશ હજાર ઘોડેસ્વારનું સૈન્ય આગળથી મોકલવાનું સાવધ પગલું તેણે ભર્યું હતું. આ સરદાર તાર્દીબેગની સાથે હેમુની સામે દિલ્હી આગળ લડ્યો હતો અને તાર્દીબેગનું ઉતાવળથી પાછો હઠવાનું પગલું તેણે નિંદ્યું હતું. અલીકુલી પાણીપત સુધી પહોંચ્યો અને હેમુના લશ્કરની તોપો રક્ષક વિનાની પડેલી જોઇને તેના ઉપર ધસી પડ્યો અને બધી કેદ કરી. આ તેજસ્વી પરાક્રમની કદર પીછાની તેને ખાનઝમાન બનાવવામાં આવ્યો અને તે દિવસથી આ નામથી તે ઈતિહાસમાં ઓળખાય છે. આ કમનસીબથી હેમુ બહુ નિરૂત્સાહ થઈ ગયો. કારણ એવું જણાવવામાં આવે છે કે આ તોપો તર્કીમાંથી મેળવેલી હતી અને તેના ઉપર બહુ માનની નજર રખાતી. તોપણ વિલંબ કર્યા વિના એ પાણીપત તરફ દડમજલે ચાલ્યો.
અકબર અને બેરામ સને ૧૫૫૬ ના નવેમ્બરની પાંચમી તારીખે પાણીપતની સપાટ ભૂમિ તરફ કુચ કરતા હતા, તેવામાં તેમણે તેમની તરફ આવતું હેમુનું લશ્કર દીઠું. આ જુવાન બાદશાહના મનમાં આ વખતે મને લાગે છે કે એવો વિચાર આવ્યોજ હોવો જોઈએ–કે બરાબર ત્રીસ વર્ષ ઉપર તેના પિતામહ બાબરે આ જમીન ઉપર લોદીવંશને કચરી નાંખી હિંદુસ્તાનનું રાજ્ય લીધું હતું. આ વખતે તેના સામું એક રાજ્ય છીનવી લેનારનું સૈન્ય આવતું હતું. જે એના બાપને હાંકી કહાડનાર સુરવંશની સાથે લગ્નથી સંબંધ ધરાવતો હતો. તેણે જાણ્યું જ હશે કે આ લડાઈ આ સૈકાને માટે નિર્ણયકર્તા લડાઈ થવાની. પણ ગમે એટલે અગમચેતીવાળો એ હતો તોપણ એ એવો ભવિષ્યવેત્તા ક્યાંથી હોય કે એ એમ જાણે કે આ લડાઈ બસેં વર્ષ ઉપર પર્યત કાયમ રહેનાર એક વંશની હિંદુસ્તાનમાં સ્થાપના કરવાનું આરંભ બિંદુ થશે. તેમ તે શી રીતે જાણી શકે તે વંશને નિસ્તેજ કરવા સારૂ ઉત્તરમાંથી બીજી એક ચઢાઈની અને બીજી પાણીપતની લડાઈની જરૂર પડશે અને તેનો સમૂળો નાશ કરવા એટલેન્ટિક મહાસાગરમાં આવેલા એક ટાપુમાં વસનારા પરદેશી લોકોને આવવું પડશે.
