અંતર હેત પોતાનું જાણી, એ તો આવે છે અંતરજામીરે.
વ્યભિચાર મૂકી જુઓ વિચારી, એતો નરસૈંતાચો સ્વામીરે. એને.
પદ ૨૧ મું
તારા દલડાની વાતો મેં જાણી રે, ગીરધર દાણી રે;
આણી શેરડીએ લુંબો ને ઝુંબો, પેલી દેખે છે સૈયર સમાણી રે; ગીરધર.
સૌ સખીઓમાં વહાલા સરખું રે જાણી, ના ગણે દૂધ કે પાણી રે;
છેલપણું મૂકી દ્યોને છબીલા, અમે કહીશું નંદાજીની રાણી રે. ગીરધર.
વૃંદાવનને મારગ જાતાં, મારી નવરંગ ચુંદડી તાણી રે;
નરસૈંયાના સ્વામી સંગે રમતાં, મારી અંતર પ્રીત લપટાણી રે. ગીરધર.
પદ ૨૨ મું
મને રોકે છે. કાનવર દાણીરે, નહિં જાઉં જમના પાણીરે;
એકવાર જમના પાણીરે ગયાંતાં વહાલા, મારી સાથે સૈયર સમાણીરે. મને.
વૃંદાવનને મારગ જાતાં, મારી નવરંગ ચુંદડી તાણીરે;
જોરે પાણી માકલવાંરે હોય તો, સાથે મોકલો સૈયર સમાણીરે. મને.
મરકલડે મારાં મન હરી લીધાં, હું તો લાલચમાં લપટાણીરે;
નરસૈંયાચા સ્વામીની સંગે રમતાં, હું તો મોહનસંગમાં માણી રે. મને
પદ ૨૩ મું
મારું વૃંદાવન છે રૂડુંરે, વૈકુંઠ નહિ રે આવું
નહિ આવું નંદાજીના લાલ નહિ આવું —ટેક.
બેશીને રેવું ને ટગ ટગ જોવું, નહિ ખાવું નહિ પીવુંરે. વૈકુંઠ નહિ..
વૈમાન મોકલો તો મોકલો વેહેલું, હું આવીશ સૌના પેહેલુંરે. વૈકુંઠ નહિ.
બ્રહ્મના લોક તો છે અતિ કૂડાં, વાસી વ્રજના રૂડાંરે. વૈકુંઠ નહિ.
જે વિશે બે પોળીયા હુતાં, તેને તત્ક્ષણ મેલ્યા કહાડીરે. વૈકુંઠ નહિ.
નરસૈંયાચો સ્વામી અંતરજામી, તમે સાંભળોને સારંગપાણીરે. વૈકુંઠ નહિ.
પદ ૨૪ મું –રાગ કોદારો.
તું મારે ચાંદલીએ ચોંટ્યો, સારા મુરતમાં શામળિયો;
ક્ષણું એક વહાલા અળગા ન થાઓ, પ્રાણજીવન પાતળિયો. તું મારે.
ખડકીએ જોઉં ત્યારે અડકીને ઉભો, બારીએ જોઉં ત્યારે બેઠો રે;
શેરીએ જોઉં ત્યારે સન્મુખ આવે, વહાલો અમૃતપેં અતિ મીઠો રે. તું મારે.