← સગુણભક્તિ અંગ અખાના છપ્પા
દંભભક્તિ અંગ
અખો
જ્ઞાનદગ્ધ અંગ →


દંભભક્તિ અંગ

જો હરિમાર્ગે ચાલે જંત, વેશ અભિમાન શું કાઢ્યા દંત;
જેમ તેમ પંથ કાપ્યાશું કામ, તો આવે હરિરૂપી ગામ;
અખા મોહ્યો પંથે ભમ્યો, વાદ કરતાં આયુ નિર્ગમ્યો. ૩૧૦

વેશતણું રાખે અભિમાન, સામું તેણે થાએ જાન;
સંસારી મળ ધોવા કાજ, સાબુ મેલને દીધે વાજ;
અખા મેલ જો નવ નીકળે, તો મેલું તે કયી પેરે ટળે. ૩૧૧

નિવૃત્ય પ્રવૃત્ય સમણાંનું ધન, ઉંઘ્યો નર તેનું કરે જતન;
જાગ્યે રૂડું કુડું ટળે, જ્ઞાની તે જે પાછો વળે;
અખા પ્રપંચ નહિ પરમાણ, ઠાલો શું થઇ બેસે જાણ. ૩૧૨

પતીરથ દેહ દમવાકાજ, જાણી ઉન્મત્ત આવે વાજ;
ફળ સંભળાવી કીધું ખરૂં, પણ હરિ મળવાનું કારણ પરહર્યું;
અખા એ સર્વ મનનો તોર, કોડી વટાવે નાવે મોહોર. ૩૧૩

રિ જાણી જે તે હરિવડે, મન જનથી જે અળગે પડે;
બીજાં કર્મ મનથી નીપજે, મન સુધે જે તેને ભજે;
અખા તે માટે રૈ ચેત, જ્યાં રહીને નિગમ કહે નેત. ૩૧૪

ખા તેજ નર ચેત્યો ખરો, જે ચાલ્યો માથે ઉફરો;
ઊંઠ હાથમાં સૌ કો રમે, જાગ જોગ એટલામાં ભમે;
મુક્તિ ચતુર્ધા એટલા લગે, પણ પદ રહી જોતાં પડશે વગે. ૩૧૫

ણલિંગી મોટો ઉપદેશ, જે ઇચ્છે અજ વિષ્ણુ મહેશ;
લિંગ ચતુષ્ટયથી પર યથા, જ્યાં ન મળે જક્ત સંબંધી કથા;
અખા એ ત્યાંહાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દ નોહે સમાસ. ૩૧૬

ક્તિ કરતાં ભરમે બૌ, પણ ભજનભેદ ન જાણે સૌ;
જ્યાં શુચિ અગ્ર રહેવા નહિ ઠામ, એમ ભરી પૂરણ રહ્યો રામ;
ત્યાં તો કરતા દીસે ઘાત, તો એમ અખા કેમ ધાતે વાત. ૩૧૭

પેલે ઓળખ્ય હરિ પછે ભજે, કાં વોરે જોયા વિના વજે;
ચૈતન્યબ્રહ્મ કહે વેદ વાણ્ય, તું તો માને પીતળ પાણ;
આતમની અવગણના કરે, અખા ભક્તિ કેમ પડશે વરે. ૩૧૮


જ્ઞાનવિના ભક્તિ તે અશી, ભસ્તે શ્વાને જેમ ઉઠે નશી;
લારે લાર જેમ ચાલ્યે સોર, ત્યાં કોણે દીઠો તો ચોર;
જે જેણે દીઠું સાંભળ્યું, અખા તે તે વળણે વળ્યું. ૩૧૯

જેવી શાસ્ત્ર સંત વાણી વદે, તેવું નરને આવે હ્રદે;
હું મમતા દેહ જો ઓળખાય, સર્વાવાસ હરિ ત્યારે જણાય;
સચરાચર જાણ્યા વિણ હરિ, અખા દ્રોહબુદ્ધી જ્યાં ત્યાં કરી. ૩૨૦

જ્ઞાનવિના ભક્તિ નવ થાય, જેમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય;
તે માટે જ્ઞાની ગુરુ કરો, હરિ દેખાડે સભરો ભર્યો;
ગુરુજ અખા નવ જાણે રામ, તે શિષ્યને શું આપે નામ. ૩૨૧

જોતાં વિચારી સ્વે નિજધામ, ઉપાધ્ય આવવાનો તું ઠામ;
આવી અચાનક ઉઠી બલા, સુખી દુઃખી નર ભુંડા ભલા;
પંડિત જાણ થાપે જીવ કર્મ, અખે માયાનો પ્રીછ્યો મર્મ. ૩૨૨

નિજ શક્તિયે કર્યું આકાશ, તત્વે તત્વ હવો પરકાશ;
અંશે અંશ ભૂતિક પિંડ થયા, સત્તાબળ વડે ચાલી ગયા;
જેમ ખડક્યાં પાત્ર અગ્નિથી ઉષ્ણ, એમ અખા બળ વ્યાપ્યું વિષ્ણુ. ૩૨૩

પાત્ર માત્રમાં હોય વરાળ, પિંડ શાથે હોય મનની જાળ;
મનને જોઇએ સર્વે વિષય, પણ મૂળ અગ્નિને નવ લખેય;
વિષયને મન તે આ સંસાર, અખે એવી વિધ્યે કાઢ્યો પાર. ૩૨૪

મુજ જોતાં એ મન સુખી દુઃખી, પણ મનાતીત ન શકે પારખી;
મનના માર્યા જાએ એહ, એમ સમજણ નહિ સમજે તેહ;
ચૌદ લોકરૂપે મન થયું, અખા મનાતીત જેમનું તેમ રહ્યું. ૩૨૫

પ્રપંચપાર પરમેશ્વર રહે, કાં ગુણનાં કૃતને સાચાં કહે;
ગુણ તે જાય મરે અવતરે, તેને સત્ય જાણે તે ફેરા ફરે;
ગુણપારે જેનો અધ્યાસ, અખા તે નોહે સ્વામી દાસ. ૩૨૬

ખે જગતથી અવળું કર્યું, જીવત મૂકી મૃતક આદર્યું;
મૃતક સમું મીઠું કાંઇ નથી, સારમાંથી સાર કાઢ્યું મથી;
પ્રત્યક્ષ પરોક્ષ જીવતાને ભય, પણ અખા મુવો તે નિર્ભય. ૩૨૭

રામનામ પ્રીછે ગુણ ઘણો, જેમ અમૃતમાં ગુણ પીધાતણો;
વણ સમજ્યો સુડો નિત્ય કહે, રામ કંઠ પંજરમાં રહે;
ક્યાં પૂજ્યો ગાયો પરીક્ષિતે, અખા મુક્તિ પામ્યો પ્રીછતે. ૩૨૮