હેમુએ પોતાના લશ્કરના ત્રણ વિભાગ પાડ્યા હતા. મોખરે મોભાદાર અમલદારને લઈ પાંચસેં હાથીઓ પોતાના માનીતા હાથી ઉપર સવાર થયેલ હેમુની પોતાની સરદારી નીચે ચાલતા હતા. પહેલો આગળ આવતા મોગલોની ડાબી ટુકડી ઉપર તે ધસ્યો અને તેને વિખેરી નાંખી; પણ તેના મદદગારો આ હુમલાને પાયદળની મદદ આપી ન શક્યા, તેથી તે પાછો હઠ્યો અને બેરામખાંની પંડની સરદારીવાળા મધ્ય સેના ઉપર પડ્યો. આ ચતુર સરદારે–આવી રીતનો હુમલો થશે એવી આગળથી ધારણા રાખીને પોતાના તીરંદાજોને હાથીની સવારીવાળાના મોં સામે તીર તાકી રાખવાનો હુકમ આપ્યો હતો. આમાંનું એક તીર હેમુની આંખમાં ભોંકાયું. તે પોતાના હોદ્દામાંજ પડી ગયો અને ક્ષણવાર તો બેભાન રહ્યો. પોતાના સરદારના પડવાથી અનુયાયીઓ ગભરાટમાં પડ્યા, હુમલો ધીરો પડ્યો, અને પછી વિરામ્યો. બેરામખાંના લશ્કરે આ વિરામમાંથી તરતજ નાસભાગ નીપજાવી. હેમુવાળો હાથી–માવત કપાઈ ગયેલો હોવાથી બીનમાવતે અનાયાસેજ જંગલ તરફ જવા લાગ્યો. બેરામખાંનો અનુયાયી અને દૂરનો સગો શાહકુલી મહરામ–ઈ–બહારલુ–નામનો એક ઉમરાવ આના ઉપર કોણ બેઠું છે એ જાણ્યા વિના આ હાથીની પાછળ પડ્યો. તેની લગભગ થઈ તેના ગળાની આસપાસ રાખેલું દોરડું પકડીને તેણે જોયું તો માલમ પડ્યું કે ઘાયલ થયેલો હેમુ ૫ંડેજ એનો કેદી થયો છે. તેને તે બેરામ પાસે લઈ ગયો. બેરામ તેને જુવાન બાદશાહની પાસે લઈ ગયો. તેણે આખો દિવસ બહાદુરી અને સરદારી બતાવી હતી પણ વ્યૂહનું કામ પોતાના અતાલીકને સોંપ્યું હતું. પછી જે બનાવ બન્યો તેનું સમકાલીન લેખકો નીચે પ્રમાણે વર્ણન આપે છે. ઘાયલ સરદારને અકબરની સમક્ષ રજુ કરતાં બેરામખાંએ કહ્યું કે આ આપની પહેલી લડાઈ છે. આ દુષ્ટ ઉપર આપની તલવાર સફળ કરો ‘આ કામ યશ આપનાર થશે.’ અકબરે જવાબ દીધો–‘એ મરી ગયેલા જેવો છે. એના તરફ હું શી રીતે હથીયાર ઉગામું ? જો એનામાં ભાન અને બળ હોત તો હું મારી તલવાર અજમાવત.’ અકબરે ના કહેવાથી બેરામે પોતે એ કેદીને કાપી નાંખ્યો.
બેરામે પોતાના ઘોડેસ્વારોને છેક દિલ્હી સુધી જરા પણ વિશ્રામ વિના શત્રુનો કેડો લેવા મોકલ્યા. બીજે દિવસે મુકામ કર્યા વિના તેપન માઈલ ચાલીને મોગલ લશ્કર શહેરમાં દાખલ થયું. આ બનાવ પછી અકબરનો કોઈ મોટો શત્રુ રહ્યો નહિ. તેના પિતામહ ત્રીસ વરસ ઉપર જે સ્થિતિમાં હતો તેજ સ્થિતિમાં આ વખતે તે પણ આવી ચડ્યો. હવે જોવાનું એટલું જ રહ્યું કે–એનો બાપ તથા દાદો જે તક ઝીલી શક્યા નહિ તે લાગનો આ કુમાર યોગ્ય ઉપયોગ કરશે કે કેમ ? એની રાહ જોઈને જે કામ બેઠું હતું તેનું યથાર્થ સ્વરૂપ બતાવવાને માટે તે ગાદીનશીન થયો. તે વખતની હિંદુસ્તાનની સ્થિતિનું ટુંકું અવલોકન કરવામાં તથા બેરામખાંનના વહીવટમાં ચાર વર્ષના જુવાન કુમારને કેવો લાભ મળી શકે એવું હતું તે તપાસવામાં આગલાં બે પ્રકરણ રોકવાનું ધારૂં છું.