અખાના છપ્પા/માયા અંગ
← સંત અંગ | અખાના છપ્પા માયા અંગ અખો |
સૂઝ અંગ → |
માયા અંગ
માયાના ગુણ કર્મ રૂપ નામ, માયાના ગુણ શ્વેત ને શ્યામ;
માયાને મારા પારકા, દેવ દાનવ બે માયાથકા;
માયાના ગુણ જ્યાં નવ છબે, તેને અખા તે કોણ આલંબે. ૫૭
વસ્તુ નથી ઇંદ્રિને ગ્રાહ્ય, શાથી જંત ટલે શું બાહ્ય;
બાહ્ય મધ્ય અંતરપટવડે, અંતરપટ માયા રહી ઘડે;
માયાનાં કૃત્ય માયાલગે, અખા વિચારે પડશે વગે. ૫૮
ક્ષર પિંડ ને અક્ષર આત્મા, જે સમજ્યો સરૂજ્યો વાતમાં;
તત્ત્વ ચોવીશતણો સમુદાય, મુજવડે સહુ આવે જાય;
હું પૂરણ ચેતનઘન એક, નામ રૂપ ગુણ કર્મ અનેક;
અખા જે સમજ્યો તે આવ્યો, જેણે એ માર્ગ અનુભવ્યો. ૫૯
મનશું વાત વિચારી અખે, જ્ઞાની તે જે માયા ભખે;
નાઠો છૂટે નૈ એ થકી, અલગી નૈં છાયા દેહથકી;
જે આશ્રમ દરશનને ગ્રહે, રસબસ થૈ માયા ત્યાં રહે. ૬૦
ભેદુ માયા સમૂળી ગળે, સામું ટળે ને આપે ટળે;
આપાપર તળતે ઉગરે, સેજ લક્ષ તેમાં સ્થિત કરે;
અખા જીત્યાનું ન ધરે માન, જીત્યો હારે ઝાલે કાન. ૬૧
મહા વલગણી માયા પાપણી, જેમ સેવતાં ડસે સાપણી;
સિદ્ધિકાજે યોગીજન, થાવા અજર કરે છે જતન;
મંત્ર અઘોર ખવારે નર્ક, અખા ન દેખાડે આતમ અર્ક. ૬૨
દેહ ઇંદ્રિ ગુણનાં સર્વ કૃત, દીસે માયા કરતી તર્ત;
તે ક્યાંથી તાણી લે અખા, માનવિના પણ રેશે કખા;
સર્વે જાણે ભૂતવિકાર, સમજે સેજે પામે પાર. ૬૩
અખા જીવતણી એ વજા, અજને ડામે પૂજે અજા;
ઇંદ્રિયગ્રાહ્ય નહિ હરીલિંગ, જીવને જોઇએ નાન રંગ;
રંગ ઢંગ માયામાં ઘણા, સૌકો સેવક માયાતણા. ૬૪
સૌકોની માયા છે માત, મળવા ન દિયે કેને તાત;
પિતાતણું વદન જે જુવે, માતાને ખોળે નવ સુવે;
તાત ભજંતા આડી થાય, અખા સહુ માયાગુણ ગાય. ૬૫
મુક્તિ વાંછવી એજ બંધન નામ, જેમ ઘડી માપતાં પ્રગટ્યો જામ;
વસ્તુ અમોઘ ઇંદ્રિય ગુણવ્રત્ય, માયાની જાણો સંસ્ત્રત્ય;
અખા વિચારે તેમનું તેમ, તો સમજે જો હોય ગુરુગમ. ૬૬
જ્યમ સરપે નર સમણે ડસ્યો, તેદેખે વેખે મસ્તક જસો;
મણિ મંત્ર મેલી ઔષધિ, મૃત્યુ પામ્યો કરતાં વિધિ;
સર્પ મંત્ર ઔષધ ઉપચાર, જાગે અખા ટળ્યો સંસાર. ૬૭
અખા સર્વ માને ત્યાં ભેદ, માને તેને વિધિનિષેધ;
બંધમોક્ષ ચેતનને કશા, જોતાં જડની જડશે દશા;
એ તો વિચારવિના ઊધરે, દીસે ફરતું ફરતાં ફરે. ૬૮
માનણહાર શોધે નવ જડે, વણશોધે નવ ભમવું પડે;
પડછંદો નર માન્યો નરે, જેમ બોલે તેમ ઉત્તર કરે;
મૂળ તપાસી જોયું અખે, મારો ભ્રમ પૂર્યો મુજ વિખે. ૬૯
અણલિંગી કરતાની કથી, માંઈ બાર ચસમાને નથી;
તો તેજ બળ પોખે આંખ્યને, જો જો ભેદ યોગસાંખ્યને;
કહેતામાં તે સમજી જશે, અખા ગુરુનો કર શિર હશે. ૭૦