← સુક્ષ્મદોષ અંગ અખાના છપ્પા
ભાષા અંગ
અખો
ખળજ્ઞાની અંગ →


ભાષા અંગ


ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું;
બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર. ૨૪૬

સંસ્કૃત પ્રાકૃત જેવડે ભણે, જેમ કાષ્ટવેષે રહ્યો ભાથા કણે;
તે છોડ્યાં બાણો નાવે અર્થ, તેમ પ્રાકૃતવિના સંસ્કૃત તે વ્યર્થ;
બધા દામ વેપારી લખે, અખા વ્યાજ નોય છુટા પખે. ૨૪૭

રખે કરખે અનુભવ કશા, આકાશ ઉદરમાં વરતે દશે દિશા;
જ્યારે જેનું રાજજ જાણ, ત્યારે માનવી તેની આણ;
જ્ઞાનગગનમાં નોહે દેશકાળ, એતો અખા અજાણ્યા બોલે આળ. ૨૪૮


ષ્ટમહાસિદ્ધિ ઇશ્વરને વિષે, તેને વેદ માયા કરી લખે;
તેની કણ્યકા તે આ જીવ, તો સિદ્ધિસહિત કેમ થાએ શિવ;
લોકપતિ જે તે સિધ્યવડે, અખા અનુભવને કાંઇ ન અડે. ૨૫૦

મુળગો અહંરોગ નહિ ટળ્યો, તેમાં સિદ્ધિરૂપી ભરમજ ભળ્યો;
જેમ પેલો ઘેલો હોય બુધ્યવિષે, વળી વ્યસને લાગ્યો માદકભખે;
અખા અહંકારને ટાળી જોય, તું ન રહે તો સિદ્ધિસાથે સિદ મો‘ય. ૨૫૧

પોત ન લહ્યું પછે પોતે થયા, ઉત્તમ મધ્યમ વ્યસને વહ્યા;
માયાકૃતનો નાવે અંત, માને નહિ તો જો વેદાંત;
અખા ઉપનું ન માને આધ, ક્રયવિક્રય વિના શી વ્રધ્ય. ૨૫૨

પ્રપંચ પ્રીછી જોયો ખરો, નહિ ઉપજ ને નહિ તો વરો;
જ્યાથું ઉપનું ત્યાં નવ ઘટે, શઢ વળે જ્યાં જઇ આવટે;
જાતું મરતું દીસે ખરૂં, અંતે અખા ભર્યાનું ભર્‍યું. ૨૫૩

જેમ દુધે ફીણ ફિસોટા થાય, તોલ ન વધે આકાશ રૂંધાય;
જેમ અગ્નિયોગે જળ ઉભરે, તેમ તત્વે તત્વ જગત અવતરે;
વકર્યા તત્વ ધરે રૂપ નામ, અખા ઉત્પત લે ઠામનું ઠામ. ૨૫૪

પંચતણાં પચવિશે તત્વ, વાસનાલિંગ તે તેનું સત્વ;
ભૂત ભૂત પ્રત્યે વિચરે, અને મૃત્યુ નામ પરપોટો મરે;
ભૂતકલ્લોલ સદા સર્વદા, ચિદ્વિલાસ અખા મન મુદા. ૨૫૫

લનવલન તે ચેતનતણી, પંચરૂપે આપે થયો ધણી;
આપ આપમાંહી વિસ્તર્યું, ન કર્યા સરખું તે ત્યાં કર્યું;
જેમ છે તેમનું તેમ છે જાણ, સમજે સાન અખા નિર્વાણ. ૨૫૬